૨૨૬ - બાપુભાઈની સેવા ને વરદાન

0:000:00

ત્યાર પછી સંઘના હરિભક્તોને બાપાશ્રીએ એમ કહ્યું જે, ‘આપણે અહીં વારા-ફરતા એક એક હરિભક્તે જાગવું, કેમ કે આ અજાણ્યું સ્થાનક કહેવાય.’ ત્યારે બાપુભાઈ કહે, ‘બાપા! આપ સર્વે આજ પધાર્યા છો તે માર્ગમાં પરિશ્રમ પડ્યો હશે, માટે એટલી સેવા હું કરીશ, ભલે સહુ નિરાંતે ધ્યાન, ભજન ને આરામ કરે. મારે આવો લહાવ ક્યારે આવે!’ આવો તેમનો આગ્રહ જોઈને પોતે કહ્યું જે, ‘ભલે તમે જાગજો.’ પછી બાપુભાઈ તો ઊંઘ આવી ન જાય તે બીકે માળા ફેરવતા ફેરવતા આખી રાત પ્રદક્ષિણાઓ ફરતા જાગ્યા. આ બધું બાપાશ્રી આસનમાં સૂતા સૂતા જોતા હતા, તેથી સવારે નાહી, પૂજા કરી તેમને પોતાની પાસે બોલાવીને કહ્યું, ‘બાપુભાઈ! રાતે સેવા બહુ ભારે કરી, અમને આટલી સેવાએ તમે રાજી કરી દીધા. હવે તમે જે જોઈએ તે માગો.’ ત્યારે તે કહે, ‘બાપા! મને તો તમે જે આપવાનું હતું તે આપી દીધું છે, માટે મારે બીજું તો કાંઈ માગવું નથી, પણ આ સંઘને લઈને કાણોતર પધારો.’ ત્યારે બાપાશ્રીએ તેને વચન આપ્યું કે, ‘ભલે, અમે બે મહિના પછી તમારે ત્યાં આ સંઘ લઈને જરૂર આવશું,’ આ વચનથી એ ઘણા રાજી થયા.