૧૫૨ - ધ. ધુ. આચાર્ય મહારાજ સાથે અલૌકિક વાતો

0:000:00

સંવત ૧૯૫૩ની સાલમાં ધર્મધુરંધર આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ કચ્છમાં પધાર્યા, ત્યારે ભૂજમાં તથા ગામડાંઓમાં ભારે ધામધૂમ, સામૈયા ને પધરામણીઓ થતી, અને મોટા મોટા સંત-હરિભક્તો ભેળા હોવાથી ગામોગામ આનંદ આનંદ થઈ રહ્યો હતો. અનાદિ મુક્તરાજ ભાઈશ્રી પણ કેટલાક ગામોમાં સાથે જ રહેતા. જ્યાં જાય ત્યાં સભાઓ ભરાય, કથાવાર્તા તથા પધરામણીઓ થાય, તેથી ગામોગામ હરિભક્તોમાં આનંદ વર્તી રહ્યો હતો. અનાદિ મુક્તરાજ ભાઈશ્રીની મોટપ ધર્મધુરંધર આચાર્યશ્રીના જાણવામાં હતી, તેથી તેમને રાજી કરવા તેઓ વિચાર કરતાં, પણ ક્યાંય એવી અનુકૂળતા ન આવતી જે, એકાંતે વાતચીત થાય; એમ કરતાં કેરા ગામમાં પધાર્યા, ત્યારે આચાર્યશ્રીએ પોતાના તંબૂમાં આ મુક્તરાજને બોલાવ્યા ને વિનય કરી કહ્યું જે, ‘તમને શ્રીજીમહારાજે જીવોના મોક્ષ કરવા મોકલ્યા છે, એમ સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજી મને ઘણી વાર કહેતા; પણ મારે આમ તમારો મેળાપ ક્યારેય થયો નહોતો, જે હું તમને વાત કરું. મહારાજે આ ટાણે જોગ મેળવી દીધો, તેથી તમે હવે મારા પર રાજી થાઓ. મારે બે મહિના તમને અમદાવાદમાં તેડાવીને રાખવા એવું મનમાં છે, પણ જોગ આવ્યે વાત!’ ત્યારે ભાઈશ્રી કહે, ‘બહુ સારું મહારાજ! તેડાવજો, અમે આવીશું. તમે તો શ્રીજીમહારાજની ગાદીએ બેઠા છો ને સૌના ગુરુ છો, તોપણ મોટા સંતના અભિપ્રાય જાણી વિનય કરો છો.’ ત્યારે મહારાજશ્રી કહે, ‘એ તો ઠીક, પણ તમે રાજી રહેજો,’ -એમ કહી મૂર્તિનું સુખ આવે એવા આશીર્વાદ માગ્યા ને કેટલીક વ્યાવહારિક વાતો પૂછી. વળી રામનવમીનો સમૈયો ભૂજ કે અમદાવાદ કરવો, તે પણ પૂછ્યું, ત્યારે ભાઈશ્રીએ કહ્યું કે, ‘સમૈયો તો અમદાવાદ કરજો.’ તે વખતે મહારાજશ્રીએ એમ કહ્યું જે, ‘હવે રામનવમીને સમય થોડો છે ને મિસ્ત્રીઓના ગામમાં ઝાઝું રોકાવા કહે છે; તો તમે ભેળા આવી સમજાવીને રજા અપાવો તો જવાય, નહિ તો અમને એ નીકળવા નહિ દે.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘ભલે, અમે ભેળા આવશું ને સમજાવશું,’ -એમ કહીને બોલ્યા જે, ‘તમને મનાય તો એક વાત કહું.’ ત્યારે મહારાજશ્રી કહે, ‘ભલે કહો.’ તે વખતે અંતર્યામીપણે પોતે વાત કરી જે, ‘તમે અહીંથી રવાના થઈ જ્યારે ધ્રાંગધ્રા પહોંચશો, ત્યારે અમદાવાદમાં પ્લેગનો રોગ ચાલે છે, તેથી સમૈયો સરકારે બંધ કરાવ્યો છે એવો કાગળ તમારા પર આવશે, તથા ધ્રાંગધ્રામાં રાજ્ય તરફથી બે મહિના રોકાવાનો આગ્રહ થશે, એ વખતે તમારી સાથે જે સંતો છે, તે પણ એમ કહેશે કે, મહારાજ! રાજાનો આગ્રહ છે, માટે અહીં રોકાવું તે ઠીક. કેમ કે એમને સારું લાગે. તેમ બે મહિના રોકાતાં સત્સંગમાં ઘણો સમાસ થાય એમ કહે, તોય તમે રોકાશો નહિ ને સમૈયા નજીક અમદાવાદ ઢૂકડા થઈ જજો. થોડા દિવસ રહેશે એટલે સરકાર તરફથી સમૈયાની છૂટી થઈ ગઈ છે, એવો બીજો કાગળ આવશે, માટે તમે અમદાવાદ જજો. રોગની કાંઈ મૂંઝવણ ન રાખજો. સમૈયામાં કોઈને કાંઈ નહિ થાય.’ -આમ કહ્યું, ત્યારે મહારાજશ્રી ઘણા રાજી થયા ને આ વાત મનમાં રાખી. પછી બે દિવસ, અનાદિ મુક્તરાજ ભાઈશ્રી તથા સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર જઈ આવી મિસ્ત્રીઓના ગામમાં આચાર્ય મહારાજ સાથે ગયા. ત્યાં મિસ્ત્રીઓને સમજાવી સત્તર રસોઈઓ ભેળી કરાવી ત્રણ દિવસમાં સહુને રાજી કરી દીધા ને આચાર્ય મહારાજની પહેરામણી વગેરે સેવાઓ કરાવી. પછી કુંભારિયેથી દેવળીએ તથા સિનોગ્રે જઈ ત્યાં પણ સૌ હરિભક્તોને સમજાવી રાજી કર્યા. સદ્‍ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી સાથે હોવાથી તેમનું તથા ભાઈશ્રીનું વચન કોઈ ફેરવે નહિ, તેથી આચાર્ય મહારાજ તથા સંતો બહુ રાજી થયા, પછી ચાલ્યા ત્યારે ઘણા સંત-હરિભક્તો અંજાર સુધી ધર્મધુરંધર આચાર્યશ્રીને વળાવવા ગયા.