૧૮૯ - સં. ૧૯૫૯ની સાલનો બ્રહ્મયજ્ઞ
આ રીતે દિનપ્રતિદિન સંત-હરિભક્તોને દર્શન, સેવા-સમાગમે શ્રીજીમહારાજના સુખની પ્રાપ્તિ કરાવતા અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ સંવત ૧૯૫૯ની સાલમાં એવો સંકલ્પ કર્યો જે, ‘કચ્છના તથા ગુજરાત, કાઠિયાવાડ આદિ દેશોદેશના સંત-હરિભક્તોને તેડાવી જમાડી, રમાડી મોટો બ્રહ્મયજ્ઞ કર્યો હોય તો ઠીક.’ એમ ધારી નારાયણપુરવાળા મુક્તરાજ જાદવજીભાઈ તથા દહીંસરાના કેસરાભાઈ અને રામપુરના દેવરાજભાઈ આદિ મોટા મોટા હરિભક્તોને આ વાત જણાવી, તેથી એ તો ઘણા રાજી થયા, કેમ કે તેમને આ અનાદિ મુક્તરાજના સામર્થ્યની ખબર હતી. ખબર પડતાં રામપુરવાળાં મોટાં મુક્ત ધનબા પણ રાજી થયાં ને તેમને તો દેવરાજભાઈ ભેળું કહાવી મોકલ્યું જે, ‘તમને યજ્ઞ કરવાનો સંકલ્પ થયો છે, તેમાં શ્રીજીમહારાજનો ઘણો રાજીપો છે ને સંત-હરિભક્તો દેશી, પરદેશી બહુ રાજી થશે, માટે યજ્ઞ જરુર કરજો. આ પ્રસંગે હજારો નાનાંમોટાં બાઈભાઈ આવી જે જે યજ્ઞનો કણકો ખાશે તે ઠેઠ અક્ષરધામમાં મહારાજના સુખમાં પહોંચશે.’ આવા સમાચાર આવવાથી પોતે પણ દૃઢ સંકલ્પ કર્યો જે, ‘યજ્ઞ તો જરૂર કરવો જ.’ પછી પોતે અમદાવાદ સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતોને પત્ર લખ્યો, તેથી એ સર્વે આ વાતથી ઘણા રાજી થયા; ત્યાર પછી એક દિવસ પોતે ભૂજ ગયા ને સંતોને આ વાત જણાવી ‘સત્સંગિજીવન’ તથા ‘શિક્ષાપત્રીભાષ્ય’ની પંદર દિવસની કથા કરવાનું નક્કી કરી આવ્યા ને કથા વાંચનાર પુરાણી માટે પણ પૂછી લીધું. પછી વૃષપુરમાં આવી નાનામોટા હરિભક્તોને ભેળા કરી આ વાત જણાવી ને મોટા મોટા હરિભક્તોને યજ્ઞમાં જોઈતો સામાન ગોળ, ઘઉં, ઘી, ખાંડ, સાકર આદિ મગાવવા ભલામણ કરી, તથા પોતે પણ ગામોગામથી પાગરણ, લાકડાં, છાણાં વગેરે મગાવવા માંડ્યું ને સદ્ગુરુ આદિ સંતોને અમદાવાદથી કાગળ લખી તેડાવ્યા; એટલે સંતો કાગળમાં લખવા પ્રમાણે મૂળીવાળા પુરાણી શાસ્ત્રી બાલમુકુંદાનંદજીની કથા વાંચવા માટે ગોઠવણ કરી તુરત વૃષપુર આવ્યા ને અનાદિ મુક્તરાજ બાપાશ્રીનો અભિપ્રાય જાણી આજ્ઞા પ્રમાણે ગામોગામ અને દેશોદેશના હરિભક્તોને તથા મૂળી, ગઢપુર, વડતાલ, અમદાવાદ, જેતલપુર આદિ ધામોમાં સંતોને કંકોત્રીઓ લખી તેડાવ્યા.
વૈશાખ સુદ એકમથી પૂનમ સુધીની ‘સત્સંગિજીવન’ તથા ‘શિક્ષાપત્રીભાષ્ય’ની પારાયણ ને આવા મહામુક્તરાજનું આમંત્રણ તેથી કંકોત્રી મળતાં જ ગામોગામથી સંત-હરિભક્તો વૃષપુરમાં આવવા લાગ્યા. હજુ બે દિવસ બાકી હતા ત્યાં તો હજારો સંત-હરિભક્તો આવી પહોંચ્યા, કેમ કે સહુને એમ જે, વહેલા જઈએ તો ઉતારા, પાગરણ વગેરેની સગવડ ઠીક થાય. આથી વૃષપુરમાં મંદિર, શેરી, બજાર, વાડીઓ તથા નદી વગેરે ઠેકાણે હરિભક્તો ઊભરાવા લાગ્યા.