૪૯૬ - ઉજમશીભાઈને જેતલપુર જવાની આજ્ઞા
આ વખતે શિયાળ ગામના મુક્તરાજ ઉજમશીભાઈ તથા તેમના સાળા એ બન્ને બાપાશ્રી પાસે દર્શન ને સેવા-સમાગમ કરવા આવેલા હતા, તેમને બાપાશ્રીએ કંકુબા સંબંધી વાત કરીને કહ્યું જે, ‘તમારે હવે દેશમાં જવું છે, તો તમે મારી વતી પહેલા જેતલપુરમાં જાઓ ને એ બાઈને મારા ‘જય સ્વામિનારાયણ’ કરીને કહેજો કે જેમ તમે મૂર્તિમાં વૃત્તિ રાખો છો તેમ ને તેમ રાખ્યા કરજો. તમને અષાઢ ઊતરતાં મહારાજ બધોય મંદવાડ મટાડી દેશે ને સુખશાંતિ થઈ જશે. તેમનાં સેવક મોંઘીબાને પણ તેમની સારી રીતે સેવા કરવાની તથા તેમના પાસે કથાવાર્તા કરવાની ભલામણ કરશો. આમ આજ્ઞા કરવાથી ઉજમશીભાઈએ જેતલપુર જઈ બાપાશ્રીના આ બધા સમાચાર આપ્યા. એટલે પોતે જાણ્યું જે, ‘હવે અવધિ થઈ.’ પછી તો એ રાતદિવસ પોતાની પાસે કથાવાર્તા કરાવવા લાગ્યાં ને પોતે તો અખંડ એકતાર મૂર્તિમાં વૃત્તિ જોડી દીધી. પછી અષાઢ વદ ચૌદશને દિવસે શરીર ટાઢું પડવા માંડ્યું ત્યારે પોતાને મહારાજ તથા બાપાશ્રીનાં દર્શન થયાં એ વાત સેવામાં રહેતાં સર્વે બાઈઓને કરીને પોતે વાતચીત કરતાં સ્મૃતિએ સહિત દેહ મેલી મહારાજના સુખમાં ચાલ્યાં ગયાં.