૬૫૭ - સંતોએ તેડાવવાથી વૃષપુર જઈ આવ્યા
બીજે દિવસ સવારે બાપાશ્રી નિત્યવિધિ કરી રહ્યા ત્યાં તો વૃષપુરથી હરિભક્તો તેડવા આવ્યા ને કહ્યું જે, ‘બાપા! ભૂજથી સ્વામી ભક્તિપ્રિયદાસજી તથા શ્રી વલ્લભદાસજી આદિ સંતો આવ્યા છે અને ગામના સર્વે હરિભક્તોએ મળી આપને પૂછવાનું રાખ્યું છે કે, મંદિરના સામેના ભાગમાં મેડી કરવી છે, તેમાં કૂવો ફેરવવો જોશે તેનું શું કરવું? એ વાતમાં સહુ વિચાર કરે છે, તો આપ ત્યાં આવી જાઓ.’ આવાં વચન સાંભળી બાપાશ્રી ગાડીમાં બેસી તુરત વૃષપુર આવ્યા. તે વખતે હરિભક્તો સર્વે ભેળા થઈ ગયા ને કૂવો ફેરવવા વગેરેનું પૂછ્યું. ત્યારે બાપાશ્રી કહે, ‘તમોએ સંતો સાથે જે વિચાર કર્યો છે, તે ઠીક છે અને આ કૂવો છે તે આગળના ભાગમાં કરો, પણ આ કામમાં સહુ શ્રદ્ધાથી સેવા કરજો. દેહથી કરી શકે તે દેહથી અને દ્રવ્યથી કરી શકે તે દ્રવ્યથી, પણ સૌ ઉમંગથી કરજો. મોટા મોટા સંતો મંદિરનું મમત્વ રાખતા, તેમ આપણે આવા ઠાકોરજીના કામમાં મમત્વ રાખવું,’ આવાં વચનથી સૌ રાજી થયા; પછી બાપાશ્રી પાછા સાંજના કેરે પધાર્યા ને ત્યાં રાત્રે કથાવાર્તા કર્યા પછી સંતોને બનેલી વાત કરી મોડેથી પોઢ્યા.