૬૦૦ - લીંબડીમાં સામૈયું અને દરબારમાં પધરામણી

0:000:00

આ વખતે મૂળીમાં બાપાશ્રીના નાના પુત્ર મનજીભાઈનો કાગળ બાપાશ્રી પર આવ્યો કે, ‘મારાં માતુશ્રીને તમારા ગયા પછી મંદવાડ બહુ થઈ ગયો હતો તે હમણાં તો જાણે દેહ રહે નહિ તેવું શરીર થઈ ગયું છે, તો જેમ બને તેમ વહેલા આવો તો સારું.’ પણ બાપાશ્રીને લીંબડીમાં દરબાર તરફથી ત્યાંના દીવાન ઝવેરભાઈએ આમંત્રણ કરેલ હોવાથી ત્યાં જવું હતું, તેથી પોતે એમ જાણ્યું જે, ‘ ત્યાં જઈને પછી કચ્છમાં જવાનું કરીએ.’ પોતાને શું કરવું છે. તે તો બીજા કોઈ ક્યાંથી જાણી શકે? હવે બાપાશ્રી જે દિવસ લીંબડીમાં પધાર્યા, તે દિવસ ત્યાં દરબાર તરફથી સામૈયું થયું ને સ્ટેશન પરથી બાપાશ્રી તથા સંતોને મોટા મોટા હાર પહેરાવી, ગાડીમાં બેસારી હરિભક્તો ગાજતેવાજતે મંદિરમાં તેડી લાવ્યા. ત્યાં ઝવેરભાઈએ બીજે દિવસે પોતાને ઘેર રસોઈ કરાવી સૌને જમાડ્યા અને દરબારશ્રીના કુંવરને શરીરે જરા ઠીક ન રહેતું તેથી તેમણે બીજે દિવસ દરબારમાં પણ બાપાશ્રી તથા સંતોની પધરામણી કરાવી. એ વખતે બાપાશ્રીએ તે કુંવરને ફૂલનો હાર પહેરાવી આશીર્વાદ આપ્યા જે, ‘મહારાજ સારું કરશે.’ ત્યાર પછી તેમણે પણ બાપાશ્રીને એક શાલ ઓઢાડી. એ જોઈ બાપાશ્રી કહે, ‘અમે આવાં વસ્ત્ર વાપરતા નથી.’ ત્યારે તેમણે કહ્યું, ‘તમે ગમે તેમ કરજો, પણ અમારી આટલી સેવા સ્વીકારો.’ આવાં વચનથી બાપાશ્રી તેમના પર બહુ રાજી થયા. થોડી વારે દરબારશ્રી પધાર્યા ત્યારે સંતોએ મહારાજના મહિમા સંબંધી તથા બાપાશ્રીની સ્થિતિ બહુ મોટી છે વગેરે વાતો કરી. પછી બાપાશ્રીએ પણ તેમને પોતાની ઓળખાણ કરાવી રહસ્યાર્થવાળા વચનામૃતનું પુસ્તક આપી મોક્ષનું વરદાન આપ્યું. ત્યાંથી ગામ રામગ્રીએ જઈ ત્યાંના હરિભક્તોને દર્શન દઈ રાજી કર્યા.