૯૨ - મહામુક્તો ભેળા થતાં અત્યંત આનંદ

0:000:00

થોડા દિવસ પછી વળી માંડવીથી મુક્તરાજ લક્ષ્મીરામભાઈ વૃષપુર ભાઈશ્રી પાસે આવ્યા. ત્યાંથી બેયને ભૂજ સ્વામીશ્રી પાસે સમાગમ કરવા જવું એવો વિચાર હતો, પણ લક્ષ્મીરામભાઈ વૃષપુર આવ્યાના ખબર મળતાં સદ્‍ગુરુ સ્વામીશ્રી નિર્ગુણદાસજી તથા સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સંતો વૃષપુર આવ્યા. આ દિવ્ય સંતોનાં દર્શનથી બન્ને મુક્તોને તથા ગામના હરિભક્તોને આનંદનો પાર રહ્યો નહિ; દંડવત્ કરી સૌ પરસ્પર મળતા હતા ત્યાં તો નારાયણપુરથી જાદવજીભાઈ આવી દંડવત્ કરવા લાવ્યા ને પ્રાર્થના કરી કહ્યું જે, ‘બાપજી! મારા પર દયા કરી આ ફેરે નારાયણપુર પધારો ને ત્યાંના હરિભક્તોને રાજી કરો. મારે ઘણા દિવસનો શુભ સંકલ્પ છે જે, આપ ચારે મુક્તો ભેળા થયા હો ત્યારે મારે ઘેર શ્રીજીમહારાજની મૂર્તિ પધરાવવી. એવો અવસર દયા કરીને મહારાજે આજ મેળવી દીધો છે.’ આવાં તેમનાં વચન સાંભળી કુંવરજીભાઈ અને ભાઈશ્રી કહે, ‘હમણાં તો સ્વામી પાંચ દિવસ અહીં ખમશે, પછી ત્યાં આવશે.’ સ્વામીશ્રીએ પણ એમ જ કહ્યું જે, ‘એ ઠીક થશે.’ પછી મૂર્તિ પધરાવવાની વાત કરી દિવસ નક્કી કર્યો. વૃષપુરમાં તો બન્ને સદ્‍ગુરુઓ તથા આ બન્ને દિવ્ય મુક્તોના મેળાપથી સર્વત્ર આનંદ વર્તી રહ્યો અને પાંચ દિવસ હરિભક્તોએ ભેળા મળી રસોઈની ગોઠવણ કરી. પોતાનાં વ્યાવહારિક કામકાજ પડ્યાં મૂકી, ઘરે બેઠાં આવો જોગ મળ્યો જાણી કથાવાર્તાનો લાભ લેવા મંડ્યા, તેથી સવાર, બપોર ને સાંજ સભા તો બેઠી જ હોય. સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજી તથા સ્વામી અક્ષરજીવનદાસજી વારાફરતી વાતો કરે, તેથી કોઈ હરિભક્તને ત્યાંથી ઘેર જવાનું મન જ થાય નહિ. ઠાકોરજીને હજારીના હાર તૈયાર કરી કરીને હરિભક્તો પહેરાવે. આ બન્ને સદ્‍ગુરુઓ તથા મહામુક્તોની પણ વારંવાર પૂજાઓ થાય, તેથી સૌને દિવ્યભાવ વર્તી રહ્યો હતો.

એક દિવસ સ્વામીશ્રીના આગ્રહથી અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈએ સભામાં વાતો કરી જે, ‘આજ શ્રીજીમહારાજ આપણા પર અઢળક ઢળ્યા છે તેથી આવો જોગ મળ્યો છે. ક્યાં મહારાજ! ક્યાં આવા મુક્ત! ને ક્યાં જીવ! આ તો ‘કીડીકુંજરનો મેળાપ જીવન જાણું છું.’ –એવું થયું છે. હવે એમના વચનમાં વર્તવું એટલું આપણે કરવાનું છે. મોટાની સ્થિતિ ને સામર્થી સામું જોવું. એક સંકલ્પમાત્રે અનંત જીવોનાં કલ્યાણ કરી નાખે તેવા પાસે આપણું શું ગજું? તોપણ આપણા ભેળા બેસે, હેત જણાવે, સેવા અંગીકાર કરે, વાતો કરે, એ એમની અપાર દયા! આ દેશમાં શ્રીજીમહારાજે ભાઈશ્રીને અંનત જીવોના ઉદ્ધાર કરવા મૂક્યા છે, તેથી આ દેશનાં ભાગ્ય કેવડાં? આ બન્ને સદ્‍ગુરુઓ મહાસમર્થ છે. તોય જાણે ભાઈશ્રીને રાજી કરીએ! મોટાની વાતો મોટા જાણે એમ કહેવાય છે, પણ આપણેય થોડી જાણવી જોઈએ જે, ‘આવા મુક્ત ઘેર બેઠાં ક્યાંથી મળે! અનાદિ મુક્તરાજ પર્વતભાઈના દીકરાને તીર્થ કરવા જતાં સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્વામીએ ન કહ્યું હોત તો શું ખબર પડત? એ તો બાપદીકરો હતા, તોય કહેનારા જોઈએ! સમજ્યા વિના આખી પૃથ્વીનાં તીર્થ કરી આવે તોય કામ ન થાય. ને મોટા મુક્તને જેવા છે તેવા જાણીને હાથ જોડે એટલામાં મોક્ષ થઈ જાય. આ બધું સમજણમાં રહ્યું છે. સૂર્યને પાછળ રાખ્યે પડછાયો જાય નહિ. તેમ મોટા મુક્તને જેવા છે તેવા જાણ્યા વિના ને તેમને રાજી કર્યા વિના અજ્ઞાન ટળે નહિ. મહારાજ અને મુક્ત તો કેવળ કલ્યાણ કરવા આવ્યા છે. એમ જાણી સદાય દિવ્યભાવ રાખવો ને આવી દિવ્ય સભાનો ક્યારેય અવગુણ ન લેવો.’ આમ વાતો કરી તેથી સ્વામીશ્રી ઘણા રાજી થયા.

સંતો દરરોજ લખાઈવાડીએ કે નવી વાડીએ બપોરે ના’વા જતા હોય ત્યારે હરિભક્તો ભેળા જાય. કૂવામાંથી પાણી સીંચી સંતોને નવરાવે. પરસ્પર દિવ્ય મુક્તો એકબીજા પર પાણી રેડે ને નાહ્ય તથા નહાએલું પાણી માથે ચડાવે. પછી વૃક્ષને છાંયે બેસી માનસીપૂજા કરે, વાતો કરે, એ વખતે હરિભક્તો ચંદન ઘસી લાવ્યા હોય ને ફૂલ ઉતારી હાર તૈયાર કરે, તેથી ભાઈશ્રી સદ્‍ગુરુઓની પૂજા કરે અને બન્ને સદ્‍ગુરુઓ તથા સંતો મુક્તરાજ લક્ષ્મીરામભાઈ તથા ભાઈશ્રીની પૂજા કરે. પછી દંડવત્ કરી પરસ્પર મળે. એ લીલા તો ચાલતી જ હોય તેમાં મુક્તરાજ લક્ષ્મીરામભાઈ જાણે હું નાનો થઈને વર્તુ ને ભાઈશ્રી જાણે હું નાનો થઈ જાઉં, પણ સ્વામીશ્રી બેયનેા મહિમા સભામાં કહે, તેથી શું ઢાંક્યું રહે? આ રીતે પાંચ દિવસ ત્યાં રહીને સર્વ મુક્તો નારાયણપુર પધાર્યા.