૪૨૬ - દસ વર્ષ રહેવાનું જણાવ્યું
એક દિવસ માનકૂવા ગામના હરિભક્તો દર્શને આવેલા, પણ તે દિવસ બાપાશ્રીને શરીરમાં ઠીક ન હોવાથી ચોક વચ્ચે ખાટલા પર સૂતા હતા ને પાસે સંતો કથા કરતા હતા. હરિભક્તોએ આવી સ્થિતિ જોઈ મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી આવ્યા પછી બાપાશ્રીને દંડવત્ કર્યા, પણ પોતે સામું જોયું નહિ, તેથી ઉતાવળા ‘જય સ્વામિનારાયણ’ કર્યા, ત્યારે નેત્ર ઉઘાડી સામું જોયું, પણ કાંઈ બોલ્યા નહિ. પછી હરિભક્તો ફૂલના હાર લાવેલા, તે બાપાશ્રી સૂતા હતા ને એમ ને એમ પહેરાવ્યા, તેથી અડધા માથે ને અડધા કંઠમાં રહ્યા, એ જોઈ હરિભક્તોને એમ થયું જે, ‘બાપાશ્રીને હજી માંદાઈ ગઈ નથી.’ ત્યાં તો એ ગામના હરિભક્ત માવજીભાઈનો હાથ ઝાલીને બાપાશ્રી બોલ્યા જે, ‘માવજીભાઈ! તમે આ ટાણે આવ્યા તે મહારાજની દયાથી દર્શન થયાં, નહિ તો તમારે સૌને કચ્છમાં આ વખતે કરેડીને કાળ પડ્યો હોત, ‘-એમ કહેતાં ઉદાસી જણાવી ઊંડા ઊતરી ગયા. આ વાતમાં માવજીભાઈ કાંઈ સમજી શક્યા નહિ જે, ‘બાપાશ્રીએ શું કહ્યું,’ તેથી એ વિચારમાં પડી ગયા. ત્યાં તો થોડી વારે પોતાની મેળાએ જ બાપાશ્રી બોલ્યા કે, ‘કાંઈ તમે સમજ્યા? આ ટાણે તમને દર્શન ન થાત! આ મંદવાડમાં મહારાજ તેડી જવાના હતા ને મેં જવાનો ઠરાવ નક્કી કર્યો હતો, પણ આ મોટા મોટા સંતોએ બહુ જ પ્રાર્થના કરી મહારાજને ના પાડી, તેથી મહારાજ રાખી ગયા છે. હવે તો એક દાયકો રહેશું.’ –એમ કહી પોઢી ગયા.
આ વાત થતાં સ્વામીશ્રી તથા બીજા સંતો ઘણાં રાજી થયા ને જાણ્યું જે, ‘બાપાશ્રીએ દસ વર્ષ સુધી તો પોતાની મેળાએ જ રહેવાનું જણાવ્યું.’
પછી બીજે દિવસ માનકૂવાના હરિભક્તો રજા લઈ ચાલ્યા, ત્યારે પણ માવજીભાઈ પર ઘણો રાજીપો જણાવી બાપાશ્રીએ કહ્યું જે, ‘ખૂબ ભગવાન ભજજો અને બીજાને ભજાવજો, તમારા સહુના પર હું ઘણો રાજી છું. તમે આવો છો ત્યારે મને એમ થાય છે જે, આમને હું શું યે આપી દઉં! તમે સદાય આવો ને આવો દિવ્યભાવ રાખજો.’ આ રીતે પ્રસન્નતા જણાવી સહુના માથા પર હાથ મૂક્યા.