૩૦૯ - સંતોએ સહિત ભૂજ રહ્યા
ભૂજમાં સંતોએ તાણ કરી છ દિવસ સહુને રોક્યા. ત્યાં પણ નિત્ય પ્રત્યે મહારાજના મહિમાની ને આજ્ઞા-ઉપાસનાની નવીન નવીન વાતો થતાં ભૂજના હરિભક્તો ઘણા રાજી થયા. પછી ચાલતી વખતે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી કહે, ‘બાપા! જેમ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી તથા સચ્ચિદાનંદ સ્વામીના સંકલ્પ મૂર્તિમાન જઈને ગામોગામ દર્શન આપતા, તેમ તમે કરતા હો તો કેવું સારું! અમને તો ભૂજમાં આપનાં જતાંવળતાં દર્શન થાય છે, તોય રાજી થઈએ છીએ. આ ફેરે તો બહુ દયા કરી છ દિવસ રોકાણા, તેથી સંત-હરિભક્તો ઘણા રાજી થયા. તમે તો કૃપાના સમુદ્ર છો, તેથી સંત્સંગમાં નાનામોટા ઉપર બહુ દયા રાખવી જોઈએ. સમુદ્રમાંથી ક્યાં ઓછું થાય તેવું હતું?’ આવાં રમૂજી વચનો કહી બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને હાર પહેરાવી દંડવત્ કરી મળ્યા. ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! બ્રહ્મચારી ખરેખરા છે. એમને ઠાકોરજીની સેવામાં પણ સદાય પ્રત્યક્ષ જેવો જ ભાવ છે,’ –એ સાંભળી બ્રહ્મચારી કહે, ‘બાપા! એ બધો આપની કૃપાનો પ્રતાપ છે.’ એમ સહુને રાજી કરતાં બાપાશ્રી વૃષપુર પધાર્યા ને સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સર્વેને સાત દિવસ રાખી ઘણું સુખ આપ્યું ને દેશમાં જવાની રજા આપી, ત્યારે બહુ પ્રસન્નતા જણાવી મળ્યા ને માથે હાથ મૂકીને બોલ્યા જે, ‘સ્વામી! તમારે ધર્માદો લેવા જવાનો વખત થઈ ગયો છે, માટે હવે સુખેથી જાઓ. આ ફેરે ઘણા દિવસ થયા તમે અમારા ભેળા ફરો છો ને બહુ સેવા કરો છો. આપણે ક્યાં જુદા રહેવાનું છે? સદાય શ્રીજીમહારાજની મૂર્તિમાં ભેળા જ છીએ;’ એવા આશીર્વાદ આપી વિદાય કર્યા ને સેવક આશાભાઈને સેવાની તાણ હોવાથી તેમને પોતાની પાસે રાખ્યા.