૨ - સગપણ તથા લગ્ન

0:000:00

હવે આ અનાદિ મુક્તરાજનાં સગપણ તથા લગ્નનો પ્રસંગ જોઈએ. કચ્છની કણબી જ્ઞાતિમાં ઘણા વખતથી એવી જ રૂઢિ ચાલી આવતી જણાય છે કે સગપણ તો જન્મ પછી બાળકો ઘોડિયામાં હીંચતાં હોય ત્યારથી જ થઈ જાય છે. આ અનાદિ મુક્તરાજનું સગપણ એવી રીતે થયું ન હતું. કન્યાનાં માબાપ વર તથા ઘરનો વ્યવહાર, કુળ, કુટુંબ, સગાંવહાલાં પ્રથમ જુએ. એ ઠીક જણાય તો બીજી ખામીઓ ઝાઝી ગણે નહિ. એવી માન્યતા સ્વાભાવિક રીતે હોય.

આ અનાદિ મુક્તરાજના સગપણમાં બીજું બધુંય અનુકૂળ હતું, પણ પાંચાભાઈનો વ્યવહાર દુર્બળ હોવાથી છેક નાની અવસ્થામાં સગપણ થયેલ નહિ. પાંચેક વર્ષ પછી આ મુક્તરાજને – આ કોઈ ચમત્કારી છે – એમ સૌ જાણવા લાગ્યા. આવી ખબર ગામ માનકૂવામાં કેરાઈ ગાંગજી ભક્તને પડતાં તેમની પત્ની ગાંગબાઈ સાથે વાતચીત કરી. પતિ-પત્નીનો એકવિચાર થતાં પોતાની કન્યા દેવુબાઈને પાંચાભાઈને ઘેર તેમના પુત્ર ‘અબજીભાઈ’ને આપવાની વાત ચલાવી, તેથી દેવબાઈ હર્ષ પામ્યાં. પાંચાભાઈને પણ એ ઘર ઠીક લાગ્યું. વાત નક્કી થઈ એટલે સગપણ કર્યું, અને એકબીજાને ઘેર જ્ઞાતિના રિવાજ પ્રમાણે ગીત ગવાયાં. ગોળ, સાકર ને ખારેકો વહેંચાણી. આ મુક્તરાજ તો એ જ દિવસે ઘરમાં સૂતા સૂતા કીર્તન બોલતા હતા જે, ‘સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું.’ આ જોઈ દેવબાઈ તો મનમાં સમજી ગયાં કે મારા પુત્ર આ લોકના મનુષ્ય જેવા નથી, તોપણ આ લોકની રીતે સગપણ કર્યું છે. આને તો હરિવર જે શ્રીજીમહારાજ તેમની જ વાત છે. આવા વિચારો કરી તથા શ્રીજીમહારાજે પોતાને દર્શન આપેલાં તે સંભારી આનંદ પામતાં પોતાના દિવ્ય પુત્રને જોઈ જોઈ રાજી થાય. આ મુક્તરાજ ઉઘાડે શરીરે સૂતા હોય ત્યારે જાણે ધ્યાનમાં હોય તેમ જણાતાં, દેવબાઈ તેમના મુખની શોભા જ જોઈ રહે. પડખું ફેરવે ત્યારે ‘હે મહારાજ, સ્વામિનારાયણ!’ એવા શબ્દ સાંભળતાં મહારાજે પોતાને દર્શન આપેલાં તેની યથાર્થ સ્મૃતિ થઈ આવે. નાહતા જોઈને ચિત્તવૃત્તિ ખેંચાય. ઘેરાળું જાડું કેડિયું પહેરે ત્યારે પણ એવા જ શોભે. ટોપી પહેરતા, પછી છેડાવાળી પાઘડી બાંધવા લાગ્યા. જેમ કરે તેમ એવું જ સ્વરૂપ, તેથી શોભાયમાન લાગે. હાલતાં, ચાલતાં, જોતાં, વાતચીત કરતાં, નેણ તો ઢાળી રાખેલાં જ જણાય. બહુ ચપળ ન લાગે. વાત કરે ત્યારે જાણે વિચારી વિચારીને બોલ બોલવા હોય તેમ ધીમે ધીમે બોલે. પછી તો કીર્તન શીખવા માંડ્યાં. ભણતર સાવ થોડું, પણ કીર્તન તો એક વાર બોલે પછી ચોપડીમાં જોવું ન પડે. એમ પોતે ઘણી કીર્તનની ચોસરો કંઠે કરી હતી, તેથી મંદિર, બજાર કે વાડી, જયાં જાય ત્યાં ધીરે ધીરે કીર્તન બોલતા જ હોય. જ્યારે કોસ હાંકે ત્યારે તો ઊંચે સ્વરે બોલે. રાત્રે સૂતા સૂતા ઊંઘી ગયા હોય એમ જણાય, પણ પડખું ફેરવે ત્યારે એકાદ કીર્તનની ટૂંક બોલતા સંભળાય. આમ નિત્ય પ્રત્યે નવી નવી ચેષ્ટાઓ તથા દિવ્યભાવ જણાવતા હોવાથી માતાપિતા તથા પુરવાસી જનને આ મુક્તરાજને વિષે હેત વધતું ગયું.