૧૮૪ - મહારાજ જેમ રાખે તેમ રહેવું

0:000:00

બીજે દિવસ સવારની કથા થઈ રહી હતી ત્યારે બાપાશ્રી અંતર્યામીપણે કહેવા લાગ્યા જે, ‘સ્વામી! આ ફેરે તમે અહીં દેહ મૂકવાનો સંકલ્પ કરીને આવ્યા છો તે મહારાજની ઇચ્છાથી અમારા જાણવામાં આવી ગયું છે, પણ હજી તમને અમારે જવા દેવા નથી. સત્સંગમાં કેટલાયનાં કલ્યાણ કરવાં સારુ રાખવા છે.’ ત્યારે સ્વામી કહે, ‘મને કમળી થઈ છે તે કાંઈ જમાતું નથી, તેથી અહીં રહેવા કરતાં મહારાજના સુખમાં વહેલા પહોંચી જવાય તો સારું.’ ત્યારે બાપાશ્રી કહે, ‘આપણે કોઈ પ્રકારનો સંકલ્પ જ ન કરવો, મહારાજ જેમ રાખે તેમ રહેવું. મૂર્તિ ક્યાં છેટે છે? અંતર્વૃત્તિએ જોઈએ તો સદાય આપણી સાથે છે. પણ અમને એમ જણાય છે કે શ્રીજીમહારાજ તમને રાખવાના છે, માટે ઉતાવળ કરશો મા. હજુ તમારા દ્વારા કંઈકના મોક્ષ થશે.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘બહુ સારું; જેવી મહારાજની ને આપની મરજી,’ – એમ કહીને ઊઠ્યા; પછી ઠાકોરજી ના થાળ થયા ત્યારે પોતે સ્વામીશ્રીના પડખે આવીને બેઠા ને સંતોને કહીને થોડો રોટલો પત્તરમાં પીરસાવ્યો. સ્વામી કહે, ‘મારાથી જરાય જમાતું નથી ને નહિ ફાવે.’ ત્યારે પોતે બોલ્યા જે, ‘આટલો રોટલો તો ઔષધની પેઠે જમી જાઓ. આ પ્રસાદી તો કમળી મટાડી દે એવી છે,’ એમ કહી જમાડ્યા; પછી રોજ સવારે, સાંજે ને રાત્રે બોલાવે, મળે, ચંદન ચર્ચે, હાર પહેરાવે. સ્વામીશ્રી તથા સંતો પણ બાપાશ્રીની એવી જ રીતે પૂજા કરે. તે વખતે ઔલોકિક વાતો થતાં સૌને આનંદ ઊભરાય. બપોરે વાડીએ જાય. ત્યાં પણ નવાં નવાં હેત જણાવી મળે, પ્રસાદીઓ વહેંચાય, એ પ્રકારે છ દિવસ રાખી બહુ સુખ આપ્યાં. પછી દેશમાં જવાની આજ્ઞા કરીને કહ્યું કે, ‘તમે ભૂજ, મૂળી કે અમદાવાદ કયાંય ન રોકાજો. પરબારા જેતલપુર ચાલ્યા જજો. ત્યાં મહારાજ સારું કરી દેશે.’ પછી બીજે દિવસે સંતોએ બાપાશ્રીની પૂજા કરી ને બાપાશ્રી પણ એવી જ રીતે સંતોને ચંદન ચર્ચી હાર પહેરાવી અતિ હેતે સહિત મળ્યા ને રજા આપી. પછી ભૂજ થઈ ગાડીએ બેસી જવા કહ્યું. તેથી સંતો ભૂજ જઈ મંદિરમાં રાત રહ્યા.