૫૯૦ - સંતોને એક મહિનો રાખી સુખિયાં કર્યા

0:000:00

આ રીતે બાપાશ્રી દિવ્યભાવ અને મનુષ્યભાવ જણાવતા વૃષપુર પધાર્યા હતા ને થોડા દિવસ પછી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો પણ ગામડામાં થઈ વૃષપુર ગયા ત્યારે પોતે અતિ પ્રસન્નતા જણાવી સૌને મળ્યા ને બહુ હેત જણાવ્યું.

પછી સંતોએ પૌત્ર રામજીની આંખના સમાચાર પૂછ્યા, ત્યારે પોતે કહ્યું જે, ‘એની આંખ તો સાવ ગઈ છે. મહારાજની મરજી એવી હશે. એમની મરજી હોય તેમ સૌને રહેવું પડે.’ હવે સંતો આવતાં પોતે તો કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ ચાલતો કર્યો. સ્વામીશ્રી આદિ સંતમંડળને પ્રથમ પોતે દેશમાં જવાની રજા આપતાં એમ કહેલું જે, ‘આ ફેરે આપણે ઘણું ભેળા રહ્યા, હવે આવવાની ઉતાવળ ન કરશો. તમારો સત્સંગમાં સહુને ખપ હોય.’ આવાં વચનોથી સંતો આ ફેરે મોડા આવેલા, તેથી એ સૌને રાજી કરવાની અને વાતો સાંભળવાની તાણ બહુ હોવાથી બાપાશ્રી પણ તેમને નવા નવા હેતે મૂર્તિના સુખની વાતો કરી રાજી કરવા મંડ્યા. સદ્‍ગુરુઓને આવ્યા જાણી થોડા દિવસ થયા ત્યાં અમદાવાદથી શેઠ બળદેવભાઈ, બહેચરભાઈ, સોમાભાઈ તથા ભાવનગરવાળા હરગોવિંદભાઈ અને કરાંચીના હરિભક્તો હીરામલભાઈ, સાંવલદાસભાઈ, સોમચંદભાઈ તથા ગોવિંદભાઈ વગેરે પણ દર્શન-સેવા ને જોગ-સમાગમનો લાભ લેવા આવ્યા, તેથી બાપાશ્રી ઘણા રાજી થયા. પોતાને તો સહુને સુખિયા કરવાનું તાન એટલે સવારથી રાત સુધી આ મુક્તમંડળ રાજી થાય તેમ કરે. પ્રભાતે સહુ વહેલા નાહી પૂજા કરી લે ને બાપાશ્રી પૂજા કરે ત્યારે પાસે બેસી દર્શન કરે, કોઈ દંડવત્ કરે, હાથ જોડે, પછી ઉઘાડે શરીરે મળે. એ વખતે સભા ભરાય. પુરાણી ઘર્મકિશોરદાસજી રોજ કથા વાંચતા, તેથી પ્રસંગે પ્રસંગે પ્રશ્નો પૂછે, તેના ઉત્તર થાય. શેઠ બળદેવભાઈ, બહેચરભાઈ જેવા પણ પ્રસન્નતા જોઈ પૂછે. સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને તો બાપાશ્રી કેમેય કરતાં વાતો કરે એ જ તાન, કેમ કે એમને તો વાતોનો સંગ્રહ ભેળો કરવાનો ઠરાવ હોવાથી વચનામૃત વંચાતાં હોય તેમાં એવા પ્રશ્ન પૂછે કે બાપાશ્રીને વાતો કરવી જ પડે. હરિભક્તો રોજ રસોઈઓ આપે, સંતોની પંક્તિ થાય ત્યારે બાપાશ્રી દર્શન કરતા દંડવત્ કરે, કોઈ વાર એ ટાણે અથાણું ઘેરથી લેતા આવે, પોતાના પુત્રો પાસે છાશ વગેરે કાંઈ જોઈતું હોય તે મગાવે, પોતે કાંઈ ને કાંઈ વસ્તુઓ લાવી પ્રસાદીઓ વહેંચે; બપોરે સંતો વાડીએ નાહવા જાય ત્યારે તો જાણે રોજ કપિલાછઠ કે મહોદય પર્વ! નાહવા ટાણે પરસ્પર મહિમા જાણી એકબીજાને નવરાવે, માનસી પૂજા કર્યા પછી વાતો થાય, એ વખતે ચંદન-પુષ્પની પૂજાઓ થતાં બાપાશ્રી એ પૂજાનો મહિમા કહે, સાંજે ગોડીઓ બોલાય, રાત્રે આરતી વખતે તો દિવ્ય મૂર્તિ મહાપ્રભુ પાસે ઊભા રહી બાપાશ્રી તથા સંત-હરિભક્તો ધૂન્ય કરતા હોય, એ સમયની શોભા તો રોજ રોજ નવીન જ લાગે. કથા વખતે પણ નિત્ય બ્રહ્મરસ વરસ્યા કરે. ચંદન, કુંકુમ, કેસર તથા ગુલાબ અને હજારી ફૂલનાં પણ અહોભાગ્ય! કે રોજ આ દિવ્ય મુક્તોની પૂજામાં કામ આવે. સવારે ઓશરીમાં ને બપોરે ચોકમાં ઝાડ નીચે અથવા વાડીઓમાં અને રાત્રે મંદિરમાં બાપાશ્રી તથા સંતોની સભા બેઠી જ હોય.

એક દિવસ વચમાં એકાદશી આવી ત્યારે પોતે સંત-હરિભક્તોએ સહિત છત્રીએ પધાર્યા. ત્યાં ‘વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા ‘સહિત પારાયણ કરાવી, ત્યારે છત્રી પર શ્રીજીમહારાજની મૂર્તિ પધરાવી, બાપાશ્રીને ઓટા પર બેસાર્યા; પછી સહુ સંત-હરિભક્તોએ મહારાજની પૂજા કરી બાપાશ્રીને ચંદન ચર્ચી ફૂલના હાર પહેરાવ્યા. ત્યારે બાપાશ્રીએ પણ સૌની પૂજા કરી, તે વખતે પુરાણી ધર્મકિશોરદાસજીએ બાપાશ્રીને પૂછવાના પ્રશ્નો કાગળમાં લખી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને આપ્યા, ત્યારે સ્વામી કહે, ‘બાપા! આ પુરાણી આપને પ્રશ્ન પૂછે છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘આજ નહિ. કાલે પૂછજો; આજ અહીં મોડું થઈ ગયું છે, માટે મંદિર ચાલો.’ એમ કહી સહુ મંદિરમાં આવ્યા.

પછી બીજે દિવસ ઠાકોરજીને જમાડી સંતો લખાઈવાડીએ ગયા. ત્યાં બાપાશ્રી તથા સંતોએ નાહ્યા પછી પરસ્પર ચંદન-પુષ્પથી પૂજાઓ કરી ત્યારે સ્વામીશ્રીએ પાછા આ પ્રશ્ન પૂછવા ઇચ્છા જણાવી. ત્યારે કહે, ‘ભલે, પૂછો.’ તે વખતે ‘વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા’ની પારાયણ કોઈ કરે તેને શું ફળ થાય એમ પૂછયું, ત્યારે બાપાશ્રી કહે, ‘આ પારાયણ જે કરાવે તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારેય પુરુષાર્થની સિદ્ઘિને પામે અને પારાયણને અંતે સંત-હરિભક્તો નાહતા હોય, તે પાણીમાં મહિમાએ સહિત જે નાહ્ય અથવા તે પાણી માથે ચડાવે તેનાં પણ પંચમહાપાપ બળી જાય.’ પછી સ્વામીશ્રીએ પૂછયું જે, ‘કેટલી પારાયણે મૂર્તિ અખંડ દેખાય?’ ત્યારે પોતે કહું જે, ‘પાંચ પારાયણે અને આજ્ઞા યથાર્થ પાળીને દિવસે દિવસે જે પાઠ કરે, તેનું પણ આત્યંતિક કલ્યાણ થાય,’ -એમ બોલ્યા; તેથી સહુ રાજી થયા.

એક દિવસ બપોરના સંતોએ નવી વાડીએ નાહીને જાંબુના વૃક્ષ નીચે બેસી માનસીપૂજા કરી, ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘સર્વે સાધનનું ફળ મહારાજની મૂર્તિ છે. તે સામું જોઈ રહેવું.’ એ વખતે કેરાના એક હરિભક્તનો છોકરો ત્યાં રમતો હતો તેને આંચકી આવી, તેથી તેના બાપે ખોળામાં લીઘો. ત્યાં તો તેનો દેહ પડી ગયો. પછી તે છોકરાના બાપે એ છોકરાને સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીના ખોળામાં નાખ્યો ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે, ‘તેં આ શું કર્યું? આનો તો દેહ પડી ગયો છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમે એ છોકરાને પાણી પાઓ; મહારાજ સારું કરશે.’ પછી બાપાશ્રીની આજ્ઞાથી સ્વામીશ્રી એ તે છોકરાને પાણી પાયું એટલે તે સાજો થયો. ત્યારે બાપાશ્રી કહે, ‘આ નૈમિષારણ્ય ક્ષેત્ર હતું, તેથી આ છોકરો બચી ગયો ને એનું પણ કામ થઈ ગયું. જુઓને! સ્વામિનારાયણને ઘેર આવાં કામ થાય છે. આવા ચમત્કાર દેખે તોય જીવને પ્રતીતિ ન આવે. એ નિશ્ચયમાં કસર કહેવાય.’

એક દિવસ બપોરે સંતોએ નાહી લીધા પછી વાડીમાં જાંબુના વૃક્ષ નીચે સભા થઈ, ત્યારે સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી ઘ્યાને યુક્ત બેઠા હતા, તેમને જોઈને બાપાશ્રીએ વાત કરી જે, ‘અમે સંવત ૧૯૫૧ ની સાલમાં ગુજરાતમાં ગયા હતા ત્યારે આ સ્વામી ધોળકામાં મહંત હતા, ત્યાં અમે દર્શને ગયેલા; ત્યારે તેમને થોડીક પરભાવની વાતો કરી હતી, તે દિવસની એમને એ વાત ચૈતન્યમાં પેસી ગઈ છે, તેથી હવે તો સદાય ઉપશમમાં જ રહે છે. આપણે પણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિને બાઝવું. આવો જોગ ક્યાંથી મળે? શ્રીજીમહારાજ વિના ‘સબ જગ જરત અંગારા’ એવું થઈ જાય, તેને ઉપાસના કહીએ.’ એમ કહી મહિમાની વાતો બહુ કરી સૌને સુખિયા કર્યા.

એક દિવસ સભામાં પ્રથમ પ્રકરણનું સાડત્રીસમું વચનામૃત વંચાતું હતું તેમાં એમ વાત આવી જે ‘જેવોતેવો હોય તોપણ તે અમને ગમે છે,’ તે ઉપર બાપાશ્રીએ રતના ભક્તની વાત કરી જે, ‘એ મૂર્તિના સુખે સુખિયા હતા, પણ આ લોકની રીતે ક્રિયા જોતાં મળતું ન આવે. તે બીજું તો શું! પણ જમતાં, બોલતાં ય સરખું ન ફાવે. તે જમતા હોય ને શાક, ખીચડી મોઢામાંથી પડી જાય, એવું જોઈને એક દિવસ તેના દીકરા માવજીએ કહ્યું જે, ‘બાપા! તમને ખાતાં ય નથી આવડતું,’ એવા હોય તે જેવાતેવા કહેવાય. તેમના ઘરનાં (પત્ની) પણ બહુ જ દૃઢતાવાળાં હતાં. એક વાર તેમના દીકરા માવજીને મંદવાડ થયો હશે, ત્યારે કોઈ ફકીરે આવીને કહ્યું જે, ‘તમારો માવજી મરશે નહિ.’ ત્યારે તે કહે, ‘નક્કી નહિ મરે? જો ન મરે તો લખી દે કે નહિ મરે! નહિ તો નીકળ ઘરથી બહાર.’ એમ કહીને તેને કાઢી મૂક્યો. એવાની કાળ, કર્મ ને માયા થકી મહારાજ રક્ષા કરે. જેમ માબાપ બાળકને નાગ, વાઘ, અગ્નિ આદિથી જાળવે છે તેમ એનું પ્રારબ્ઘ મહારાજ છે, તે જાળવે છે.’ આવી રીતે ચમત્કારી વાતો કરી સંત-હરિભક્તોને નવા નવા પ્રકારે સુખ આપતા, તેથી સહુ રાજી થતા. ગામડેથી હરિભક્તો રોજ આવ્યા જ કરે તે હજારી ફૂલના હાર લાવે ને ચંદન-પુષ્પથી પૂજાઓ કરે. વળી કેરી, પોપૈયાં તથા બીજી જે કાંઈ વસ્તુ લાવે તેની પ્રસાદીઓ થાય. આમ સદ્‍ગુરુઓ કચ્છમાં આવતાં હરિભક્તોને આનંદ આનંદ થઈ જતો અને બાપાશ્રીને સદ્‍ગુરુઓ આવે એટલે મૂર્તિના સુખની લહાણી કરવા સિવાય બીજું કાંઈ કામ જ નહિ.

આ રીતે સદ્‍ગુરુઓ આદિ સંતમંડળ તથા શેઠ બળદેવભાઈ આદિ હરિભક્તોને લગભગ એક મહિના સુધી બહુ જ સુખ આપીને જેઠ માસમાં દેશમાં જવાની રજા આપી. આ સંતોને તો એક જ ઠરાવ કે બાપાશ્રી જવાનું કહે ત્યારે રાજી થકા જવું. પછી આજ્ઞા પ્રમાણે જ્યારે ચાલવાનું હતું ત્યારે સંતોએ ચંદનપુષ્પથી પૂજા કરી આશીર્વાદ માગ્યા. ત્યારે બાપાશ્રી પણ સંતો પર પ્રસન્ન થઈ તે સહુને બહુ હેત જણાવી રાજી કરતા ગામના હરિભક્તોએ સહિત ઘણે છેટે સુધી વળાવવા ગયા અને સૌને મળી ગાડામાં બેસારી પાછા વળ્યા.