૧૬૭ - અ. મુ. લક્ષ્મીરામભાઈ ધામમાં પધાર્યા
આ વખતે માંડવીમાં પણ પ્લેગનું દુઃખ બહુ હતું, એક ઘરમાં બબ્બે ચાર ચાર પ્લેગવાળા હોય, તેમાં કોઈક જ ઊગરે. આમ થતાં કોઈ કોઈને જોવા જતાં પણ વિચાર કરે. વળી ગામોગામ ક્વૉરૅન્ટીન, તેથી એકબીજા ક્યાંઈ જઈ શકે નહિ. આવા કઠણ દેશકાળથી અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ તેમનાં ઘરના મનુષ્યે સહિત પોતાને ગાય-વાછડી હતી તે સાથે લઈને રામપુરમાં રહેવાનો વિચાર કરીને આવ્યા, પણ ગામના માણસોને એમ થયું જે, ‘પ્લેગવાળા આપણા ગામમાં રહેવા આવે તો ગામમાં રોગનો વધારો થાય.’ એમ જાણી તેઓએ મળી ત્યાં રહેવા દેવાની ના પાડી. પછી લક્ષ્મીરામભાઈએ ધનબાને કહ્યું કે, ‘પ્લેગને લીધે ગામમાં રહેવા દેવામાં કોઈ રાજી ન હોય, તો ગામબહાર હું એક ઝૂંપડી કરાવીને રહું, અથવા તમે કહો તેમ કરું, પણ અહીં રહેવાનું મને ઠીક લાગે છે.’ આમ કહેવાથી ધનબાએ ફરી વાર ગામના મોટેરાઓને બોલાવીને કહ્યું! પણ આગેવાન માણસોએ બહાનાં કાઢી હા ન પાડી, તેથી લક્ષ્મીરામભાઈ ત્યાંથી ચાલ્યા. ધનબા ભાગોળ સુધી વળાવવા ગયાં. પણ તેમને ઘણું માઠું લાગ્યું; પછી તે કહે, ‘ભાઈ! તમે હમણાં વૃષપુર જાઓ તો કેમ?’ ત્યારે લક્ષ્મીરામભાઈ કહે ‘હવે કાંઈ નહિ. બધેય પ્લેગ સંભળાય છે. માટે મહારાજની મરજી લાગતી નથી, તેથી માંડવીમાં જ હવે જઈશું. જો કાંઈ થયું તો મહારાજ પાસે વહેલું જવાશે, એમાં શું?’ -એમ કહેતાં માંડવી ગયા. આ વાત રામપુરના હરિભક્ત પાસેથી સાંભળી કે ભાઈશ્રી તુરત એક હરિભક્તને સાથે લઈ માંડવી ગયા ને અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈને વૃષપુર તેડી લાવવા બે દિવસ ઘણો આગ્રહ કર્યો. ત્યારે લક્ષ્મીરામભાઈ કહે, ‘ભાઈ! તમે આવડી તાણ રાખો છો, તે તમારી બહુ જ દયા ને આવી ને આવી દયા રાખી સદાય ભેળા રહેજો.’ મેં તો રામપુરથી આવ્યા પછી ઠરાવ ફેરવી નાખ્યો છે કે, ‘મહારાજ ને મુક્તો વિના બીજું કાંઈ છે જ નહિ. અને જ્યાં એ કારણમૂર્તિ છે, ત્યાં અનંત મુક્તો પણ ભેળા જ છે. દેહનું તો મહારાજને ગમે તેમ કરે. તમે મને વૃષપુર લઈ જવા તાણ કરો છો, પણ હું તો તમને મહારાજની મૂર્તિ ભેળા સદાય દેખું છું.’ એવાં વચનો કહી ભાઈશ્રીને રાજી કર્યા, પછી ચાલ્યા ત્યારે પણ બહુ હેત જણાવી પરસ્પર દંડવત્ કરી મળ્યા. તે વખતે પણ એમ બોલ્યા જે, ‘ભાઈ! હવે આ દેહે મળાય ન મળાય, પણ સદાય આવા ને આવા રાજી રહેજો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘તમે તો મહાસમર્થ મુક્ત છો. અખંડ મૂર્તિ આકારે વર્તો છો ને તમારું વૃત્તાંત ને હેત તથા સ્થિતિ જોઈ સત્સંગમાં સંત-હરિભક્તોને બહુ જ સમાસ થયો છે. આવી રીતે એકબીજાનો મહિમા જણાવતા.’ થોડા દિવસમાં બેત્રણ વખત ભાઈશ્રી માંડવીમાં મુક્તરાજ લક્ષ્મીરામભાઈ પાસે આવી ગયા. પણ જ્યારે જ્યારે બન્ને મુક્તો ભેળા થતા ત્યારે ત્યારે મહારાજના દિવ્યભાવ ને મહિમાની ચમત્કારી વાતો કરતા. એમ કરતાં થોડા દિવસ થયા ત્યાં તો આ અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈના ઘરમાં વારાફરતી બધાયને પ્લેગ થયો. પોતાને તો અખંડ મૂર્તિનો સંબંધ હોવાથી તુરત વૃત્તિ બદલાવી મૂર્તિમાં જોડાઈ ગયા, પણ ખબર પડતાં મહિમાવાળા હરિભક્તો આવી આવીને સેવા કરવા લાગ્યા. આ વાતની મંદિરમાં ખબર પડતાં મંદિરમાં રહેતા સાધુઓને પણ બહુ દુઃખ થયું તેથી તે ભૂજ જઈ એક હરિભક્તને સાથે તેડતા આવ્યા ને તેને લક્ષ્મીરામભાઈની સેવામાં રાખ્યો. પોતે પણ રોજ ખબર પુછાવે; વળી ક્યારેક સાધુઓને લઈને તેમને ઘેર જાય. એક વખત સંતો કહે, ‘ભાઈ! તમે તો સદાય મહારાજ ભેળા છો, પણ આવો મંદવાડ જણાવો છો, તે પાછળથી અમે શું કરશું?’ ત્યારે લક્ષ્મીરામભાઈ કહે, ‘મહારાજના વચનમાં ખબડદાર રહી સંત-હરિભક્તોને દિવ્ય જાણજો, એટલે વાંધો નહિ આવે. વળી વૃષપુરમાં અનાદિ મુક્તરાજ ભાઈશ્રીનો જોગ-સમાગમ કરી સેવાએ રાજી કરજો. એ બહુ મોટા છે ને એમાં બધુંય છે.’ આમ વાતો કરતાં થોડા દિવસ થયા; ત્યાં તો એ મંદિરમાં રહેનારા મહિમાવાળા એક સાધુ તથા સેવામાં રાખેલ હરિભક્તને પણ પ્લેગ થયો. તે વખતે રામપુરનો હરિભક્ત કરસન તથા તેમના ઘરનું મનુષ્ય ને છોકરો ત્રણેય માંડવીમાં રહી વાડી કરતા તેને લક્ષ્મીરામભાઈનો મહિમા બહુ હોવાથી તે પોતાનાં કામકાજ મૂકીને સેવામાં રહ્યા. લક્ષ્મીરામભાઈના ઘરનાને પ્લેગ થયો, તેમાં પણ તેમણે રાતદિવસ ઉજાગરા કર્યા, પણ છેવટે એ દેહ મૂકી ગયા. પછી લક્ષ્મીરામભાઈને પ્લેગ જણાણો, તે વખતે આ હરિભક્તો બહુ દિલગીર થઈ ગયા ને તેમની પણ રાતદિવસ સેવા કર્યા કરે. લક્ષ્મીરામભાઈ તેમને સૂતા સૂતા મહારાજના સુખની વાતો કરે તે જોઈને તે બહુ રાજી થાય ને જાણે જે આવા પુરુષની સેવા આપણને મળી છે તે મોટાં ભાગ્ય છે. એવા મહિમાવાળા આ ભક્તને જાણી એક દિવસ લક્ષ્મીરામભાઈએ પ્રસન્નતા જણાવી કહ્યું કે, ‘કરસન, તું માગ! જે માગે તે તને મહારાજ પાસે અપાવું.’ ત્યારે તે કહે, ‘ભાઈ! રાજી થયા હો તો તમારા ભેગો મને મહારાજના સુખમાં રાખો.’ આવો તેનો નિષ્કામભાવ જોઈને લક્ષ્મીરામભાઈ રાજી થઈને બોલ્યા જે, ‘તને મહારાજ પાસે લઈ જાઉં એમાં તો શું કહેવાનું હોય, પણ જેટલા આ વખતે મારી સેવા કરે છે તે બધાયને હું મહારાજ પાસે લઈ જઈશ.’ એમ વચન આપ્યું. પછી તો એ કરસન, તેના ઘરનું મનુષ્ય ને તેનો દીકરો ત્રણેય તથા મંદિરનાયે મહિમાવાળા સાધુ ઉપરાંત જે હરિભક્તને તેમણે સેવામાં રાખ્યો હતો, તે બધા એક પછી એક પ્લેગમાં દેહ મૂકી ગયા. ત્યાર પછી અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ પણ સામર્થી જણાવી બોલતાંચાલતાં મહારાજના દિવ્ય સુખમાં ચાલ્યા ગયા. એ જ વખતે વૃષપુરમાં ભાઈશ્રીને ખબર પડતાં પોતે બહુ જ ઉદાસી જણાવી હરિભક્તોને તે વાત કરી ને પોતે તો તે દિવસ ઉપવાસ કર્યો ને બે દિવસ તો સભામાં તેમની સ્થિતિ તથા હેત-મહિમાની વાતો કરી કહેતા જે, ‘આવા મુક્ત મળવા દુર્લભ.’