૩૨૨ - આંબલીના હારથી પૂજા
એક દિવસ બપોરના સંતોએ સહિત બાપાશ્રી કાકરવાડીમાં બેઠા હતા ને માનકૂવા તથા ભારાસરના હરિભક્તો દર્શને આવ્યા. તેમણે સંતોને દંડવત્ કરી હજારી ફૂલ તથા ફોલેલ આંબલીના હાર પહેરાવી પૂજા કરી; પછી આંબલીનો હાર હાથમાં લઈ સ્વામી ઘનશ્યામજીવનદાસજી કહે, ‘આ તો વિનગુણહાર જેવાં ફૂલ લાગે છે.’ ત્યારે બાપાશ્રીએ માનકૂવાના વીરજીભાઈની ડોકમાં તે હાર પહેરાવીને કહ્યું કે, ‘સ્વામી! આવા નિર્ગુણ મુક્ત ચાલીને દર્શને આવે ને સંતોની પૂજા કરે, એટલે એવા દિવ્ય થઈ જાય. અમારા દેશનાં કેવાં દિવ્ય ફૂલ છે!’ –એમ રમૂજ કરી કહ્યું જે, ‘આ વીરજીભાઈના માથે બધાય સંતો હાથ મૂકો, એટલે એનો થાક ઊતરી જાય. આ તો બહુ બળિયા છે,’ એમ તેમના પર પ્રસન્નતા જણાવી.