૧૯૪ - દિવ્યસ્વરૂપના દર્શનનો આનંદ
એ વખતે મૂળીવાળા સ્વામી બાળકૃષ્ણદાસજી, શ્વેતવૈકુંઠદાસજી, સનાતનદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, શ્રીહરિદાસજી આદિ સંતમંડળ આવ્યાં તે ઠાકોરજીના દર્શન કરી સભામાં દંડવત્ કરતા હતા, તે જોઈ બાપાશ્રીએ તેમના સામું જોઈ ઓળખ્યા ને પોતે પણ દંડવત્ કરવા લાગ્યા. ત્યાં તો સ્વામી બાળકૃષ્ણદાસજીએ ઝાલી રાખ્યા ને બહુ હેત જણાવી મળ્યા, ત્યારે બાપાશ્રી સભામાં બેઠેલા સદ્ગુરુ આદિ સંતો સામું જોઈ ને કહે, ‘હવે અમારે પચાણ શંખ બોલ્યો’, એમ કહેતા ઘણું હેત જણાવી સર્વે સંતોને મળ્યા. પછી બાપાશ્રીએ સમાચાર પૂછ્યા કે, ’સ્વામી! તમે આમ વાટ કેમ જોવરાવી?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘અમે ઝાલાવાડના ગામડામાં હતા, ત્યાં યજ્ઞના ખબર પડ્યા એટલે વૃત્તિ ઊપડી ગઈ. પછી હરિભક્તોએ રોકાવાનો બહુ આગ્રહ કરવાથી રહેવાનો ઠરાવ કર્યો, પણ રાત્રે આપે એકદમ ખેંચ્યા, તેથી હરિભક્તોને બોલાવી કહી દીધું કે, અમારાથી હવે નહિ ખમાય, કચ્છમાં જવું છે.’ પછી તો સૌએ રાજી થઈ રજા આપી, એટલે વવાણીએથી ખાડી ઊતરી કુંભારિયા માર્ગે ગાડામાં બેસી અહીં પહોંચ્યા; ને આવી દિવ્યસભામાં આપનાં દર્શન કર્યા. તે વખતે બાપાશ્રીએ પણ સ્વામીશ્રીનો મહિમા કહી આસન કરાવ્યું. પછી કથા સમાપ્તિ વખતે પણ જે જે સંતો ‘જય સ્વામિનારાયણ’ કરવા આવે તે સર્વેને આ સ્વામીશ્રીની બહુ જ મોટી સ્થિતિ તથા નિરાવરણદૃષ્ટિની વાતો કરી તેમના પર બહુ રાજીપો જણાવ્યો.