૩૦૮ - હરિભક્તોની પ્રાર્થના સ્વીકારી

0:000:00

ત્યાર પછી ખાખરીઆના દેવપરા ગામના આગેવાન હરિભક્તોએ આવી બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘અમારે ગામ મૂર્તિઓ પધરાવવા નિમિત્તે વચનામૃતની સાત દિવસની પારાયણ બેસારવાનું અમોએ નક્કી કર્યું છે, ત્યાં આપ દયા કરી પધારો તો સર્વે નાનામોટા હરિભક્તો દર્શનસેવાએ રાજી થાય,’ એ રીતે કેટલાંક વિનયવચનોથી રાજી થઈ બાપાશ્રી તથા સંતોએ હા પાડી ને બારશને દિવસ અમદાવાદથી નીકળી સૌ રનોડા ગયા. ત્યાંથી ધોળકા તથા જેતલપુરમાં ઠાકોરજીનાં દર્શન કરી અસલાલી, ગામડી વગેરે ગામોમાં થઈને બારેજડી શેઠ બળદેવભાઈની મિલમાં તેમના આગ્રહથી પધાર્યા; ત્યાંથી સરસપુર એક દિવસ રહીને ગામ કડી આવ્યા. ત્યાં નાહી, ઠાકોરજીને જમાડી જૂના મંદિરની મૂર્તિઓ નવા મંદિરમાં પધરાવવાની હતી, તેની પ્રતિષ્ઠા કરી ગામમાં સહુને દર્શન દઈ ચાલ્યા; તે વખતે છગનભાઈ, લલ્લુભાઈ, મોતીભાઈ, રણછોડભાઈ, દલસુખભાઈ આદિ હરિભક્તોએ સૌની વતી પ્રાર્થના કરી રાજી કર્યા, ત્યારે બાપાશ્રી કહે, ‘તમે સૌ મહારાજને સંભારી સુખિયા રહેજો. આપણને પુરુષોત્તમનારાયણનો ચાંદલો આવ્યો છે, તે વાત બહુ ભારે થઈ ગઈ છે; પણ અક્ષરધામના રાજ્યને લાયક થવું ને મહારાજના વચનમાં ક્યારેય ફેર ન પાડવો,’ –એમ કહી સૌને રાજી કર્યા.

ત્યાંથી ચૈત્ર વદ ત્રીજને દિવસે દેવપરે પધાર્યા. ત્યાં વચનામૃતની પારાયણ ચાલતી હતી, તેમાં આ અનાદિ મુક્તરાજનાં દર્શન થતાં હરિભક્તોને આનંદનો પાર રહ્યો નહિ. પછી મહિમાવાળા હરિભક્તો નવરાવવા, જમાડવા વગેરે સેવાએ રાજી કરવા લાગ્યા. તે પારાયણમાં બાપાશ્રીનું આસન સૌથી આગળ રાખેલ હતું. ગામડાંના હરિભક્તોને ખબર પડતાં સૌ આગળપાછળ આવી દર્શન, સેવા-સમાગમનો લહાવ લઈ જતા ને કથા સાંભળતા. સભામાં સંતો વાતો કરતા, તો ક્યારેક બાપાશ્રી પણ કરતા. સમય થયે હરિભક્તોની પંક્તિ થાય ત્યાં પણ બાપાશ્રી પધારે ને સૌને ‘જય સ્વામિનારાયણ’ કહી રાજી કરે. એમ કરતાં જ્યારે ચૈત્ર વદ સાતમ આવી ત્યારે ધામધૂમથી શ્રીજીમહારાજની પ્રતિષ્ઠા કરી, તેથી સહુ રાજી થયા; પછી બીજે દિવસ સંતોએ સહિત ગાડીએ બેસી વીરમગામ પધાર્યા, ત્યાં ડૉક્ટર નાગરદાસભાઈ આદિ હેતવાળા હરિભક્તોને દર્શન દઈ કચ્છમાં જવાનું કહ્યું; ત્યારે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી અને કણભાવાળા સેવક આશાભાઈ વગેરે ભેળા ચાલ્યા, તે અખાત્રીજને દિવસ ભૂજ પહોંચ્યાં.