૬૬૦ - વિદાય થતી વખતે પૂજા અને મર્મવચનો

0:000:00

પછી બીજે દિવસ સવારમાં વહેલા પરવારી, ઠાકોરજીને થાળ જમાડી સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, સ્વામી શ્વેતવૈકુંઠદાસજી, દેવજીવનદાસજી તથા આશાભાઈ આદિ સહુ દેશમાં જવા તૈયાર થયા, એ ટાણે બાપાશ્રીની ચંદન-કુંકુમથી પૂજા કરી, હજારી ફૂલના હાર પહેરાવી મળ્યા ને આશીર્વાદ માગ્યા જે, ‘અમને મહારાજની મૂર્તિમાં ભેળા ને ભેળા રાખજો.’ ત્યારે બાપાશ્રી બહુ હેત જણાવતા માથે હાથ મૂકીને બોલ્યા જે, ‘સંતો! આ વખતે પૂજા થઈ તેને સંભારી રાખજો, આ સભા ને આ પૂજા તેને જે કોઈ સંભારશે તેના ઘાટ-સંકલ્પ ટળી જશે.’ પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, ‘તમે સર્વે અમારા છો, અમારું મંડળ છો, તે સદાય ભેળા રહેજો, પણ કોઈ દિવસ અમારું મંડળ વિંખાય નહિ, એ અમારી ખાસ ભલામણ છે, જો તમારી મરજી હોય તો ચાર દિવસ રહો કે દસ દિવસ રહો ને મરજી ન હોય તો આજ જાઓ કે કાલ જાઓ, પણ સહુ મૂર્તિમાં ભેળા રહેજો; આપણે જુદા નથી. મૂર્તિમાં ભેગા જ છીએ, માટે મૂર્તિ વિના કોઈ અધિકાર કે વ્યવહારમાં ચિત્ત રાખશો નહિ, અમે તમારા ઉપર સદાય રાજી જ છીએ. તમે સહુ આમ ને આમ સદાય મૂર્તિમાં રહેજો ને જ્યારે અમે તેડાવીએ ત્યારે આકાશમાર્ગે ઊડીને આવજો; કેમ, તમે વિમાન જેવા ખરા કે નહિ?’ પછી વળી એમ બોલ્યા જે, ‘એ બિચારું વિમાન તે શું? તમે તો બધેય પહોંચી જાઓ તેમ છો.’ પછી બોલ્યા જે, ‘સંતો! રહો તો આંખમાથા ઉપર ને ન રહો તો સદાય મૂર્તિમાં રહેજો; એ મૂર્તિ દિવ્યતેજોમય ને સૌનું કારણ છે, તેના મહિમાનો કોઈ પાર પામી શકે તેમ નથી.’ એમ કહી સંતોને સુખડીની પ્રસાદી વહેંચી; પછી સૌને મળતાં સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને બે-ત્રણ વાર મળીને બોલ્યા જે, ‘સ્વામી! હવે આમ કેટલુંક મળાશે! તમે સર્વે સંતો મને પ્રાણ જેવા વહાલા છો.’ એમ કહી પોતે ગદગદ થઈ ગયા, તેથી સંત-હરિભક્તોનાં હૈયા ભરાઈ આવ્યાં. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, ‘મોડું થાય છે, માટે ગાડે બેસી જાઓ.’ એમ કહી પોતે ભેળા ચાલ્યા. પછી વળી આગળ જઈને એમ કહ્યું જે, ‘સંતો! તમે અમારું ખાધાનું ઠામણું ભાંગીને ચાલ્યા.’ એમ બોલતાં બહુ ઉદાસી જણાવીને કહ્યું જે, ‘અમારે તમને કોઈને જવા દેવા નહોતા.’ આ વચનથી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી વળી કહેવા લાગ્યા જે, ‘બાપા! આપની મરજી હોય તો હું પાછો વળું, મને અહીંથી જવું સારું લાગતું નથી.’ તે વખતે પણ બાપાશ્રી એમ જ બોલ્યા જે, ‘હવે તો સહુ ભેળા જાઓ, જુદા પાડીએ તે ઠીક નહિ, તમને તેડાવીએ ત્યારે તુરત આવજો.’ આવાં વચનોથી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને જવાની કોઈ રીતે ઇચ્છા નહોતી, પણ આજ્ઞા થઈ એટલે શું કરે? પછી બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક તથા મહિમાવાળા હરિભક્તો સૌને તે વખતે સ્વામીશ્રીએ ભલામણ કરી જે, ‘તમે બાપાશ્રીની સેવા મન-કર્મ-વચને કરજો. એમને પ્રતાપે અનંત જીવો મહારાજની મૂર્તિમાં સહેજે પહોંચે છે. આ સમયે તમારાં બહુ મોટાં ભાગ્ય છે. આવા મોટા ઓળખવા, તેથી કોઈ મોટું સાધન નથી. એમની સેવા ભેગી મહારાજની સેવા થાય છે, માટે બને તેટલી સેવા કરજો.’ એ વખતે બાપાશ્રીએ સહુને ગાડે બેસી જવા આજ્ઞા કરી; પછી પોતે મંદિરમાં પધાર્યા અને સંતો ભૂજ ગયા. ત્યાં બે દિવસ રોકાઈને માધાપુર થઈ સૌ ગુજરાત ગયા.