૩૨૮ - ભૂજમાં અન્નકૂટોત્સવ

0:000:00

આવી રીતે અનાદિ મુક્તરાજ બાપાશ્રી વૃષપુરમાં રહ્યા થકા હેતવાળા હરિભક્તોને મહારાજ સાથે દિવ્યરૂપે દર્શન આપી સુખિયા કરતા, તેમ જ દરરોજ સવારમાં પોતાનું નિત્યનિયમ કરી, કથાવાર્તા કરતા તથા બપોરે વાડીએ જતા ને સાંજે પાછા ઠાકોરજીને જમાડી મંદિરમાં આવી કથાવાર્તા તથા ધ્યાન-ભજન કરતા, તેમ જ સમૈયાના દિવસો આવે ત્યારે ભૂજ દર્શને જાય. ગામડામાં કોઈ હરિભક્ત તેડાવે તો ત્યાં પણ જાય. પુત્રપૌત્રાદિક, ઘર કે વાડીના કામકાજનું પૂછે તો ઘટતું કહે, પણ કોઈ કામ માથે નહિ. બેય દીકરા વ્યવહાર સંભાળી લે તેવા હોવાથી પોતાને તો ફક્ત ઘેર કે વાડીએ આંટો દેવા જવાનું. ઘરમાં દીકરીઓ તથા નાનાં છોકરાં વગેરે બનતું કર્યા કરતાં હોવાથી પોતાને કોઈ વાતની ચિંતા રાખવાનો ઠરાવ નહિ, એમને તો સંત-હરિભક્તો આવે એટલે મહારાજની મૂર્તિની જ વાત. ગામડેથી હરિભક્તો આવે, તોય એનું એ. વૃદ્ધ, અશક્ત કે મંદવાડવાળા સંભારે કે કોઈ આવીને કહે, તો તેમની પાસે જઈ દર્શન આપે. વાતો કરી મૂર્તિમાં વૃત્તિ રખાવે ને કોઈ દેહ મેલે તો ઠેઠ મહારાજના સુખમાં પણ પહોંચાડે. આ પ્રકારે દિનપ્રતિદિન ગામના નાનામોટા હરિભક્તો તથા બહારગામથી જોગ-સમાગમ કરવા આવતા સંત-હરિભક્તોને સુખિયા કરતાં, બાપાશ્રી ભૂજમાં અન્નકૂટના દિવસે હરિભક્તોને સાથે લઈ દર્શન કરવા ગયા.

એક તો બેસતું વર્ષ ને અન્નકૂટનો સમૈયો, તેથી સહુના હૃદયમાં ઉમંગ હતો, ત્યાં આ અનાદિ મુક્તરાજ પધાર્યા, એટલે સંત-હરિભક્તો ઘણા રાજી થયા. બપોરે ઠાકોરજી પાસે ભારે ભારે પકવાન્નો, પાક, શાક, વગેરે મેવા-મીઠાઈઓના થાળ પીરસાઈ રહ્યા ને આરતી થઈ, ત્યારે ઉત્સવ થવા લાગ્યો, એ ટાણે હરિભક્તોના સમૂહમાં બાપાશ્રી મહારાજનાં દર્શન કરતા હતા ને નાનાંમોટાં બાઈ-ભાઈ શ્રીજીમહારાજ તથા આ અનાદિ મુક્તરાજને જોઈ રાજી થતા હતા. પછી સાંજના વાડીમાં હરિભક્તોને જમવાનું હતું, ત્યાં પણ બાપાશ્રી સહુને દર્શન દઈ પાછા મંદિરમાં આવ્યા.

બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને તો બાપાશ્રીને જુએ કે હૈયામાં હર્ષ સમાય નહિ; એટલે તે તો ઠાકોરજી પાસે ઊભા રહી મહારાજની મૂર્તિ સામું જુએ, તેમ ઘડી ઘડી આ અનાદિ મુક્તરાજ સામું પણ જુએ. આસને કે સભામાં બેઠા હોય ત્યારે ઠાકોરજીના પ્રસાદીહાર લાવી પહેરાવે, જળપાન કરાવે, ટાણું થાય ત્યારે પાસે બેસી થાળ જમાડે. ભૂજના સંત-હરિભક્તોને પણ બાપાશ્રીને જોયા, એટલે નવું નવું હેત. આ વખતે બાપાશ્રી ભૂજના સંતોને એક વાત પૂછવાનો સંકલ્પ કરીને આવેલા હોવાથી ચાર દિવસ સુધી રોકાણા હતા. સંતો અન્નકૂટના કામથી પરવાર્યા, ત્યારે પોતાની સાથે આવેલા ધનજીભાઈ, ઝીણાભાઈ વગેરેને સાથે રાખી સદ્‍ગુરુ સ્વામી મહાપુરુષદાસજી, બાલકૃષ્ણદાસજી, ભક્તિપ્રિયદાસજી આદિ સંતોને એક કોર બોલાવી પોતે વાત કરવા લાગ્યા જે, ‘મને ઘણા વખત થયાં સંકલ્પ થયા કરે છે કે, ‘ભૂજમાં હજી એક ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવી, તેનું ખર્ચ જે થાય તે મંદિર માથે નહિ. એ તો તમ જેવા સંતોની કૃપાથી મહારાજ આપી રહેશે, પણ તમારી સહુની મરજી હોય તો એ કામ બને.’ પછી સંતોએ માંહોમાંહી વિચાર કરીને કહ્યું જે, ‘મંદિરની જગ્યા બહુ સાંકડી છે, તેથી ઘનશ્યામ મહારાજ ક્યાં પધરાવાય? જગ્યાનો ખુલાસો હોય તો તો કાંઈ નહિ. જો સભામંડપમાં પધરાવીએ તો બાઈઓને દર્શન ન થાય, માટે હમણાં એ નહિ બની શકે. આગળ મહારાજ કરે તે ખરું!’ ત્યારે બાપાશ્રી કહે, ‘તો મેં એક બીજી વાત ધારી છે કે, અમારે ગામ કાળીતલાવડી શ્રીજીમહારાજની પ્રસાદીની છે, ત્યાં મોટો પથ્થરનો ગડ હતો, તે પર મહારાજ ઘણી વાર આવીને બેસતા. તમો રાજી થાઓ તો ત્યાં છત્રી કરાવી ચરણારવિંદ પધરાવવાનું કરીએ.’ આ વાત સંતોને ગમી ને કહ્યું કે, ‘આ તમારો વિચાર ઠીક છે ને તે સ્થાને છત્રી કરાવવાનું કરો, સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજી એ કાળીતલાવડીનો મહિમા ઘણી વાર કહેતા, ત્યારે બાપાશ્રી કહે, ‘મને પણ સ્વામીશ્રીએ એ સ્થાને છત્રી કરાવી ચરણારવિંદ પધરાવવાનું કહેલ હતું.’ આમ બાપાશ્રી તથા સંતોનો એક અભિપ્રાય થતાં વાત નક્કી થઈ. પછી બાપાશ્રી કહે, ‘એ સ્થાનને અડખેપડખે ઘાટી ઝાડીને લઈને કેટલાક વાસનિક ભૂતો ઘણો વખત થયાં રહે છે, તેથી ગામના માણસો તો સાંજ પછી નીકળી જ શકતા નથી. કોઈ કોઈના દેખવામાં પણ એવું આવે છે, તેથી જો આ સ્થાન કરીએ તો પહેલાં તો સાથે આવીને એ ભૂતોનો મોક્ષ કરવો પડશે.’ ત્યારે સંતો કહે, ‘એ કામમાં ક્યાં બીજા કોઈનો ખપ પડે તેવું હતું?’ પછી સંતોને મોકલવાનું નક્કી કરી બાપાશ્રી વૃષપુર પધાર્યા ને અમદાવાદમાં સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીની ઉપર બેય સદ્‍ગુરુઓનાં નામથી કાગળ લખી પુછાવ્યું જે, ‘અમારાં માતુશ્રીને કાળીતલાવડી પર મહારાજે દર્શન આપી વરદાન આપ્યું હતું તે ઠેકાણે છત્રી કરાવી ચરણારવિંદ પધરાવવાનો અમોએ વિચાર કર્યો છે, તેમાં તમારો શું અભિપ્રાય છે? આ પત્ર પહોંચતા બન્ને સદ્‍ગુરુઓએ રાજી થઈ તુરત જવાબ લખ્યો જે, ‘તમારો પત્ર પહોંચ્યો. વાંચી બહુ જ આનંદ થયો. આપનો વિચાર અનંત જીવોના ઉદ્ધારને અર્થે છે. તેથી આપ જે કરતા હશો તે સારું જ કરતા હશો. અમને તો આપની સર્વે ક્રિયા કલ્યાણકારી લાગે છે.’ આવો પત્ર આવતાં બાપાશ્રી ઘણા રાજી થયા ને તુરત ગામધણી પાસેથી એ તલાવડીને પડખે પ્રસાદીની જગ્યા હતી તે વેચાતી લઈ તેનો પોતે લેખ કરાવી લીધો.

થોડા દિવસ પછી ભૂજથી સંતોએ સ્વામી વિજ્ઞાનદાસજીનું મંડળ વૃષપુર મોકલ્યું, કેમ કે તેમને કારખાનાના કામમાં સારી નજર પહોંચતી હતી. સંતો આવ્યા એટલે ગામના હરિભક્તો ઘણા રાજી થયા ને કથાવાર્તા ચાલતી થઈ. સહુનાં મનમાં એમ જે, ‘કાળીતલાવડીના માર્ગે નીકળતાં ઘણા લોકો જનથી ને ભૂતોથી બીએ છે, કેટલાયને દેખાય છે, કોઈને તો એ વળગીને રાડો પડાવે છે, તેનો જો મોક્ષ થાય તો એ દુઃખ મટે. બાપાશ્રી આ લોકમાં અનેક જીવોનાં કલ્યાણ કરવાને અર્થે આવ્યા છે, તેથી કેટલાયને મોક્ષનાં વરદાન આપે છે. તો આ માર્ગે જે ભૂત-પ્રેત રહેતાં હોય તેનો મોક્ષ થાય તો ગામને તથા ભૂતને બેયને દુઃખ મટે.’ આમ વિચાર કરતા હતા ત્યાં એક દિવસ સંતોને સાથે લઈને બાપાશ્રીએ એ સ્થાને જવાનું નક્કી કર્યું. ખબર પડતાં પચાસ-સાઠ હરિભક્તો ભેળા ચાલ્યા. તે વખતે બાપાશ્રીએ ઘેર જઈ પોતાની દીકરીને કહ્યું કે, ‘વાલબાઈ! સાકર ને પતાસાં ઘરમાં જે હોય તે લાવો. આજ જન તથા ભૂતોને ધામમાં મૂકવાં છે.’ આ વાતથી તેમણે રાજી થઈ અર્ધો મણ જેટલી સાકર ઘરમાં હતી તે લૂગડામાં બાંધી દીધી, તે લઈ પોતે મંદિરમાં આવ્યા. પછી સંત-હરિભક્તો એ સ્થાને જવા નીકળ્યા ત્યારે પોતાને એમ થયું જે, ‘પતાસાંને બદલે ભેળો ગોળ લીધો હોય તો સૌને પ્રસાદી વહેંચાય.’ આ વિચારથી પાછા ઘેર આવીને કહ્યું, ‘વાલબાઈ! સંત-હરિભક્તો નીકળ્યા છે ને હું તેમની સાથે જઉં છું, પણ તમે હમણાં કાળીતલાવડીએ એક તપેલું ભરીને ગોળ પહોંચાડજો.’ એમ આજ્ઞા કરી, તે પ્રમાણે તેમણે ત્યાં ગોળ પહોંચાડ્યો. બાપાશ્રી અને સંતોએ ત્યાં જઈ મહારાજને પ્રાર્થના કરી, ફરતાં પાણી છાંટી, વર્તમાન ધરાવવા માંડ્યા ને ચારેય કોરે નજર ફેરવી ત્યાં તો હમહમાટ શબ્દ થવા લાગ્યો, એ સહુ સાંભળતા હતા. બાપાશ્રી કહેતા જાય જે, ‘અહીંથી બધાય ધામમાં ચાલ્યા જાઓ. તમારાં પાપ આજ શ્રીજીમહારાજે બાળી નાખ્યાં,’ એમ કહે ને ગોળ-સાકર લાવેલ તે ખોબા ભરી ભરી અધ્ધર ઉડાડે ને બોલે જે, ‘પ્રસાદી ખાઓ ને ધામમાં જાઓ.’ ગોળ-સાકર ઉડાડે તે ભેળાં જાણે ભૂતો અધ્ધરથી ઝીલી લેતાં હોય તેમ એકેય ગાંગડો હેઠે જ ન પડે. આવું જોઈ સંત-હરિભક્તો આશ્ચર્ય પામવા લાગ્યા. પછી બાપાશ્રીએ હરિભક્તોને કહ્યું જે, ‘આજથી ભૂતની ને જનની બીક સહુની ગઈ.’ એમ કહી મહારાજને જમાડી, સંત-હરિભક્તોને ગોળ વહેંચ્યો ને જ્યાં મહારાજ બેસતા એ સ્થાને મોટો પથ્થર હતો તે ઉપાડવા સૌને કહ્યું જે, ‘પ્રસાદી જમી લ્યો એટલે આપણે આ પથ્થર ઉપાડીએ.’ પછી સંતો એક કોર ઊભા રહ્યા ને બાપાશ્રી હરિભક્તો ભેળા તે પથ્થર ઉપાડવા લાગ્યા. ત્યારે મોટા મોટા હરિભક્તોએ ના પાડી ને કહ્યું કે, ‘બાપા! તમે સંતો પાસે બેસો, અમે ઉપાડીએ છીએ.’ એમ કહી ઉપાડવા મંડ્યા, પણ એ મોટો પથ્થર જરાય ડગ્યો નહિ. પછી બાપાશ્રી ઊઠ્યા ને સહુ ભેળા આવી ઊંચે સ્વરે બોલ્યા જે, ‘સૌ મહારાજ! સ્વામિનારાયણ!’ કહી ઉપાડો, -એમ પોતે ટેકો દીધો કે એ પથ્થર તુરત જ ઊપડ્યો, એટલે એક કોર કાઢી નાખ્યો. આથી સંત-હરિભક્તો આશ્ચર્ય પામ્યા. પછી મુહૂર્ત પ્રમાણે પાયો ખોદવાનું કામ ચાલતું કર્યું ને હરિભક્તોમાં કડિયાકામને જાણનારા કાનજીભાઈ તથા માવજીભાઈ સાથે છત્રી કરવાનો ઠરાવ કર્યો. ગામના હરિભક્તો બાઈ-ભાઈને બાપાશ્રીને રાજી કરવાનું તાન, તેથી સૌએ સેવા કરવા હોંશ બતાવી. કોઈએ પા’ણા કાઢવાનું કામ માથે લીધું તો કોઈએ ખોદવાનું, કોઈ રેતીનાં ગાડાં ભરી લાવે, તો કોઈ પાણી લાવે, એમ નાનામોટા સૌને સરખો ઉમંગ, કોઈ થાક, ભૂખ કે ઊંઘ-ઉજાગરાનું ગણે નહિ, એ રીતે કામ ચાલતું થયું. સ્વામી વિજ્ઞાનદાસજી આદિ સંતો દેખરેખ રાખે. બાપાશ્રી પણ રોજ ત્યાં જઈને બેસે. બાઈ, ભાઈ, નાનાંમોટાં સહુ બનતી સેવા કરતાં. વસંતપંચમી સુધીમાં તો તળાવડીનો આરો, પગથિયાં, છત્રી અને ફરતો વંડો એટલાં કામ પૂરાં થઈ ગયાં. છત્રીનું કામ ચાલ્યું ત્યાં સુધી સંતો રોજ વહેલા નિત્યવિધિ, કથા આદિ કરી, ઠાકોરજીને જમાડી કાળીતલાવડીએ આવી જતા, તે સાંજ સુધી ત્યાં રહેતા, તેથી બાપાશ્રીએ તેમના પર રાજી થઈ પોતાને ઘેર શ્રીજીમહારાજનાં ચરણારવિંદ એક જોડ પૂજામાં હતી, તે લાવી આપવા માંડી ને કહ્યું જે, ‘સ્વામી! તમે બહુ દાખડો કર્યો છે, તેથી હું રાજી થઈને આપું છું.’ ત્યારે સ્વામી વિજ્ઞાનદાસજી કહે કે, ‘ભાઈ! તમે રાજી થયા તે મને જાણે હજારો ચરણારવિંદ આપ્યાં, કેમ કે તમારા રાજીપા ભેળો મહારાજનો રાજીપો છે.’ એમ કહ્યું, તોય ઘણી તાણ કરી તેમને એ ચરણારવિંદની જોડ આપી રાજી કરી દીધા. (આ ચરણારવિંદ તેમણે ભૂજના મંદિરમાં સહુને દર્શન કરવા માટે પધરાવ્યાં છે.)