૧૯૮ - ઠાકોરજી ને ભેટ
સવારમાં હજી ચાર વાગ્યા ત્યાં તો આરતી થઈ. એ વખતે સૌએ નાહી પૂજા કરી પરવારી લીધું. થોડી વારે આ અનાદિ મુક્તરાજના ઘેરથી ઠાકોરજીને અર્પણ કરવા છાબો તૈયાર થઈ. તેમાં બે છાબમાં ભૂજ મંદિરમાં આપવા ઠાકોરજીના સોનેરી શણગાર તથા બીજી છાબમાં ભેટ કરવા પાંચીઆનો ઢગલો; એવી ત્રણેય છાબો આ અનાદિ મુક્તરાજના પુત્રોએ ઉપાડી એટલે ઉત્સવીઆ હરિભક્તો આગળ ઉત્સવ કરવા લાગ્યા. પછી ધીરે ધીરે કીર્તન બોલતાં છાબો મંદિરમાં લાવી ઠાકોરજી સન્મુખ સભા વચ્ચે મૂકી ભૂજ મંદિરને અર્પણ કરી. ત્યાર પછી સમાપ્તિ થઈ એટલે બન્ને પુરાણીની પૂજા કરી બાપાશ્રીએ તથા તેમના પુત્રોએ આરતી ઉતારી સૌ ‘જય‘ બોલ્યા; પછી સંતોને ધોતિયાં ઓઢાડવા માંડ્યાં. પછી તો ઘણા હરિભક્તોએ સંતોની પૂજા કરી; તે વખતે ‘આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ પુરુષોતમ પ્રગટી,’ –એ કીર્તન સૌ બોલ્યા.