૨૦૯ - હરજીભાઈનો મંદવાડ મટાડ્યો

0:000:00

ત્યાર પછી થોડા દિવસ થયા, ત્યાં વળી મોટા પુત્ર હરજીને શરીરે આકરો તાવ આવ્યો. ગામોગામ પ્લેગનો રોગ ચાલતો હોવાથી ડૉક્ટર તથા પોલીસને જાણ થઈ કે તરત એ વાડીએ જોવા આવ્યા, તેથી ધનજીભાઈના મનમાં એમ થવા માંડ્યું જે, ‘આ છોકરાને પ્લેગ થશે તો ઘરમાં બીજાને પણ ચેપ લાગશે, માટે આને નોખો રાખી સારવાર કરીએ તો ઠીક.’ એમ ઘરમાં સૌ મળી વિચાર કરતા હતા, ત્યાં વૃષપુરથી જાદવજી તથા આશાભાઈને સાથે લઈને બાપાશ્રી તેમની વાડીએ આવ્યા, ત્યારે ઘરના સહુએ પગે લાગી ‘જય સ્વામિનારાયણ’ કર્યા અને વાડીમાં બીજા માણસો હતા તે પણ આવ્યા ને હાથ જોડી ઊભા રહ્યા. પછી બાપાશ્રી હરજીભાઈના સમાચાર પૂછી તેનો ખાટલો હતો ત્યાં ગયા ને આખે શરીરે હાથ ફેરવીને બોલ્યા જે, ‘ધનજી બચ્ચા! આ છોકરાને તાવ છે, બીજું કાંઈ નથી. તું જરા પણ બીક રાખીશ મા. તારી વાડીમાં પ્લેગ આવવા નહિ દઈએ. ચિંતા ન કરજે,’ એમ કહી પાસે બેસી મહારાજ તથા મોટાના બળની વાતો કરવા લાગ્યા જે, ‘આપણે શ્રીજીમહારાજના દીકરા છીએ, તેથી સદાય આનંદમાં ને આનંદમાં રહેવું, કેમ કે શ્રીજીમહારાજની પ્રાપ્તિ થવી જીવને બહુ દુર્લભ! સાધને કરીને કે જપેતપે કરીને ન થાય. આપણને તો બગાસું ખાતાં મોઢામાં સાકરનો ગાંગડો આવી ગયા જેવું થયું છે. શ્રીજીમહારાજ જેવા સર્વોપરી ભગવાન અને તે મૂર્તિમાં રહેનારા અનાદિ મુક્ત આ લોકમાં ક્યાંથી હોય? આ તો મહારાજ જીવો ઉપર દયા કરી દૃષ્ટિગોચર થયા, તેથી સુગમ થયું છે. માટે મૂર્તિ વિના બીજો ઘાટ ન કરવો. શ્રીજીમહારાજનો પ્રતાપ બહુ જબરો છે. એ દિવ્ય મૂર્તિના દર્શને અનંતકોટી બ્રહ્માંડના આવરણ ભેદી જવાય, વાર ન લાગે.’ એમ વાતો કરતાં કેડિયાના ગુંજામાંથી દ્રાક્ષની પ્રસાદી કાઢી હરજીભાઈને આપી ને કહ્યું જે, ‘બચ્ચા! આ પ્રસાદી ખાઈ જા, તાવ ઊતરી જશે, ફિકર ન રાખજે.’ એમ પ્રસન્નતા જણાવી. ફરી વાર બધે શરીરે હાથ ફેરવ્યા. પછી ધનજીભાઈએ પૂછ્યું જે, ‘બાપા! પ્લેગમાં હમણા માણસો બગડતા નથી, એટલે માણસો ગામમાં રહેવા જવાનું કરે તો અમારે કેમ કરવું?’ ત્યારે પોતે ના પડી ને કહ્યું જે, ‘ હમણાં થોડા દિવસ ખમજો ને માને તેને કહેજો જે, ઉતાવળ ન કરે.’ આવાં વચનથી ધનજીભાઈ તો થોડા દિવસ વાડીએ જ રહ્યા ને કેટલાક ઉતાવળ કરી ગામમાં ગયા હતા તે પણ પ્લેગ વધુ જણાતાં ને માણસો બગડતાં પાછા બહાર આવી રહ્યા ને જેણે એ વચન માન્યું હતું તે સુખી થયા. આવી રીતે તેમના કુટુંબ પર બાપાશ્રીની ઘણી પ્રસન્નતા હતી.