૩૨૭ - ભાણુબાઈને અંતસમયે દર્શન
થોડા દિવસ થયા ત્યાં વળી આવી જ રીતે એ ગામનાં ભાણુબાઈ નામનાં સાંખ્યયોગી બાઈને દેહ મૂકવાના દિવસે આગળથી બાપાશ્રીએ દિવ્ય દર્શન આપી કહ્યું કે, ‘આજ રાત્રે દસ વાગ્યે મહારાજ તમને તેડવા આવશે.’ આવાં દર્શનથી તેમને હર્ષનો પાર રહ્યો નહિ ને તુરત જ પોતાનું જે કાંઈ હતું તેનું કાગળમાં લખત કર્યું જે, ‘આ બધું શ્રીજીમહારાજનું છે ને તેમને અર્પણ છે.’ પછી લીરુબા આદિ સાંખ્યયોગી બાઈઓને કહ્યું કે, ‘આજ તમે બધાં મારી પાસે રહેજો ને મેં કાગળમાં લખ્યું છે તે પ્રમાણે મંદિરમાં બધું અર્પણ કરી દેજો.’ પછી રાત્રિના નવ વાગ્યા, ત્યારે એમને દર્શન થયાં એટલે એ સૂતાં સૂતાં હાથ જોડવા મંડ્યાં, તે જોઈ લીરુબાએ પૂછ્યું જે, ‘ભાણુબાઈ! શું થાય છે?’ ત્યારે તે કહે, ‘શ્રીજીમહારાજ તથા બાપાશ્રી અને અનેક મુક્તો આવ્યા છે તે કહે છે કે, તમને દસ વાગ્યે તેડી જઈશું.’ આ વાત સાંભળતાં બાઈઓ આશ્ચર્ય પામતાં પાસે બેસી કીર્તન બોલવા લાગ્યાં, પછી બરાબર દસના ડંકા વાગ્યા કે તુરત ‘જય સ્વામિનારાયણ’ કરી દેહ મૂકી દીધો. આથી કરાંચીમાં રહેતા નાનામોટા હરિભક્તો તથા બાઈઓમાં ઘણો સમાસ થયો ને સૌને દિવ્યભાવ આવ્યો.