૫૨ - ‘હવે સુખની લહાણી કરો’
હવે અનાદિ મુક્તરાજ ભાઈશ્રી વૃષપુરમાં રહેવા છતાં સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીના હેતને લીધે વારંવાર કોઈ નિમિત્ત કરી બબ્બે, ચાર ચાર દિવસ ભૂજમાં રહી જતા, તેવી જ રીતે આ સ્વામીશ્રી પણ બીજા ગામ જવાના બહાને વૃષપુરમાં આઠ આઠ, દસ દસ દિવસ રહી, અનાદિ મુક્તરાજ ભાઈશ્રીને રાજી કરતા. આ મુક્તરાજ પણ સ્વામીશ્રીની મરજી જાણી, મૂર્તિના સુખની વાતો થોડી થોડી કરતા. સવાર-સાંજ ચંદન ચર્ચે, હાર પહેરાવે, મળે, એમ પરસ્પર હેત જણાવતા. પછી તો હરિભક્તોને જાણ થતી ગઈ કે, આ તો મહા સમર્થ છે, કેમ કે આવા શ્રીજીમહારાજના લાડીલા સદ્ગુરુ જેણે અનાદિ મુક્તરાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને સેવેલા તે ઊઠીને ચંદન ચર્ચી મળે, હાર પહેરાવે, કાંઈ વચન માગે, એ કેવડી વાત! એ વખતે ભાઈશ્રી રમૂજ કરી કહે કે, ‘સ્વામી! તમારા જેવા મોટા સંતની કૃપાએ અમે સુખિયા છીએ ને તમે આવું શું બોલો છો? અમથી ભાર નહિ ખમાય!’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘ભાર ખમનારા જબરા છે, તમે શ્રીજીમહારાજને ઘડીયે મૂકતા નથી, ને આમ ઢાંક્યું ક્યાં સુધી રાખશો? હવે સુખની લહાણી કરો. મહારાજે તમને શું કરવા રાખ્યા છે?’ આવાં વચનો હરિભક્તો તથા સાથે રહેનારા સંતો સાંભળે, એ વળી એક બીજામાં વાતો કરે, એમ કરતાં હરિભક્તોને જાણ થતી ગઈ. સદ્ગુરુ સ્વામી નિર્ગુણદાસજી તો જ્યારે ભૂજથી અમદાવાદ જાય ત્યારે ત્યાં પણ સભામાં વાતો કરે જે, ‘જેને આ ટાણે શ્રીજીમહારાજનું સુખ વહેલું જોઈતું હોય તેણે વૃષપુર ગામમાં એક મોટા મુક્ત અબજીભાઈ નામે છે તેમનો જોગ-સમાગમ ને સેવા કરી રાજી કરવા. એ અખંડ મૂર્તિમાં રહે છે; જેના પર દૃષ્ટિ કરે છે, જેને પ્રસાદી આપે છે તેનાં બહુ મોટાં ભાગ્ય થતાં જણાય છે. કેટલાક હરિભક્તો દેહ મૂકે છે ત્યારે શ્રીજીમહારાજ સાથે તેમનાં પણ દર્શન થાય છે.’ આવી વાતો કરી છેવટે પોતાના જોગ-સમાગમવાળાને કહેતા જે, ‘જેમ મારી પાસે આવો છો, તેમ એમની પાસે જઈને જોગ કરજો. એ સિદ્ધ મુક્ત છે, અખંડ મહારાજને દેખે છે.’ આવી વાતો મૂળી, અમદાવાદ તથા કચ્છ વગેરેમાં કરી આ અનાદિ મુક્તરાજને તેમણે બહુ પ્રસિદ્ધ કર્યા, તેથી ઘણા હરિભક્તો દર્શન કરવા આવવા લાગ્યા. કચ્છમાં આ બધું નવીન થયું તેથી ભાઈશ્રીને એ ફાવે નહિ. પણ જે હરિભક્તો આવે તે સ્વામીશ્રી નો કાગળ કે ભલામણ લાવે અથવા તેમના નામથી કહે. તેમાં કોઈ બે દિવસ તો કોઈ પાંચ દિવસ રહે. આ પ્રકારે મહિમા વધતો ગયો. ભાઈશ્રી હરિભક્તો આગળ ઘણું નિર્માનીપણું જણાવે, અજાણ્યા થઈ જાય, સાદા હરિભક્તની જેમ વર્તે, બહુ બોલે નહિ. તોપણ સ્વામીશ્રીએ દિવ્યભાવની વાતો કરી હોય તેથી એ ઢાંક્યા ક્યાંથી રહે? ભાઈશ્રીને પ્રસિદ્ધિ ગમે નહિ, તેથી હરિભક્તોને રોટલા જમાડી, સેવા કરી રાજી થાય, વાડીએ લઈ જાય. ત્યાં કામ મૂકી વાતો કરતા બેસી જ રહે. આથી કાંઈ કામકાજ બની શકે નહિ. પોતાના ઉપર કરજ તો પ્રથમથી હતું. તે પાછું આ રીતે એમ ને એમ વધતું જ રહ્યું. તેની પણ ચિંતા કરે નહિ. પરંતુ સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ આ મુક્તરાજનો મહિમા બહુ કહી તેમના વ્યવહારની ખબર રાખવાની તથા બનતી મદદ કરવાની ભલામણ નારાયણપુરના જાદવજીભાઈને કરેલ હોવાથી તેમને એ વાત ખટકતી હતી. તે રાતદિવસ એ જ વિચારમાં હતા કે, ભાઈશ્રીનું કરજ આપણે ગમે તેમ કરી પતાવી દેવું, જેથી શ્રીજીમહારાજ, સ્વામીશ્રી અને આ મુક્તરાજ આપણા ઉપર રાજી થાય.