૧૩૧ - બાળકોને અક્ષરધામમાં તેડી જવાના આશીર્વાદ
ભાઈશ્રી જ્યારે નિર્ગુણદાસજી સ્વામીના દર્શને અમદાવાદમાં ગયા હતા, ત્યારે વૃષપુરમાં એક હરિભક્તે એવો સંકલ્પ કર્યો હતો જે, ‘ભાઈશ્રી અહીં આવે ત્યારે મારે આ ગામની નિયાણિયું જમાડવી.’ પછી ભાઈશ્રી કચ્છમાં વળી આવ્યા ત્યારે તેમણે પોતાના સંકલ્પની વાત કરી. એટલે ભાઈશ્રી કહે, ‘ભલે નિયાણિયું જમાડો. પણ એ જમવા આવશે ત્યારે વાંસે નાનાં છોકરાં ઘેર હશે તે રોશે કે અમારે ભેળું જવું છે. એ કરતાં નાનાં છોકરાં બધાયને નોતરો તો સારું. નાનાં એટલા નિર્ગુણ કહેવાય. મોટા તો જમીને કાંઈક અવકા કાઢે જે, આ ઠીક હતું ને આ ઠીક નહોતું.’ આમ કહેવાથી તે હરિભક્તે નાનાં છોકરાંઓને જમાડવાનો દિવસ નક્કી કર્યો ને નોતરાં દઈ નિયાણીયું તથા બાળકોને જમવા બોલાવ્યાં. જે ટાણે બાળકોની પંક્તિ થઈ હતી તે ટાણે માણસ મોકલી, ભાઈશ્રીને ઘેર તેડાવવાથી હરિભક્તોએ સહિત આ મુક્તરાજ તેમને ઘેર ગયા ને છોકરાંઓની પંગત જોઈ બહુ રાજીપો જણાવ્યો. પછી તે હરિભક્તે આસન પાથરી રાખેલ તે પર બેસારી ભાલમાં કુંકુમના ચાંદલા કરી હજારી ફૂલના હાર પહેરાવ્યા ને દંડવત્ કરી માથે હાથ મુકાવ્યા. એ વખતે ભાઈશ્રી કહે, ‘આ છોકરાં બધાં આમ એક ઠેકાણે ક્યાંથી ભેળાં થાય? લાવો આમને પાણી છાંટીએ!’ એમ કહી કોરો ઘડો મંગાવી ઊભા ઊભા સૌને પાણી છાંટ્યું ને કહ્યું જે, ‘જેના માથે આ પાણીનો છાંટો પડ્યો હશે, તેને અમે અક્ષરધામમાં તેડી જાશું.’