૪૪૦ - અલૌકિક પ્રસાદી ને અદભુત્ પ્રતાપ
મુક્તરાજ દેવરાજભાઈની પ્રાર્થનાથી નારાયણપુરવાળા ધનજીભાઈને આવરદા આપીને બાપાશ્રીએ રાખ્યા, એ વાતની જાણ થતાં ઘણાને આશ્ચર્ય થયું ને કેટલેક ઠેકાણે એ વાત થવા લાગી તે વખતે ગામ દહીંસરામાં ગોપાળભાઈ નામના હરિભક્તને બહુ મંદવાડને લીધે દેહ રહે નહિ, તેવું જણાતાં તેની સાસુ રૂડીબાઈએ બાપાશ્રી પાસે જઈને અરજી કરી કે, ‘મારા જમાઈને દહીંસરામાં માંદાઈ ઘણી છે ને જો દેહ મૂકશે તો મારે બહુ દુઃખ થશે, તમારા વિના અમે આવું દુઃખ કોને કહીએ!’ એમ કહેતાં દિલગીર થઈ ગયાં. ત્યારે બાપાશ્રી કહે, ‘રૂડીબાઈ! આ પ્રસાદી હું આપું છું તે ખવરાવજો, મહારાજ સારું કરી દેશે.’ આ બાઈને તો એટલું જ જોઈતું હતું. તુરત તેણે દહીંસરે આવીને તે પ્રસાદી ગોપાળભાઈના મોઢામાં મૂકીને ‘જય સ્વામિનારાયણ’ કર્યા, ત્યાં તો તેમને અલૌકિક દૃષ્ટિ થઈ ગઈ ને દર્શન થવા લાગ્યાં તે જાણે બાપાશ્રી પોતાના ખાટલા પાસે ઊભા છે ને પડખે એવા જ અનેક મુક્તો તેજોમય દેખાય, પણ બીજું કાંઈ ભાસે જ નહિ. તે જોઈ ગોપાળભાઈ કહે, ‘બાપા! હું હવે રહીશ નહિ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમને રહેવું પડશે, રહેવું પડશે.’ એમ બે વખત બોલ્યા તેથી પોતે વિચાર કરવા મંડ્યા કે, ‘મેં બાપાશ્રીની આજ્ઞા કોઈ વાર લોપી નથી ને આ ટાણે કેમ લોપાય?’ ત્યાં તો એ દિવ્ય મુક્તો સાથે બાપાશ્રીએ દર્શન બંધ કર્યાં. પછી મોડેથી એ જાગ્રત અવસ્થામાં આવ્યા ત્યારે તેની સાસુ રૂડીબાઈએ બાપાશ્રી પાસે જઈ પ્રસાદી લાવ્યા હતા તે વાત કરી, તેથી તેમને ઘણું આશ્ચર્ય થયું ને એક મહિના પછી જ્યારે મંદવાડ સાવ મટી ગયો ત્યારે એ વૃષપુરમાં બાપાશ્રીનાં દર્શન કરવા ગયા તે વખતે બાપાશ્રી વાડીએ જતા હતા ત્યાં જ દંડવત્ કરી મળ્યા ને કહ્યું જે, ‘બાપા! મને દર્શન આપીને પાછો રાખી મેલ્યો, તે હવે એવો વખત પાછો ક્યાંથી આવે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘જેને હેત ને વિશ્વાસ છે તેને તો સદાય એવો જ વખત છે, ફિકર રાખશો મા. વખત આવશે ત્યારે એવી જ રીતે દિવ્ય રૂપે દર્શન દઈ તેડી જશું.’ આવા આશીર્વાદથી તે ઘણા રાજી થયા.
ત્યાર પછી એકાદ મહિને બાપાશ્રીને ઠીક જણાતાં થોડે થોડે ચાલવા માંડ્યું. મંદિરથી ઘેર જઈ આવે ને ક્યારેક બેત્રણ વિસામા ખાઈને વાડીએ પણ ચાલ્યા જાય. સભામાં ઘણી વાર બેઠા હોય ને થાક લાગે તો ત્યાં જ માથે ધોતિયું ઓઢી સૂઈ જાય. ગામડેથી હરિભક્તો આવે ત્યારે સાજા થઈ ગયા હોય તેમ હિંમતથી વાતો કરે. ગામમાં કોઈને માંદેસાજે જોવા જવું હોય તો ત્યાંય ધીરે ધીરે જઈ આવે. સંતો આવે ત્યારે પાધરા જ પોતે દંડવત્ કરવા માંડે. સંતો ના પાડે, ઉતાવળા જઈ ઝાલી રાખે તોય આગ્રહ કરે, ઊભા થઈ મળે, સમાચાર પૂછે; આમ બહુ પ્રકારે સંત-હરિભક્તોને રાજી કરતા હતા.