૬૬૨ - રાધાબાઈને દિવ્ય સુખમાં મૂક્યાં

0:000:00

એ વખતે બાપાશ્રીનાં નાનાં દીકરી રાધાબાઈ જે ઓગણીસે અઠોતેરની સાલમાં ધામમાં જવા તૈયાર થયેલાં તેને વઢવાણવાળા ડૉક્ટર મણિલાલભાઈ તથા તેમના મોટા ભાઈ વગેરેની પ્રાર્થનાથી બાપાશ્રીએ રાખ્યાં હતાં, તેમને પાછો આ વખતે મંદવાડ થઈ ગયો. એ બાઈ મહાપવિત્ર ને સ્વભાવે ગરીબ, તેમ પોતે મર્યાદી હોવાથી બાપાશ્રી તેમના હાથના કરેલા થાળ બહુ જમતા, અને તેમને પણ નાનપણથી જ ઘેર રહી પોતાના મહા મુક્તરાજ પિતાશ્રીની સેવા કરવાનો સંકલ્પ હોવાથી આવી દિવ્ય સેવાનો લાભ મળ્યો હતો, પણ બાપાશ્રીએ જ્યારથી વાતોમાં પોતાને અંતર્ધાન થવા જેવો ભાવ જણાવવા માંડ્યો ત્યારથી તેમને એમ રહેતું જે, ‘બાપાશ્રીના હાથે આપણે જ પહેલાં ધામમાં જતાં રહીએ તો ઠીક.’ આવા તેમના શુદ્ધભાવને લીધે આ મંદવાડમાં તેમણે એક દિવસ પ્રાર્થના કરી જે, ‘બાપા! તમે મને વારે વારે દર્શન દેવા આવો છો, અત્યંત રાજીપો જણાવો છો, પાસે બેસી મહારાજની વાતો કરો છો, પણ મારા પર ખરખરા રાજી થયા હો, તો તમે પાસે રહી મારો દેહ મુકાવી મને મહારાજના સુખમાં મૂકી દ્યો, એટલી મારી માગણી છે.’

આવાં વચનથી બાપાશ્રીએ એ વખતે તો ઘરમાં સૌને ઠીક લાગે એમ ધીરજ રાખવાનાં વચનો કહ્યાં, પણ એમની એ પ્રાર્થનાથી પોતે રાજી થઈ ગયા હોય તેમ બેચાર દિવસ વધુ મંદવાડનું નિમિત્ત બતાવી રોજ સવાર-સાંજ તેમની પાસે બેસી મૂર્તિના સુખની વાતો કરતાં તેમનો દેહ મુકાવી, ધામમાં પહોંચાડી દીધાં. આવાં મહા પવિત્ર ને ધર્મવાળાં બાઈ ધામમાં જતાં ઘરમાં તથા ગામમાં બાઈઓને શોક ઘણો થયો, પણ બાપાશ્રીની આ દીકરી પર બહુ જ પ્રસન્નતા જોઈ સહુએ મન વાળ્યું. બાપાશ્રી તો જાણે કાંઈ ન બન્યું હોય તેમ તેમના ખરખરા નિમિત્તે આવનાર હરિભક્તો બાઈ-ભાઈને, તેમની સ્થિતિ સંબંધી તથા તેમના પર શ્રીજીમહારાજની બહુ પ્રસન્નતા હતી વગેરે વાતો કરી સંતોષ પમાડતા અને મંદિરમાં ચાલતા કામકાજ વખતે તો જેમ પોતે દરરોજ હરિભક્તોને રાજી કરતા તેમ જ કરવા લાગ્યા. એવી જ રીતે સવાર-સાંજ કથામાં પણ મહારાજના મહિમાની વાતો કરતા.