૫૦૭ - સુલેહ-શાંતિ જાળવવાનો બંદોબસ્ત

0:000:00

આથી મૂળી સ્ટેટને એમ લાગ્યું જે, ‘વિરુદ્ધ પક્ષના ખટપટિયા માણસો આ યજ્ઞમા ભંગાણ પાડવા હરકોઈ ઉપાઈ ઝૂઝી રહ્યા છે તે ઠીક થતું નથી.’ એમ જાણી તેઓને તેમ કરતાં અટકાવવા ને સુલેહ-શાંતિ જાળવવા તેમણે હાથકડીઓ સાથે હથિયારબંધ પોલીસો મંદિરમાં ગોઠવી દીધા. તેમણે આવીને સૌને એવો હુકમ સંભળાવી દીધો કે, ‘જે કોઈ અહીં તોફાન કરશે, તેને પકડીને લઈ જવામાં આવશે.’ આવો બંદોબસ્ત કર્યા પછી સહુ દબાઈ રહ્યા. તોપણ પાંચછ વિધ્નસંતોષીઓને તો પોલીસપાર્ટીનો પહેરો મૂકી સાચવવા પડ્યા. એક તરફ આ બધું થઈ રહ્યું હતું ને બીજી તરફ સંતોએ ચારે બાજુથી હરિભક્તો મારફતે માલ મંગાવવાની ગોઠવણ કરેલી હોવાથી અઠવાડિયા સુધીમાં તો ગાડેગાડાં સામાન આવી ગયો.

હવે મંદિરમાં, સભામંડપમાં, ભંડારે, કોઠારે, યજ્ઞમંડપ ને યજ્ઞકુંડને ફરતા તથા જવા-આવવાને માર્ગે, દરવાજે, દરવાજા બહાર, પાકશાળાને ફરતા તેમ જ ચારે તરફ હથિયારબંધ પોલીસોના પહેરા સાથે આ પાટોત્સવનું કામ ચાલવાથી વિક્ષેપ કરનારા સહુ દબાઈ રહ્યા. આ બધું મૂળીમાં થયા કર્યું.