૬૨૩ - સંત-હરિભક્તોને રાજી કરી રવાના થયા
પછી થોડી વારે બાપાશ્રી તથા સંતો જાગ્યા ને નાહી પૂજા કરી તૈયાર થતા હતા, ત્યાં તો મોટા મોટા હરિભક્તોને ખબર પડી જે, ‘બાપાશ્રી કરાંચી પધારે છે,’ તેથી સહુએ એકબીજામાં ખબર કરતાં ઘણા હરિભક્તો આવી પહોંચ્યા. એ વખતે બાપાશ્રીના પુત્રોએ ઠાકોરજીને જમાડી જવા માટે પ્રાર્થના કરી, ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘આ ટાણે જરાય રુચિ નથી’; તોપણ આગ્રહ કરી થોડું દહીં પાયું. પછી હરિભક્તોને કરાંચી જવાની વાત કરી રાજી કર્યા, ત્યાં મોટર આવી એટલે બાપાશ્રી તથા સંતો તેમાં બેસીને પ્રથમ નારાયણપુર આવ્યા. તે વખતે ધનજીભાઈના ઘેરથી થાળ તૈયાર કરીને લાલજીભાઈ આદિ હરિભક્તો સડક ઉપર પ્રથમથી જ વાટ જોઈને ઊભા હતા, કેમ કે તેમને આગલી રાતે ભૂજથી ખબર મળ્યા હતા જે, ‘બાપાશ્રી સવારે જરૂર કરાંચી પધારવાના છે.’ આ હરિભક્તોને સડક પર ઊભેલા જોઈ બાપાશ્રીએ મોટર ઊભી રખાવી ત્યાં તેમને અતિ તાણ કરવાથી હેઠે ઊતરી ત્યાં જ ઠાકોરજીને જમાડ્યા અને એ લાલજીભાઈને પણ સાથે લીધા. પછી ત્યાંથી મોટરમાં બેસી ગામ દહીંસરામાં હરિભક્તોને દર્શન દઈ, વચમાં કંડેરાઈની ચોકીએ આવતાં લાલજીભાઈએ પ્રાર્થના કરી જે, ‘બાપા! આ ચોકી આપણી છે તે જરા ઊતરીને સંભારણું કરતા જાઓ.’ એમ કહેવાથી મોટર ઊભી રખાવી સૌ ઊતર્યા એટલે લાલજીભાઈએ ત્યાં આસન પથરાવી બાપાશ્રી તથા સંતોને બેસાર્યા; પછી સહુ કીર્તન બોલવા લાગ્યા ને પોતે સંતોની ચંદન, કુંકુમ તથા પુષ્પના હારથી પૂજા કરી વસ્ત્રો ઓઢાડ્યાં અને બાપાશ્રીને મોટી પાઘડી બંધાવી; પછી ત્યાં કૂવો હતો તેમાંથી જળ લાવીને કહ્યું જે, ‘બાપા! આ જળ પીઓ તથા સંતોને પાઓ અને વધે એટલું આપના હાથથી કૂવામાં નાખો, જેથી સહુનાં કલ્યાણ થાય.’ એમ તેમના હેતભર્યા વચનોથી બાપાશ્રી તથા સંતોએ જળપાન કર્યું ને થોડું જળ કૂવામાં પણ નાખ્યું. પછી ત્યાંથી સહુ મોટરમાં બેસી માંડવી પહોંચ્યા, ત્યાં હરિભક્તોને ખબર પડવાથી સમુદ્રના કાંઠા ઉપર સહુ દર્શન કરવા આવ્યા, તે સર્વેને મળી, સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજીને કરાંચી આવવા તાર કરાવ્યો ને લાલજીભાઈને ત્યાંથી પાછા વળવાનું કહ્યું, પણ તેમને સાથે જવાની બહુ જ ઇચ્છા હોવાથી ઘણી પ્રાર્થના કરી, ત્યારે બાપાશ્રીએ તેમના પર પ્રસન્નતા જણાવીને કહ્યું જે, ‘બચ્ચા! તારા બાપે પાછળથી કરાંચી આવવાનું નક્કી કર્યું છે, તેથી તું પાછો ઘેર જા.’ એમ કહી તેને રજા આપી. પછી ત્યાંથી સહુ આગબોટમાં બેસી ફૂલડોલને દિવસે સવારમાં આઠ વાગ્યે કરાંચી પહોંચ્યા.