૩૬૪ - સામૈયાની શોભા
આવા સર્વોત્તમ ધામમાં મૂળીવાળા સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજીને શ્રીજીમહારાજે સભાએ સહિત દર્શન આપી પોતાનું જન્મસ્થાન કરાવવાની આજ્ઞા કરી હોવાથી તેમણે તથા પુરાણી નંદકિશોરદાસજીએ જન્મસ્થાન થઈ રહ્યું ત્યાં સુધી બહુ સેવાઓ કરાવી અને એવી જ રીતે તે સ્થાને શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરવા ધર્મધુરંધર આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજને પ્રથમથી તેડાવેલા હોવાથી જ્યારે તેઓશ્રી છપૈયાના સ્ટેશને પધાર્યા, ત્યારે શણગારેલા ચૌદ હાથી તથા મેનાપાલખીએ સહિત ભારે સામૈયું કર્યું હતું. વળી અમદાવાદથી ગામોગામ દર્શન દેતા અનાદિ મુક્તરાજ બાપાશ્રી જ્યારે જેપુર થઈ સંઘે સહિત છપૈયે પધાર્યા ત્યારે પણ ઘણા સંત-હરિભક્તો કીર્તન બોલતા બોલતા સ્ટેશને સામા ગયા હતા. બાપાશ્રી તેમનું આવું હેત જોઈ ઘણા રાજી થયા. તે વખતે હરિભક્તો દંડવત્ કરવા લાગ્યા ને સહુને ‘રાખો! રાખો!’ કહેતા પોતે સંઘે સહિત આગળ ચાલવા માંડ્યું. હરિભક્તો કીર્તન બોલતા બોલતા પાછળ ચાલ્યા આવે; એ રીતે નારાયણસરોવર રૂપ મહાન તીર્થની સમીપે શોભી રહેલા અલૌકિક દિવ્ય મંદિરમાં આ મુક્તમંડળે આવી ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલાવી, તેથી પ્રતિષ્ઠોત્સવના સમૈયામાં જે જે આવ્યા હતા તે સર્વે દર્શન કરતા રાજી રાજી થઈ ગયા.
આ કચ્છી સંઘના હરિભક્તોએ તો મંદિરમાં આવતાં જ ઠાકોરજી તથા ધર્મધુરંધર આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજને ભેટો મૂકી દર્શન કર્યા પછી સંત-હરિભક્તોએ મળી કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ ચાલતો કર્યો. બાપાશ્રી તો જેમ કોઈ દેશપરદેશથી ઘેર આવ્યા હોય ને શાંતિ પામી જાય, તેમ એ તો સભામાં બેસે તો સભામાં અને ઉતારે બેસે તો ત્યાં જ ધ્યાને યુક્ત બેઠા હોય.