૫૭૯ - વરશી નિમિત્તે પારાયણ
બાપાશ્રી વૃષપુરમાં આવ્યા પછી બે મહિના સુધી બહુ બહાર જતા-આવતા નહિ. રોજ સવારમાં વહેલા નાહી, પૂજા કરી કથા કરાવે, પછી ઘેર જઈ ઠાકોરજીને જમાડી પાછા મંદિરમાં આવીને બેસે. તે ઘડીક ચોકમાં ને ઘડીક ઓસરીમાં; બપોરના તો ઘણે ભાગે મંદિરની ઓરડીમાં જ સૂતા હોય. પોતે વાડીએ જવાનું પણ ઓછું કરી નાખ્યું હતું, તેથી વધુ તો મંદિરમાં જ રહેતા; પછી શ્રાવણ-ભાદરવા માસમાં ઠંડી ઋતુ થઈ ત્યારે પોતાને શરીરે ઠીક જણાવા માંડ્યું, એટલે જે કોઈ સંત-હરિભક્તો દર્શને આવે તેને પોતે મહારાજના મહિમાની વાતો કરી રાજી કરે, કોઈને ઘેર લઈ જાઈને જમાડે. એમ કરતાં એક દિવસ રામપુરથી સાંખ્યયોગી બાઈઓ સાથે કાનબા બાપાશ્રી પાસે આવ્યાં અને દેવરાજભાઈ તો થોડા દિવસ આગળથી વૃષપુરમાં આવેલા હતા, એ સહુએ મળી બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘જેમ ધનબા મા નું ટાણું તમે આગળ રહીને કર્યું હતું. તેમ તેમની વરસીનું કામ પણ આગળ થઈને નિવેડો, એટલું તમને હાથ જોડીને કહેવા આવ્યા છીએ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘કાનબાઈ! કાંઈ ધનબાના ટાણામાં મને કહેવાનું હોય? હું તો વગર કહ્યે સહુથી પહેલાં આવીને બેસીશ, પણ તમે ગામના હરિભક્તોને આગળ રાખી ભૂજના સંતોને બધી ભલામણ કરજો, એટલે કોઈ વાતનો વાંધો નહિ આવે. એ કહે તેમ સામાન મગાવવો ને કામ બધુંય હરિભક્તોને સોંપવું, તેથી એમને સેવા કરવાનો મમત્વ રહે.’ એમ ભલામણ કરી તેમને પાછા રામપુર મોકલ્યા.
બાપાશ્રીની આજ્ઞા પ્રમાણે કાનબા આદિ બાઈઓએ રામપુર જઈ ગામના હરિભક્તોને બોલાવીને મુક્તરાજ ધનબાની વરશીનું કામ તેમના પર રાખ્યું, તેથી સહુએ ભેળા મળી હરિભક્તોને ભૂજ મોકલીને સંતોની આગળ ‘સત્સંગિજીવન’ની કથા કરવાનું નક્કી કર્યું ને સંતોને આગળથી બોલાવી બધી તૈયારી કરવા માંડી અને જેને જેને ખબર પહોંચાડવા હતા તેને ખબર મોકલાવ્યા, તેથી આ વરશી નિમિત્તની પારાયણમાં પણ ઘણા હરિભક્તો આવી પહોંચ્યા ને કથા બેઠી. એક કોરે રસોડાં ચાલતાં થયાં ને હરિભક્તો ઘટતી સેવા કરવા લાગ્યા. બાપાશ્રી પણ બે દિવસ આગળથી આવી ગયેલા હોવાથી દેવરાજભાઈ આદિ હરિભક્તો તથા કાનબાઈ વગેરે જે જે કામ હોય તે પૂછી પૂછીને કરતા. આ પારાયણમાં પણ દેશાંતરથી ઘણાં હરિભક્તો બાઈ-ભાઈ આવ્યાં હતાં તેમ જ બીજાં ગામડાંના હરિભક્તોથી સભા ભરી ને ભરી જ રહેતી. સવારમાં કેટલાક હરિભક્તો વહેલા ઊઠી ગંગાજીએ જઈ નાહી આવતા અને કેટલાક વાડીઓમાં નાહવા જતા. રોજ સવાર-સાંજ સભામાં ચંદન-પુષ્પથી પૂજાઓ થાય ને કથા વંચાય, સમાપ્તિ પછી સંત-હરિભક્તોની પંક્તિઓ થાય, બાપાશ્રી માટે સાંખ્યયોગી બાઈઓને રસોડે થાળ થયા હોય ત્યાં પોતે જમવા પધારે. એક દિવસ બાઈઓને કહે, ‘જુઓ! મોટા મુક્તનો પ્રતાપ કેવો છે! ધનબાને ધામમાં ગયા એક વર્ષ થઈ ગયું તોય જાણે પોતે બેઠાં હોય ને યજ્ઞ થતો હોય એવું લાગે છે.’