૩૦૬ - અમદાવાદમાં પારાયણ

0:000:00

પછી ચૈત્ર સુદ બીજને દિવસ પારાયણનો આરંભ થયો ત્યારે મંદિરના ચોકમાં ચંદની નીચે મોટી સભા ભરાણી, તેમાં વચ્ચે ઊંચા આસન પર ધર્મધુરંધર આચાર્ય શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ બેઠેલા. આગળ મોટા મોટા સંતો તથા સામે હરિભક્તોની ભીડમાં અનાદિ મુક્તરાજ બાપાશ્રી અને સાથે આવેલા કચ્છી મુક્તો વગેરે સમૂહથી મંદિર અક્ષરધામરૂપ બની ગયું હોય, એવી શોભા જણાતી હતી. આ રીતે કથા ચાલતી થઈ. આ પારાયણમાં મુક્તરાજ કંકુબાની વતી પ્રાણશંકરભાઈ તથા કંકુબાના ભાઈ સામળભાઈ પૂજાવિધિ વગેરે કરતા હોવાથી ટાણે ટાણે પુસ્તક, પુરાણીની પૂજા સાથે બાપાશ્રીને પણ હેતે સહિત ચંદન ચર્ચી ફૂલના હાર પહેરાવતા હતા. રોજ સવાર-સાંજ મંગળાચરણ પહેલાં આચાર્ય મહારાજ તથા પુરાણી અને પુસ્તકની પૂજા થાય ને કથા ચાલતી થયે ઉમંગભર્યા સંત-હરિભક્તોને ચંદન ચર્ચાય. પારાયણમાં એક તો ‘સત્સંગીભૂષણ’ ગ્રંથ જ એવો ચમત્કારી કે જેમાં મહારાજના અદભુત પ્રતાપની નવીન નવીન લીલાઓ આવ્યા કરે. તેમાં વળી વાંચનાર પુરાણીનો ગંભીર સ્વર હોવાથી શ્રોતાજનને એવો તો આનંદ આવતો કે સભામાંથી કોઈને ઊઠવાનું મન જ ન થાય. વળી અનાદિ મુક્તરાજ બાપાશ્રી પણ કચ્છી મંડળે સહિત સર્વે ધોળાં વસ્ત્ર પહેરેલ અને કંઠમાં ફૂલના હારથી શોભતા એવા આગળ બેઠેલા જોઈ સૌને વધુ નવીનતા જણાતી.

સવારે કથાની સમાપ્તિ થયા પછી સંત-હરિભક્તો ઠાકોરજીને જમાડી, જરા વિશ્રાંતિ કરી, થોડી વારે ઊઠી, નાહી લે ત્યાં કથા બેસી જાય તે છ વાગ્યા સુધી ચાલે. પછી કીર્તન બોલાય, પ્રસાદીઓ વહેંચાય. સંધ્યા-આરતી પછી રાત્રે પણ કથાવાર્તાચેષ્ટા આદિ નિત્યનિયમ ચાલતાં સહુને આનંદ ઊભરાયા કરતો.

આ પારાયણમાં મુક્તરાજ કંકુબાની ભલામણથી પ્રાણશંકરભાઈ, સામળભાઈ તથા કણભાવાળા આશાભાઈ બાપાશ્રીની સેવા કરવામાં હાજર ને હાજર જ રહેતા. તેમ સદ્‍ગુરુઓને પણ બાપાશ્રી સાથે એકાત્મપણું હોવાથી સવાર-સાંજ આ કચ્છી સંઘની સેવા કરવી, જમાડવા વગેરેમાં અડચણ ન આવે એવી ગોઠવણ થઈ હતી.