૧૬૪ - પ્લેગનો ચેપી રોગ તથા મુક્તરાજની દયા
આ રીતે ભાઈશ્રી પાસે નિત્ય પ્રત્યે કાંઈ ને કાંઈ નવીનતા જણાતાં સૌ હરિભક્તો દર્શન, સેવા-સમાગમ કરી શ્રીજીમહારાજને સંભારતા હતા, ત્યાં તો હળવે હળવે કચ્છમાં પ્લેગનો રોગ ગામોગામ જણાવા લાગ્યો, તેથી આ મુક્તરાજે રોજ પોતાના ડુંગરાવાળા ખેતરે જવા માંડ્યું. ત્યાં જઈને ઊંચે ટેકરે બેસે ને ક્યારેક પંખી ઉડાડે. તેમની દીકરી કહે, ‘બાપા! હમણાં તમે કેમ ખેતરે આવો છો?’ ત્યારે કહે, ‘હમણાં ગામમાં થોડો થોડો પ્લેગ ચાલે છે, તેથી હરિભક્તને ગામમાં આવવું હોય તો પૂછા થાય, એવી બંધી થઈ છે, તેથી હેતવાળા હરિભક્ત અહીં જંગલમાં આવે તેને કોઈ રોકે નહિ; ને કોઈ દુઃખિયા-સુખિયા આવે તેને ભગવાનની વાતો કરીએ તેથી એ બિચારા રાજી થાય.’ એમ કરતા થોડે થોડે એ રોગનો ફેલાવો વિશેષ થતો ગયો; ને હરિભક્તોને ભાઈશ્રી ખેતરે આવે છે તેવી ખબર પડતી ગઈ તેથી નારાયણપુર, કેરા, દહીંસરા આદિ ગામોના હરિભક્તો વાડીએ થઈને ત્યાં દર્શને આવવા લાગ્યા. તેમને ભાઈશ્રી મહારાજના મહિમાની વાતો કરી ધીરજ આપે ને બપોરે પોતાના સારુ સુંડલામાં રોટલા, શાક, છાશ, અથાણું વગેરે ભાત આવ્યું હોય તેમાંથી એ સૌને જમવા બેસારી દે ને કહે કે, ‘ઠાકોર જમાડી લ્યો.’ એ રીતે જે કોઈ આવે તેણે એમ જ કહે, સુંડલા માથે લૂગડું ઢાંક્યું હોય ને પોતે બેઠા બેઠા પાંદડાનાં પડિયા-પતરાવળાં કરી રાખ્યા હોય તેમાં રોટલો ને માથે શાક મૂકી પડિયામાં છાશ આપે, એમ જમાડે; તેથી સૌને આશ્ચર્ય થાય જે, ‘આ સુંડલામાં ભાત તે કેટલું હશે!’ આવું જોઈને કેટલાક આવીને કહે, ‘ભાઈ! તમે ન્યાલ કર્યા જે, આવાં વખતમાં અમારા સારુ ખેતરે આવો છો, નહિ તો ગામમાં અમને આવવા ન જડે ને દર્શન વિના બહુ દુઃખિયા થઈએ,’ એ વખતે પ્લેગની બીકથી કેટલાક દિલગીર થાય ને મૂંઝાય તેને પોતે એમ કહે જે, ‘તમે મહારાજને સંભારજો ને મુંઝાશો માં. મૂંજવણ થાય તો આ ખેતરે ચાલ્યા આવજો.’ વળી કોઈને પ્લેગ થયો હોય ને આવી ન શકે તેવાને પોતાના હાથેથી રોટલાનો ભૂકો કરીને આપતા ને કહેતા જે, ‘આ પ્રસાદી જઈને તરત જમાડી દેજો ને માથે પાણી પાજો, એટલે શ્રીજીમહારાજ સારું કરી દેશે.’ વળી રોટલાની પ્રસાદી કામ ન આવે તેવાને પોતાના ગુંજામાંથી સાકર, મગફળી કે કાળી દ્રાક્ષ જે હોય તે પ્રસાદી આપી આશીર્વાદ દેતા. એમ કેટલાક હરિભક્તોનાં દુઃખ ખેતરે બેઠા મટાડતા, પણ પ્લેગનો ફેલાવો તો ગામોગામ વધતો ને વધતો જ ગયો.