૫૪૩ - મુક્તરાજ ધનબાનો દિવ્યભાવ
બાપાશ્રી પાસે તો જ્યારે જુઓ ત્યારે એક જ રીત! સવારે વહેલા નાહી પૂજા કરી કથાવાર્તા કરે. પછી ઠાકોરજીને જમાડી વાડીએ જાય. ત્યાંથી સાંજે મંદિરે આવે, રાત્રે કથાવાર્તા કરે. હરિભક્તો કે સંતો જે પોતાની પાસે હોય તેને મહારાજના દિવ્ય સુખની વાતો કરે. એમ કરતા વળી આસો માસમાં મુક્તરાજ ધનબાને શરીરે તાવ આવવા માંડ્યો. તે પાંચ દિવસ ઠીક જણાય ને વળી ઓચિંતાનું એમ થઈ જાય કે, જાણે હવે દેહ રહેશે નહિ. તેમની સ્થિતિ બહુ મોટી, તેમ મોટા મુક્તોને નાનપણથી રાજી કરેલા, તેથી અંતરમાં તો એ અખંડ મહારાજનું ચિંતવન કર્યા કરતાં, પણ તાવને લીધે દેહની ક્રિયા થઈ ન શકે ત્યારે મૂંઝાય અને એમની સેવા કરનાર બાઈને કહે, 'કાનબાઈ! મારી પાસે તું હવે કથાવાર્તા કર્યા કરજે, એટલે મને આ ટાણે મૂર્તિ ભુલાય નહિ. બીજી બાઈઓ મારી પાસે જોવા આવે તેને એમ કહેવું જે, 'કેમ થાય છે! કેમ છે! તાવ કેવો છે?' એવું કાંઈ મને પૂછવું નહિ. મને ઠીક નથી એમ તમને જણાય ત્યારે ભેળા થઈને મૂર્તિનાં કીર્તન ગાવાં કાં મહારાજની ચેષ્ટાનાં પદ બોલવાં. નહિ તો વગરબોલ્યા માળા ફેરવવી અને જો એ વખતે બને તો ગામમાંથી હરિભક્તોનું ગાડું મોકલી ભાઈને વૃષપુરથી તેડી લાવવા. એમણે મને કીધું છે એટલે જરાક ખબર પડશે તો એની મેળાએ જ આવીને ઊભા રહે તેવા છે, એમની વાત હું શું કહું! એ તો એ જ છે. અહીં બેઠા હોય ને ગુજરાતમાં દેખાય, ઓરડીમાં સૂતા હોય ને કોઈ હેતે સહિત સંભારે તો ત્યાંય વાતો કરી આવે, કોઈ દેહ મૂકે તો ત્યાં પણ મહારાજ ભેગા હોય. મોટા સ્વામી નિર્ગુણદાસજી જ્યારે ભૂજમાં આવતા ત્યારે દેવરાજભાઈને કહેતા જે, 'ભાઈને ખૂબ રાજી કરી લેજો, એ પુરુષની આ ટાણે કોઈ જોડ નથી. એ કેવા મોટા છે તેની તો આગળ જતાં ખબર પડશે. લક્ષ્મીરામભાઈ જેવા મોટા હતા તે પણ ભાઈનો મહિમા કહેતા. આવી એમની ઘણીયે વાતો હવે સૌ જાણી ગયું છે, માટે ખરે ટાણે એમને જરૂર બોલાવજો.' આવી ભલામણ કરેલ હોવાથી સવંત ૧૯૮૦ ના કાર્તિક સુદ બીજને દિવસ મંદવાડ વધી જતાં, તેમનાં સેવક કાનબાઈ તથા બીજાં બાઈઓ બાપાશ્રીને રામપુર તેડી લાવવા ગાડામાં બેસીને વૃષપુર આવ્યાં ને મુક્તરાજ ધનબાની બધી હકીકત કહી. ત્યારે બાપાશ્રી કહે, 'આવા મંદવાડમાં તમે એમને રેઢાં ન મૂકજો, એવા મોટા મુક્તની સેવા મળવી બહુ દુર્લભ તે તમને મળી છે. હું કાલે જરૂર આવીશ, હજી તેમની ફિકર જેવું નથી.' આમ કહી તેમને તુરત પાછાં મોકલ્યાં ને બીજે દિવસ સાંજે પોતે રામપુર પઘાર્યા. બાપાશ્રી મંદિરના દરવાજે હજી ગાડીમાંથી ઊતરતા હતા ત્યાં તો હરિભક્તો ઘણા ભેળા થઈ ગયા ને દંડવત્ કરી મળવા લાગ્યા. પછી બાપાશ્રી તો ઉતાવળા ઠાકોરજીનાં દર્શન કરતાં જ હરિભક્તોને સાથે લઈ મુક્તરાજ ધનબા પાસે ગયા. ત્યાં બાઈઓનો સમૂહ બેઠેલ, તે બધાં એક કોર ખસી ગયાં એટલે પોતે ધનબાને 'જય સ્વામિનારાયણ' કર્યા ત્યારે તેમણે પણ સામા હાથ જોડ્યા. તેમનાથી હવે બહુ બોલાતું નહિ, તેથી બાપાશ્રીએ તેમની પાસે બેસી મહારાજના મહિમાની થોડી વાર વાતો કરી, તે સાંભળી એ ઘણાં રાજી થયાં ને કાનબા પાસે ઠાકોરજીનો પ્રસાદીનો હાર મગાવી બાપાશ્રીને આપ્યો ને હળવે હળવે કહેવા લાગ્યાં જે, 'ભલે આવ્યા ભાઈ! હમણાં તમારાં દર્શન મને મહારાજ ભેગાં થયાં હતાં, તે વખતે તો તમારા અંગમાં નકરું તેજ જ હું જોતી હતી, જેવા મહારાજ તેજોમય એવા જ તેજોમય મેં તમને દીઠા. તમે આવા છો એ વાતની તો હમણાં ખબર પડી. હવે હું તમને બીજું શું કહું? મારાથી કાંઈ ભૂલચૂક થઈ હોય તોય મહારાજને કહેજો કે બધી ભૂલ માફ કરીને મને તેડી જાય.' ત્યારે બાપાશ્રી કહે, 'હવે તમે મૂર્તિમાં વૃત્તિ જોડી મેલજો, બે દિવસ પછી મહારાજ તમને તેડી જશે. હું હમણાં જાઉં છું, બે દિવસ પછી પાછો તમારી પાસે આવીશ, ધીરજ રાખજો.' ત્યારે ધનબા કહે, 'ભાઈ! તમને મારે કાંઈ કહેવું પડે તેમ નથી તોય કહું છું કે, તમે જેવા મહારાજ ભેગા દેખાતા હતા એવા ને એવા મને ઘડીયે વીસરજો મા.' ત્યારે બાપાશ્રી કહે, 'તમારે કાંઈ ચિંતા રાખવી નહિ, તમારા ઉપર મહારાજ ને મોટા રાજી બહુ છે.' એમ કહી પોતે પ્રસાદીનો હાર પહેરેલ હતો તે ધનબાને આપ્યો કે તુરત તેમને અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ.
પછી બાપાશ્રી વૃષપુર જવા તૈયાર થયા ત્યારે હરિભક્તોને જણાવી દીધું જે, 'ધનબા હવે પરવારી બેઠાં છે, તેથી તમે કોઈ બે દિવસ આઘાપાછા જશો નહિ; છેલ્લું ટાણું સાચવી લેજો.' એમ કહી ગાડામાં બેસી દહીંસરે પહોંચ્યા. ત્યાં ગાડું ઊભું રખાવી હરિભક્તોને કહેતા ગયા કે, 'જેને ધનબાનાં દર્શન કરવાં હોય તે કરી આવજો.' પછી વૃષપુર ગયા ત્યારે ત્યાં પણ મંદિરમાં સહુને કહી દીધું ને પોતાના ઘરમાંથી પુત્ર, પુત્રીઓ વગેરેને મુક્તરાજ ધનબાનાં દર્શન કરવા રામપુર મોકલ્યાં અને તે ભેળું તેમનાં સેવક કાનબાઈને કહેવરાવ્યું જે, 'હવે સૌ વારાફરતી તેમની પાસે ને પાસે રહેજો, એમને જરાય રેઢાં મૂકશો નહિ.' આમ તેમના ધામમાં જવાની વાત સહુને પોતે આગળથી જણાવી દીધી.