૪૦૮ - પારાયણ ચાલતી થઈ

0:000:00

સવારથી ‘પુરુષોત્તમ લીલામૃત સુખસાગર’ની પારાયણ બેસવાની હતી, તેથી ચાર વાગ્યા ત્યાં તો બાપાશ્રી ખાટલો ઉપડાવી મંદિરમાં આવી ગયા ને નાહી, પૂજા કર્યા પછી સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી કહ્યું કે, ‘સ્વામી! બ્રહ્મયજ્ઞ ચાલતો કરો.’

આગલે દિવસ પારાયણનું નક્કી કરેલ હોવાથી સંત-હરિભક્તો વહેલા પરવારી તૈયાર થઈ રહ્યા હતા, તેમને બાપાશ્રીએ આજ્ઞા કરી તેથી પોતાના ખાટલા પાસે બ્રહ્મચારી નિર્ગુણાનંદજીનું આસન નાખ્યું ને ફરતા સંત-હરિભક્તો બેસવા લાગ્યા. એ વખતે એક સંત-ચંદન ઘસી રાખેલ તાંસળું લાવ્યા અને હરિભક્તો ફૂલના હાર લાવ્યા ત્યાં તો બ્રહ્મચારી પણ પુસ્તક લઈને આવ્યા ને બાપાશ્રીને દંડવત્ કરી મળ્યા ત્યારે બાપાશ્રી કહે, ‘બ્રહ્મચારી! સૌને પુરુષોત્તમનારાયણની લીલાનું અમૃતપાન કરાવો. આ જુઓ! પંક્તિ થઈ ગઈ.’ આથી બ્રહ્મચારીએ તુરત જ પુસ્તક છોડ્યું ને બાપાશ્રીએ ચંદનનું તાંસળું હાથમાં લઈ માંહી બધા આંગળાં બોળી પુસ્તકની પૂજા કરી. પછી બ્રહ્મચારીને ભાલે ચંદન ચર્ચી કુંકુમનો ચાંદલો કરી હાર પહેરાવ્યા તે વખતે બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ તથા સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ પણ બાપાશ્રીની ચંદન-કુંકુમ ને ફૂલહારથી પૂજા કરી એટલે પારાયણ ચાલતી થઈ.

પછી તો શ્રીજીમહારાજે સાત્ત્વિક યજ્ઞની રીત વચનામૃતમાં કહી છે તે પ્રમાણે સૌ કથા શ્રવણ કરતા હતા અને બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ પોતે જ આ કચ્છની લીલા પદ્યમાં કરેલ હોવાથી, એ હેતે સહિત સૌને પાન કરાવતા હતા. કચ્છ દેશમાં મહારાજે જે જે ચરિત્રો કરેલાં તથા અદભુત પ્રતાપ જણાવેલો એ બધું વર્ણન આ ગ્રંથમાં હોવાથી એક પછી એક નવીન નવીન ચરિત્રો આવતાં સંત-હરિભક્તો રાજી રાજી થઈ જતા. સવાર-સાંજ કથા વંચાઈ રહે ત્યારે બાપાશ્રી બ્રહ્મચારીના માથા પર હાથ મૂકી, હાર પહેરાવતાં પ્રસન્નતા જણાવે ને કહે જે, ‘વાહ! બ્રહ્મચારી વાહ! તમે તો ન્યાલ કર્યા ને કચ્છી હરિભક્તો બાઈભાઈને મહારાજના દિવ્ય સુખનું સદાવ્રત બાંધી દીધું. સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ‘ભક્તચિંતામણી’ માં ચરણે ચરણે ચરિત્ર લખ્યાં, તેવી જ રીતે તમે આ લીલા લખી છે. મને તો એમ થાય છે જે, ભૂજમાં ઠાકોરજીની સેવા કરતાં કરતાં આવડો ગ્રંથ તમે ક્યારે તૈયાર કરી દીધો!’

આ ગ્રંથમાં શ્રીજીમહારાજે બહુધા કચ્છ દેશનાં ગામડાંઓમાં ફરી હરિભક્તોને સુખ આપવા બહુ પ્રકારની લીલાઓ કરેલી હોવાથી પ્રસંગે પ્રસંગે બાપાશ્રી સૌને એ દિવ્ય ચરિત્રો સંભારી રાખવાની ભલામણ કરતા ને કોઈનાં નામ આવે તે સંત-હરિભક્તોને ઓળખાવતા તેમ ક્યારેક સૂતા સૂતા પોતે ચમત્કારી વાતો કરતા, તેથી સભામાં સૌને આનંદ આનંદ થઈ જતો. સવારે કથા થઈ રહે ત્યારે સંત-હરિભક્તો ઠાકોરજીને જમાડે. બાપાશ્રીને જમવાનું ક્યારેક બ્રહ્મચારીના થાળ ભેળું થાય ને ક્યારેક પુત્ર-પૌત્રાદિક ઘેરથી લાવે ને ત્યાં જ પોતે જમાડી લેતા.

એક વાર પારાયણ ચાલતી હતી ને બાપાશ્રીને નાહવા જવાનું થયું એટલે બ્રહ્મચારી કથા બંધ રાખી વાતો કરવા લાગ્યા. ત્યારે પોતે પાછા આવી કહી ગયા કે, ‘કથા કેમ બંધ રાખી? તમે તમારે ચલાવો! સભા સાંભળે છે એ ભેળા અમેય સાંભળીએ છીએ. સદ્‍ગુરુ અચ્યુતદાસજીએ કેટલે છેટેથી કથા સાંભળી હતી? કાનેથી જ સંભળાય એ તો આ લોકનું છે. પરભાવમાં તો સર્વત્ર જોવાય ને સર્વત્ર સંભળાય.’ આવાં વચનથી સૌ રાજી થયા.

આ સાત્વિક યજ્ઞની ખબર ગામોગામ પડવાથી ગામડેથી ઘણા હરિભક્તો આવતાં ભીડ થવા માંડી, તેથી બાપાશ્રી કહે, ‘આ પારાયણ આપણે છત્રીએ વાંચી હોય તો કેવું?’ આ વાત સાંભળી સંતો કાંઈ પણ ન બોલતાં માંહોમાંહી વિચાર કરવા લાગ્યા. તેમને એમ જે, ‘જો છત્રીએ કથા વંચાય તો ત્યાં સૌને જમવાનું કરવું તેમાં ઘણી મહેનત પડે.’ એમ જાણી મોડેથી કહ્યું જે, ‘બાપા! કથાનું તો અહીં જ ઠીક પડશે.’

બાપાશ્રીને આ વાત ઠીક ન લાગી હોય તેમ થોડી વાર તો પોતે માથે ઓઢી ગયા. પછી પેટ પર હાથ ફેરવતાં સ્વામીશ્રીને કહ્યું જે, ‘મને આજ છાતીમાં દુઃખે છે.’ એટલાંમાં તો ઓચિંતાની ઊલટી થઈ, તેથી સંતો અકળાણા ને પોતે સેવા કરનારા હરિભક્તોને કહે, ‘મને આજ જરા ઘેર લઈ ચાલો.’ એમ કહી ખાટલો ઉપડાવી ઘેર ગયા. સ્વામીશ્રી આદિ સંતો તથા બ્રહ્મચારી વગેરેને એમ થયું જે, ‘આપણે બાપાશ્રીની મરજી જાણી ન શક્યા તેમાં તો આવો ઉદ્વેગ નહિ થયો હોય?’ એમ પરસ્પર વાત કરતા સૌ વિચારમાં પડી ગયા, પણ કાંઈ નક્કી ન થાય ને ઉદાસી મટે નહિ. સંતો ને આખો દિવસ એમ ને એમ રહ્યું.

પછી બીજે દિવસ એ ને એ વિચાર કરતાં સંતો સવારમાં નાહી ને પૂજા કરતા હતા, ત્યાં તો બાપાશ્રી ખાટલો ઉપડાવી પાછા મંદિરમાં આવી ગયા તે જોઈ સહુ રાજી થયા ને પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘અમો આપની મરજી ન જાણી શક્યા તે અમારી મોટી ભૂલ થઈ. હવે આપ જેમ કહો તેમ કરીએ.’ તેવાં વચન સાંભળી પોતે એમ બોલ્યા જે, ‘સંતો! એવું કાંઈ હોય! આ તો દેહના ભાવ છે, તે ક્યારેક એમ થઈ આવે. હજી મંદવાડની બીક તમને કેમ રહે છે? મંદવાડ તો આ બ્રહ્મચારી તથા પુરાણી કેશવપ્રિયદાસજીએ લઈ લીધો છે.’ એમ કહી સૌને રાજી કર્યા.