૩૩૭ - ચમત્કાર તથા દિવ્ય દર્શન

0:000:00

આ યજ્ઞ પ્રસંગે પણ ઘણા ચમત્કારો થયા હતા. ભારાસરના ચાર હરિભક્તોને યજ્ઞ સારુ ઘી લેવા મોકલ્યા હતા, તે ગામ મુરુ જતાં માર્ગ ભૂલ્યા ને માથું ફરી ગયું, તે કોઈ દિશ સૂજે નહિ, ત્યાં એક માણસ જોવામાં આવતાં માર્ગ પૂછ્યો, તો તેણે કહ્યું કે, ‘આ માર્ગ મુરુનો નથી; આમ ફરીને જાઓ,’ એમ કહ્યું, એટલામાં તો જાણે કોઈ મનુષ્ય જ નહિ. તેથી સૌને આશ્ચર્ય થયું. પછી મુરુમાં જઈ ‘ઘી’ના ડબા જોવા માંડ્યા, ત્યાં પણ બાપાશ્રી ભેળા આવ્યા હોય એવું જણાય. પછી ઘી લઈને એ હરિભક્તો વૃષપુર આવ્યા, ત્યારે પોતે જ માર્ગ બતાવ્યાની તથા ‘ઘી જોતા હતા, ત્યારે અમે તમારા ભેળા હતા’ તે વાત કરી.

આ રીતે સેવા કરનારાને ઉમંગ વધે ને અલૌકિક ભાવ આવે એવા નવીન પ્રકારો જણાવતા. પારાયણ વંચાતી હતી ત્યારે પણ સંત-હરિભક્તો કથા સાંભળતા હોય ને કોઈને જરા ડોલું આવે કે સભા બધી દિવ્ય તેજોમય જણાય. વળી કોઈને ઉતારે જઈને બાપાશ્રી ‘જય સ્વામિનારાયણ’ કરે, સમાચાર પૂછે, આથી હરિભક્તો રાજી રાજી થઈ જાય, પણ જ્યારે ત્યાંથી પાછા વળે ત્યારે પાછું કાંઈ ન દેખાય, તેથી તે હરિભક્તો અત્યંત આશ્ચર્ય પામી જતા. પંક્તિમાં હોય ને તે જ વખતે પાકશાળામાં જણાય ને સભામાં જઈને કોઈ જુએ તો ત્યાંય એમ ને એમ બેઠા હોય. ગામોગામના હોંશીલા હરિભક્તો ઉમંગભર્યા સેવા કરતા, તેમાં પણ ઝાલાવાડના માલણીઆદ ગામથી આવેલા પચાસ જેટલા હરિભક્તો તો દરેક સેવામાં ઊભે પગે હાજર રહેતા અને જે જે કામ દેખાય તે તુરત કરવા મંડી જતા. જેમ કોઈને ઘેર લગ્ન હોય ત્યારે ઘરના સહુ ઊંઘ-ઉજાગરો ગણે નહિ, તેમ આ હરિભક્તો સેવા કર્યા કરતા.

એક દિવસ જ્યાં ‘ઘી’ના ડબા ઊના કરી કરીને ગળાતા હતા, ત્યાં ઘી ખૂટે એમ જણાતાં મેડા ગામના મોહનભાઈ તથા જટાભાઈ અને માલણીઆદના હરિભક્તોએ એ વાત બાપાશ્રીને જણાવી ને કહ્યું જે, ‘બાપા! હજી ઘી મંગાવ્યું જોશે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘જેટલું હોય તેટલું તો વાપરો!’ ત્યારે તેઓ કહે, ‘હવે તો થોડા જ ડબા રહ્યા છે ને પાકશાળામાં સોએ સો હરિભક્તો સુખડી કરવા માંડે છે, ત્યારે લાવો લાવો કરે છે તે આજ પૂરું થાય તેમ જણાતું નથી.’ આવાં વચન સાંભળી પોતે તે હરિભક્તો સાથે આવ્યા ને જ્યાં ખાલી ડબા ગોઠવેલા હતા તે સામું જોઈને કહે, ‘ડબાનો તો ઢગલો પડ્યો છે ને કેમ મૂંઝાઓ છો?’ ત્યારે હરિભક્તો કહે, ‘બાપા! આ તો બધા ખાલી છે.’ એ જ વખતે પોતાના હાથમાં લાકડી હતી તે ઠપકારવા લાગ્યા ને કહે જે, ‘આ ક્યાં ખાલી છે? આ ક્યાં ખાલી છે? એમ ઘણા ડબાને ઠપકારતા આવે ને દેખાડતા આવે, તેથી હરિભક્તો આશ્ચર્ય પામી ગયા કે આ શું? આપણે હાથે ડબા ઊના કરી ગાળી લીધા છે ને આ તો બધા ભરેલા જણાય છે! પછી બાપાશ્રી હસતા થકા કહે, ‘તમે આટલા ડબા સામું જોયું જ નહિ? હશે! મોટા કામમાં એમ થઈ જાય. હવે કાંઈ ફિકર ન રાખજો. આ યજ્ઞ શ્રીજીમહારાજનો છે તે કાંઈ ખૂટવા દે? આપણે તો સેવક છીએ, તે સેવા કરીએ ને રાજી થઈએ,’ એમ બોલ્યા.

એક દિવસ સદ્‍ગુરુ બ્રહ્મચારી કરુણાનંદજી જે મૂળીથી આવેલા હતા, તેમને આખી રાત દર્શન થયાં, તે વાત સવારે સભામાં આવીને પોતે કરવા લાગ્યા જે, ‘આજ શ્રીજીમહારાજ દિવ્ય તેજોમયરૂપે હરિભક્તોની પંક્તિમાં ફરતા હતા. સાથે અનાદિ મુક્તરાજ અબજીભાઈ પણ હતા. ઘણી વાર મેં એવાં દર્શન કર્યા, પછી હું સભામાં આવ્યો, ત્યાં પણ એવા જ તેજોમય બેઠેલા. પછી જાણે તલાવડીએ ગયો ત્યાં પણ હરિભક્તોની ભીડમાં એવા ને એવા જ દેખાય. આ તો ભારે ચમત્કારી વાત થઈ. મને આવડી ખબર નહોતી, આ મુક્તરાજ અબજીભાઈ તો બહુ મોટા છે, તેમના મહિમાનો પાર પમાય તેવું નથી.’ આમ વાત કરવાથી સંત-હરિભક્તોને બાપાશ્રીને વિષે ઘણો દિવ્યભાવ આવ્યો.