૧૬૦ - આંખોનો રોગ ને કેડની આંટી મટાડી

0:000:00

એક દિવસ સવારમાં વહેલા નાહી પૂજા કરી ભાઈશ્રી ઠાકોરજીના દર્શન કરવા આવ્યા, ત્યારે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી સૂતા હતા ને સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા બીજા સંત-હરિભક્તો પૂજા કરતા હતા. ભાઈશ્રીએ ‘જય સ્વામિનારાયણ’ કરીને પૂછ્યું કે, ‘આજ સ્વામીને કાંઈ ઠીક નથી?’ ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું કે, ‘એમને આંખોનો રોગ છે, તે પીડા ઊપડી છે. આમ ઘણીયે વાર થાય છે! જરાક ગરમ વસ્તુ ખવાણી હોય તોય નડ્યા વિના ન રહે. વાંચવું હોય તો વંચાય નહિ. રાત્રે મોડું સુવાય તોય નડે.’ એવાં વચન સાંભળી તે વખતે તો ભાઈશ્રી કાંઈ બોલ્યા નહિ ને સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી ઘેર ગયા. થોડી વારે પાછા આવી સભામાં બેઠા. કથાવાર્તા થઈ રહી, ત્યાર પછી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી નાહી, પૂજા કરી દર્શન કરવા આવ્યા. ત્યારે વળી પૂછ્યું તો પ્રથમ સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું હતું, તે પ્રમાણે જ તેમણે વાત કરી. એ વખતે પોતે ડાબો હાથ સ્વામીશ્રીના માથા પર રાખી જમણા હાથે વારાફરતી બેય આંખો ઉઘાડી એક નજરે સામું જોઈને બોલ્યા જે, ‘સ્વામી, તમારી આંખોમાં અમને બીજું કાઈ દેખાતું નથી, પણ ભગવાનની મૂર્તિ દેખાય છે.’ એમ રમૂજ કરીને કહ્યું જે, ‘હવે તમારે પંક્તિમાં જે આવે તે મહારાજને જમાડવું; કાંઈ નહી નડે.’ આવાં આશીર્વાદથી સ્વામીશ્રી ઠાકોરજીના થાળની પ્રસાદી જે પંક્તિમાં આવે તે જમવા લાગ્યા. પણ પછી એ આંખનો દુ:ખાવો ક્યારેય નડ્યો નહિ. એવી જ રીતે થોડા દિવસ પછી એક વાર કેડમાં એવી આંટી પડેલી તે આસનમાંથી ઉઠાય જ નહિ. પડખું ફેરવતાં પણ કઠણ પડે. ઉધરસ આવે તોય વસમું લાગે. એ વખતે પણ પોતે આવીને એમ કહ્યું કે, ‘સ્વામી! કેમ સૂઈ રહ્યા છો? સભામાં તો બેઠા રહેવું જોઈએ.’ પછી ‘કેડમાં આંટી પડી છે તેથી બેસાતું નથી’ -એમ કહ્યું, ત્યારે પોતે હાથ ઝાલીને કહ્યું જે, ‘બેઠા થાઓ, જોઈએ, ક્યાં આંટી પડી છે?’ તે વખતે સ્વામીશ્રી ઊભા થયા કે જાણે આંટી પડી જ નથી, એમ થઈ ગયું. આવી જ રીતે એક વખત પડખામાં શૂળ નીકળતાં હાથ ફેરવીને મટાડ્યું હતું. એમ તેમના પર બહુ રાજીપો હોવાથી તેમને કોઈ પણ પ્રકારનું શરીરમાં દુઃખ જણાય તો આ મુક્તરાજ ખમી શકતા નહિ, કેમ કે સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજીએ તેમની સોંપણી ભાઈશ્રીને કરી હતી. અને આ સ્વામી પણ સ્વામીશ્રીને વચને ભાઈશ્રીને વિષે ગુરુભાવ રાખતા; અને આ મુક્તરાજ પણ સ્વામીશ્રી પર પ્રસન્નતા જણાવી તેમને મહારાજના રહસ્ય-અભિપ્રાયની ચમત્કારી વાતો કરતા.