૫૪૭ - દહીંસરામાં પારાયણ
આ પ્રકારે રામપુરમાં મુક્તરાજ ધનબા ધામમાં પધાર્યાં. પણ તે પહેલાં દહીંસરામાં દેવજી ગોપાળ તથા ગામના હરિભક્તોએ મળી તે ગામના તળાવ ઉપર છત્રી કરાવી ચરણારવિંદ પધરાવવા નિમિત્તે કાર્તિક સુદ સાતમથી પૂનમ સુધી પારાયણ બેસારવાનું નક્કી કરેલ હતું, તેથી ભૂજના સંતોએ ત્યાં જઈ બધી તૈયારી કરી રાખી હતી; પણ અહીં રામપુરમાં મહા મુક્ત ધનબા ધામમાં પધારતાં હવે શું કરવું? એમ સહુ વિચાર કરતા હતા. તેમને સંતો કહે, ‘મોટા મુક્તની પાછળ તો માણસો ખર્ચ કરી પારાયણ બેસારે છે ને આ ચાલુ કથા કાંઈ બંધ રખાય? આવા મોટાના નિમિત્તે રામપુરમાં પણ કથા બેસશે એટલે અહીં હરિભક્તો ઓછા આવશે, પણ શું કરવું? મહારાજની એવી મરજી હશે!’ આમ કહેવાથી સૌએ દહીંસરામાં કાર્તિક સુદ સાતમથી પરાયણ ચાલતી કરી અને એવી જે રીતે રામપુરમાં મુક્તરાજ ધનબા પાછળ પણ વચનામૃતની કથા વંચાવા માંડી, તેથી બાપાશ્રી તો ત્યાં જ રોકાણા અને જે જે હરિભક્તો આવે તેના પાસે પોતે મહારાજ તથા મોટાના મહિમાની વાતો કરે. આમ બેય ગામમાં બ્રહ્મયજ્ઞ ચાલતો હતો. વચમાં દહીંસરાની પારાયણમાંથી હરિભક્તો રામપુર દર્શને આવી જતા.