૩૭૫ - સદ્‍ગુરુ સ્વામી હરિનારાયણદાસજીનાં છેલ્લાં દર્શન

0:000:00

હવે મૂળીવાળા સદ્‍ગુરુ સ્વામી હરિનારાયણદાસજી, કેવી રીતે મહારાજના સુખે સુખિયા થઈ ગયા તે જોઈએ. ચૈત્ર માસમાં છપૈયે શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થયા પછી બાપાશ્રી વળ્યા ત્યારે બાર મણ દહીંમાં આઠ મણ ખાંડ નખાવી સંઘને એ દહીં પીવરાવી બાપાશ્રીને રાજી કર્યા હતા, એવા અતિ હેતવાળા સદ્‍ગુરુ સ્વામી હરિનારાયણદાસજીને બાપાશ્રી કચ્છમાં પધાર્યા પછી દોઢ-બે મહિને મંદવાડ જણાવા માંડ્યો, તેથી સેવામાં રહેલા સંતો શરીર ચાંપે, ચોળે, શેક કરે, ઊનું દૂધ પાય, રાબ કે ઉકાળા કરે, એવા એવા સાધારણ ઉપચાર કરતા. પણ તાવ જરાય હઠ્યો નહિ, તેથી તેમની સેવા કરનારા સ્વામી ગુણાતીતદાસજી, ભગવત્સ્વરૂપદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, શ્વેતવૈકુંઠદાસજી, શ્રીહરિદાસજી તથા શાસ્ત્રી વિજ્ઞાનદાસજી, ગોપીવલ્લભદાસજી, દેવજીવનદાસજી આદિ ઘણા સંતો તથા અડવાળના બાપુભાઈ તથા અગરસિંહજીભાઈ આદિ ઘણા હરિભક્તો તેમની પાસે કથાવાર્તા કરતા ને સેવામાં પણ હાજર રહેતા. એમ કરતાં અષાઢ મહિનો ઊતરવા આવ્યો, પણ શરીરમાંથી તાવ હઠ્યો નહિ, તેથી સંતોએ ઢુવાવાળા રવાજીભાઈને બોલાવ્યા.

આ રવાજીભાઈ ખરેખરા મુક્ત હતા અને વૈદું પણ જાણતા, તેમ અનાદિ મુક્તરાજ બાપાશ્રીને વિષે તેમને અત્યંત હેત હોવાથી એક વાર બાપાશ્રી ગુજરાતમાંથી કચ્છમાં જતાં પોતે ઢુવા લઈ જવા બહુ જ આગ્રહ કર્યો, પણ એ વખતે પોતાને કચ્છમાં જવાની ઉતાવળ હોવાથી તેમના પર પ્રસન્નતા જણાવી બાપાશ્રીએ કહ્યું કે, ‘રવાજીભાઈ! અમે તો સદાય તમારા ભેળા છીએ. તોપણ આવો, આપણે મળીએ!’ –એમ કહી બહુ હેત જણાવી મળ્યા ને કૃપાદૃષ્ટિ કરી કે, તેમની પણ દહીંસરાવાળા મુક્તરાજ કેસરભાઈની પેઠે નિરાવરણદૃષ્ટિ થઈ ગઈ.

આવા મહા સમર્થ મુક્તને સ્વામીશ્રીની સારવાર કરવા બોલાવ્યા તેથી એ તો તરત મૂળીએ આવીને ઠાકોરજીનાં દર્શન કરતાં જ સ્વામીશ્રીને દંડવત્ કરવા લાગ્યા ને ગદગદ કંઠે પ્રાર્થના કરી જે, ‘બાપજી! તમે આવો મંદવાડ કેમ ગ્રહણ કર્યો છે? હમણાં સત્સંગ પર દયા રાખો, તમે તો અખંડ મહારાજ ભેળા છો.’ એવાં એવાં વચનો બોલી બનતા ઉપચાર કરવા લાગ્યા, પણ સ્વામીશ્રીને આ મંદવાડમાં ધામમાં પધારવાનું હતું તે બીજા કોણ જાણી શકે!

રવાજીભાઈને સ્વામીશ્રીને વિષે હેત બહુ તેમ મહારાજ તથા બાપાશ્રીના સંપૂર્ણ કૃપાપાત્ર, એટલે ઔષધ વગેરે બનતા ઉપચાર કરતાં બહુ ફાવ્યા નહિ, ત્યારે મહારાજ તથા બાપાશ્રીને પ્રાર્થના કરવા માંડી જે, ‘દયા કરીને સ્વામીશ્રીને હજી પાંચ વર્ષ સત્સંગમાં રાખો તો બહુ જ સમાસ થાય.’

આવી પ્રાર્થનાથી રાજી થઈ બાપાશ્રીએ તેમને એવાં દર્શન આપ્યાં કે, ‘એક પડખે સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી અને બીજે પડખે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી ને વચમાં પોતે.’ એમ ત્રણે સ્વરૂપોનાં દર્શન થતાં તે તો હર્ષભર્યા દંડવત્ કરવા લાગ્યા ત્યારે બાપાશ્રીએ તેમના માથે હાથ મૂકીને કહ્યું જે, ‘તમે સ્વામીશ્રીને રાખવા માટે પ્રાર્થના કરો છો, પણ તેમને હવે અહીં રહેવાની મુદ્દલ મરજી નથી, તેથી મહારાજ તેડી જશે.’ એમ કહી અદૃશ્ય થઈ ગયા.

આ રીતે રવાજીભાઈને દર્શન થયા પછી તેમણે ઔષધ કરવાની તાણ મૂકી દીધી અને સ્વામીશ્રી જેમ રાજી થાય તેમ કરવા લાગ્યા. આ વાતની ખબર પડતાં, મંદિરના દરેક સંતો પણ વારાફરતી સેવા કરવા લાગ્યા. સૌને એમ જે, ‘સ્વામીશ્રીની પ્રસન્નતા ભેળી મહારાજની પ્રસન્નતા છે.’ આ વાત બાપાશ્રીથી અજાણી નહોતી, એટલે તેમણે પણ વૃષપુરથી એક કાગળ સ્વામીશ્રી ઉપર લખાવ્યો, તેમાં એવી ભલામણ લખી જે, ‘તમે તો અખંડ મૂર્તિના સુખમાં ગુલતાન રહો છે, પણ હવે તમારા પાસે જે કોઈ આવે તેને મહારાજનું સુખ ખૂબ આપ્યા કરજો; જરાય તાણ રાખશો મા, ખૂટે તેવું નથી, સૌનાં કલ્યાણ કરજો, આપણે એ કામ સારુ આવ્યા છીએ ને સદાય ભેળા જ છીએ.’ પોતાને છપૈયે જઈ આવ્યા પછી શરીરમાં વા જણાતો હતો તોપણ એ કાગળમાં પ્રત્યક્ષ દર્શને આવવાની તાણ ઘણી જણાવી હતી.

હવે સ્વામીશ્રીએ તો એક શ્રીજીમહારાજની મૂર્તિમાં જ વૃત્તિ જોડી દીધી હતી અને પોતાની પાસે જે સંત-હરિભક્તો આવે તેને માથે પોતે હાથ મૂકતા, આશીર્વાદ આપતા, બોલાવતા, કોઈને સત્સંગ દૃઢ રાખવાની ભલામણ કરતા. ઉપરાંત જે સંતો પોતાની સેવામાં હતા તેમને પણ દેહપર્યંત સાધુતાના ધર્મમાં અડગ રહેવા વારે વારે ભલામણ કરતા તથા નિયમધર્મમાં સાવધાન રહેનારા પર બહુ જ રાજીપો જણાવતા હતા.

એકાદશીને દિવસ સંતોએ મળી પ્રાર્થના કરી કે, ‘સ્વામી! અમારા પર દયા રાખજો ને મહારાજને લઈને અમને તેડવા આવજો.’ ત્યારે સ્વામીશ્રીએ પ્રસન્નતા જણાવી કહ્યું જે, ‘દ્રવ્ય અને સ્ત્રી એ બેનો પ્રસંગ જે નહિ રાખે તેને અમો મહારાજની સાથે આવી તેડી જઈશું.’

તે જ દિવસે સ્વામીશ્રીએ પુરાણી ધર્મકિશોરદાસજીને પોતાની પાસે બોલાવીને કહ્યું જે, ‘પુરાણી! આ રવાજીભાઈ મહામુક્ત છે ને મારે વિષે હેત ઘણું રાખે છે, પણ એ વૈધ કહેવાય, માટે એ પાસે હોય ને દેહ મૂકવો તે ઠીક નહિ. જ્યારે એ ઘેર જશે ત્યારે દેહ મૂકશું.’ એમ જણાવી દીધું. આ વાતથી સૌ સમજી ગયા કે, ‘સ્વામીશ્રી હવે આ લોકમાંથી ઉદાસ થઈ ગયા છે.’ પછી બીજે જ દિવસે રવાજીભાઈની આંખો બહુ જ દુ:ખવા આવી ને પીડા મટી નહિ એટલે તે વિચાર કરવા લાગ્યા જે. ‘હવે શું કરવું? અહીં તો સંતોને મારી ઉપાધિ થશે.’ એમ જાણી સ્વામીશ્રીને પ્રાર્થના કરી, વિનયવચનોથી બહુ જ રાજીપો મેળવી પોતે ઢુવા ગયા.

આ વખતે બાપાશ્રીનાં દર્શન કરવા શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજી આદિ સંતો વૃષપુર ગયેલા તેમને બાપાશ્રી કહે, ‘મૂળીમાં સદ્‍ગુરુ સ્વામી હરિનારાયણદાસજી ધામમાં પધારવાની તૈયારીમાં છે, જો તમારે તેમનાં દર્શન કરવાં હોય તો વચમાં ક્યાંય ન રોકાતાં સીધા મૂળીએ ચાલ્યા જાઓ તો તમારે બે દિવસ ભેળું રહેવાય!’ એમ કહી તેમને રજા આપી ને કહ્યું જે, ‘સ્વામીશ્રીને મારી વતી દંડવતે સહિત ‘જય સ્વામિનારાયણ’ કરી કહેજો કે, આપણે સદાય ભેગા જ છીએ.’

આવી રીતે ઝાલાવાડ તેમ જ દૂર દેશના ઘણા સંત-હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શન કરવા આવી ગયા હતા, તે સર્વે પર પ્રસન્નતા જણાવતા સ્વામીશ્રી ક્યારેક એમ પણ બોલતા જે, ‘આ તો જાળિયાના મંદવાડ જેવી લીલા છે, તેથી કોઈ કાંઈ મનમાં લાવશો મા. અમારે તો મહારાજ વિના બીજું કાંઈ છે જ નહિ.’

સ્વામીશ્રીના આ છેલ્લા મંદવાડમાં રાજી કરી લેવા તેમની પાસે રોજ સવારે પુરાણી ધર્મકિશોરદાસજી ‘સત્સંગીજીવન’ની કથા વાંચતા, તેમ જ સાંજે શાસ્ત્રી વિજ્ઞાનદાસજી ‘સત્સંગીભૂષણ’ની કથા વાંચતા. તે બેયને સ્વામીશ્રીએ પૂનમના દિવસે કહ્યું કે, ‘હવે તમારી કથા પૂરી થઈ રહી!’ –એમ કહી બહુ જ પ્રસન્નતા જણાવી માથે હાથ મૂકી બોલ્યા જે, ‘આજ બે વાગ્યે દેહ મૂક્યો હોય તો સૌને સાંજે સુગમ પડે, પણ એક હરિભક્ત દર્શન કરવા આવે છે, તેથી મોડું થશે.’ એ વખતે સુસવાવના દરબાર ચંદનસિંહજી સ્વામીશ્રીનાં દર્શન કરવા રેલેથી આવતા હતા, તેની અંતર્યામીપણે સ્વામીશ્રી વાટ જોતા હતા, તેથી ફરી વાર એમ બોલ્યા જે, ‘ઘણા સંત-હરિભક્તો દર્શન કરી ગયા પણ એક હરિભક્ત આવે છે તેની વાટ જોઈ રહ્યા છીએ.’ ત્યાં તો એ ચંદનસિંહજી આવ્યા ને દંડવત્ કરવા લાગ્યા. તેમના પર પ્રસન્નતા જણાવી સ્વામીશ્રી બેઠા થયા ને વાંસે તકિયો મેલાવ્યો; પછી તેમને વ્યવહારમાં કષ્ટ જેવું હતું તે ટળી જાય એ રીતની ભલામણ કરી માથે હાથ મૂક્યા તથા પોતાનું વચન માનવાનું કહી સાખી બોલ્યા જે, ‘માન મેલી મહંતને મળીએ, મોટા કહે તેમ કરીએ.’ એમ તેમના પર રાજી થયા પછી સ્વામીશ્રીએ સંતોને કહ્યું કે, ‘આમને જમાડો.’ એટલે એ જમવા ગયા. થોડી વારે એ જમી રહ્યા, એટલામાં તો સ્વામીશ્રી કહે, ‘ગુણાતીતદાસજી! મને હવે આસનથી હેઠે ઉતારો.’ ત્યારે તે કહેવા લાગ્યા જે, ‘સ્વામી! હજી તો નાડી સારી ચાલે છે’ માટે વખત થશે ત્યારે ઉતારશું.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘ઝટ ઉતારો, એની તમને ખબર ન પડે.’ એમ કહ્યું, ત્યારે સંતોએ સ્વામીશ્રીને આસનથી હેઠે ઉતાર્યા કે તુરત સૌને ‘જય સ્વામિનારાયણ’ કરતાં દેહત્યાગ કરી મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા.

આ વખતે પાસે રહેનારા સંતોને એમ થયું જે, ‘સ્વામીશ્રી તો સ્વતંત્ર મુક્ત હતા. તેથી એમણે છેલ્લી ઘડી સુધી અત્યંત સામર્થી જણાવી.’ આ રીતે સંવત ૧૯૭૨ ના ભાદરવા સુદ પૂનમને દિવસે સદ્‍ગુરુ સ્વામીશ્રી હરિનારાયણદાસજી અલૌકિક પ્રતાપ જણાવી મહારાજના સુખમાં પહોંચી ગયા પછી સંતોએ પાલખી કરાવી માંહી પધરાવ્યા ને ચંદન, કુંકુમ અને ફૂલહારથી પૂજા કરી, વાડીએ દેન દેવા લઈ ગયા. ત્યાં સ્વામીશ્રીને નવરાવતી વખતે વરસાદનો ડોળ ઘણો થયો હતો, પણ થોડા થોડા છાંટા પડ્યા, તેમાં ચારેકોરે સુગંધ સુગંધ થઈ રહ્યો. આથી સંત-હરિભક્તો તથા ગોર પુરુષોત્તમભાઈ વગેરેને ઘણું આશ્ચર્ય થયું અને સૌને એમ જ થયું જે, ‘સ્વામીશ્રીના ઉપર આ ટાણે છાંટણાં પડ્યાં, તેમાંથી જ ચંદનના જેવો સુગંધ આવતો હતો.’ પછી સૌ પરસ્પર વાતો કરવા લાગ્યા જે, ‘આ છાંટા તો સ્વામીશ્રીને નવરાવવા માટે જ થયા લાગે છે.’ હવે જો એમની ટાઢી ઠારવા ટાણે આવે તો ઠીક. પછી તો બરાબર એ ટાણે વરસાદ આવ્યો, તેથી સૌને ખાતરી થઈ ગઈ કે, આ તો સ્વામીશ્રીએ ચમત્કાર જણાવ્યો હતો.