૬૪૩ - મિસ્ત્રી ગાંગજીભાઈને ભલામણ ને અષાઢી-ઉત્સવ

0:000:00

થોડા દિવસે બાપાશ્રીને શરીરે સારું થયું, ત્યાં જેઠ વદમાં સીનોગ્રાના મિસ્ત્રી ગાંગજીભાઈને પારાયણ બેસારવાનો વિચાર થતાં, પ્રથમ એ વૃષપુરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રી પાસે પોતાનો વિચાર જણાવ્યો. ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, ‘ગાંગજીભાઈ! આ ટાણે કામના દિવસ છે, તેથી હરિભક્તો કથામાં પહોંચી નહિ શકે, માટે હમણાં વિચાર બંધ રાખો ને ભાદરવામાં કથા બેસારો તો સારું.’ ત્યારે તે કહે, ‘ભલે બાપા! જેમ આપ આજ્ઞા કરો તેમ અમારે કરવું છે.’ ત્યારે પોતે કહ્યું જે, ‘એમ કરો તો તો ઠીક.’ પછી તેમને ત્યાંથી ભૂજ જવાનો વિચાર જણાવ્યો. ત્યારે બાપાશ્રી કહે, ‘જો ભૂજ જવું હોય તો આ ટાણે ચાલો, મોડું કરશો તો વરસાદ માર્ગમાં પલાળશે અને જો રાત રહેવું હોય તો સુખેથી રહો.’ આ વચન સાંભળી મિસ્ત્રી ગાંગજીભાઈને જવાની ઉતાવળ હતી તેથી તુરત તૈયાર થયા ને ગાડીમાં બેસી ભૂજ પહોંચ્યા, ત્યાં તો વરસાદ વરસવા લાગ્યો. ત્યારે તેમણે જાણ્યું જે, ‘મને બાપાશ્રીએ કહ્યું હતું તે પ્રમાણે જ થયું, જો ચાલવાનું મોડું કર્યું હોત તો માર્ગમાં પલળી જાત.’

મિસ્ત્રી ગાંગજીભાઈ ગયા પછી બાપાશ્રી હરિભક્તોને દર્શન-સેવાએ ને કથાવાર્તાએ સુખિયા કરતા. રોજ બપોરે વાડીએ જાય, તે સાંજના ઠાકોરજી જાગવાનો સમય થાય ત્યારે પાછા ઘેર આવે; પછી મંદિરમાં બેસી કથા કરાવે. રાત્રે પણ કથાવાર્તા પ્રસંગે પોતે મહારાજના મહિમાની વાતો કરતા અને કોઈ બહારગામથી સંત-હરિભક્તો આવે તો તેને પણ અનેક પ્રકારે રાજી કરી મૂક્તા. એમ કરતાં અષાઢી અમાસ આવી ત્યારે વર્ષોવર્ષના નિયમ પ્રમાણે પોતે ગામના છોકરાઓને છત્રીએ જમાડ્યા તથા હરિભક્તો પાસે ઉત્સવ કરાવી, મહારાજના અદભુત પ્રતાપ ને મહિમાની વાતો કરી સૌને રાજી કર્યા.