૬૪૬ - ભારાસરના હરિભક્તો પર પ્રસન્નતા
બાપાશ્રી વૃષપુરમાં ગયા પછી સંતો બે દિવસ ભૂજમાં રહી નારાયણપુર આવ્યા, ત્યાં એક રાત રહી ધનજીભાઈ આદિ હરિભક્તોને રાજી કરી બીજે દિવસ ભારાસર ગયા. તે જ દિવસે બાપાશ્રી ઘોડીએ બેસી નારાયણપુર થઈ બપોરે ભારાસર પધાર્યા, તે જોઈ સંત-હરિભક્તો રાજી થતાં સૌ દંડવત્ કરી મળ્યા ને કહ્યું જે, 'બાપા! આવા ખરા તાપમાં પધાર્યા? જરા વહેલા-મોડા નીકળ્યા હોત તો ઠીક હતું.' ત્યારે પોતે એમ બોલ્યા જે, 'આજ તો અમે તપ બહુ કર્યું. 'પછી સંતોને કહ્યું જે, ‘તમે દરિયો ઝંઘી ઝંઘીને અમ સારુ આવો છો તે અમે જાણીએ છીએ, અમે કાંઈ કૃતઘ્ની નથી. તાપતડકો વેઠીને તમ કેડે વાંસે વાંસે ફરીએ છીએ.' એમ વાત કરતા હતા, પણ બાપાશ્રી સવારમાં વહેલા ચાલ્યા હશે એમ જાણી હરિભક્તો બાપાશ્રીને તાણ કરી ઠાકોરજી જમાડવા તેડી ગયા, તે થોડી વારે પાછા આવ્યા ત્યારે સ્વામીશ્રીએ મહારાજના મહિમાની ઘણી વાતો કરી સૌને રાજી કર્યા. વળી સાંજે તથા રાત્રે કથાવાર્તા થતાં હરિભક્તોને બહુ જ આનંદ થયો.
બીજે દિવસ સવારે નિત્યવિધિ કર્યા પછી બાપાશ્રીએ સભામાં વાત કરી જે, 'આપણે તો શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામમાં એ દિવ્યમૂર્તિ સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે, તે મૂર્તિમાં રસબસ થઈ રહેવું, એ મૂર્તિમાં જોડાય તો અહો! અહો!! થઈ જાય, બીજું કાંઈ ભાસે કે સાંભળે નહિ, આ જોગ ને વખત બહુ સારો છે.' પછી સંતો સામું જોઈને બોલ્યા જે, 'તમને ક્યાંઈક ખણીને વનમાં જઈએ તો કેમ કરો?' ત્યારે સ્વામીશ્રી કહે, 'તમારા ભેગા મહારાજની મૂર્તિમાં રહીએ.' પછી વળી સંતોએ જેતલપુરનું ચોથું વચનામૃત વાંચ્યું, તેમાં અર્જુને મચ્છ વેંધ્યો એ વાત આવી, ત્યારે પોતે એમ બોલ્યા જે, 'અર્જુને પક્ષીનું એકલું મસ્તક દેખ્યું તેમ આપણે એક મૂર્તિ જ રાખવી, એ મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ એમ સમજવું, મૂર્તિમાંથી તેજ ઝળળ-ઝળળ છૂટે છે, તે મૂર્તિમાં કલ્પેકલ્પ વીતી જાય તોપણ એ સુખમાંથી બહાર અવાય નહિ, આપણે એ કરવા ભેળા થયા છીએ.' પછી ભારાસરના હરિભક્તોની બહુ પ્રશંસા કરી.