૫૦૬ - પાટોત્સવ માટે મનાઈહુકમ કઢાવ્યો
હવે પાટોત્સવને મહિનોયે પૂરો રહ્યો નથી, એમ સંત-હરિભક્તો વિચારતા હતા ત્યાં તો આચાર્યશ્રીએ બનતા પ્રયત્નો કરી રાજકોટ-કાઠિયાવાડ એજન્સીમાંથી પાટોત્સવ બંધ રાખવાનો મનાઈહુકમ કઢાવ્યો. તે હુકમ મૂળીએ આવતાં સહુ નિરાશ થઈ ગયા ને ‘હવે શું કરવું’ એ વિચાર કરવા વઢવાણ કાંપમાં સૌ એકઠા થયા. સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને તો હજુયે બાપાશ્રીના વચનમાં સંપૂર્ણ દૃઢતા હોવાથી એ તો તુરત પોતાની સાથે મૂળીના સાધુ દેવજીવનદાસજી તથા પોતાના શિષ્યને લઈ કચ્છમાં બાપાશ્રી પાસે પહોંચ્યા ને આ બધી વિગત વિસ્તારથી જણાવીને કહ્યું જે, ‘આચાર્યશ્રી તરફથી એવું પાકું કામ થયું છે જે, હવે મુંબઈ અપીલ કરીએ તોય વસંતપંચમી સુધીમાં હુકમ ન મળે અને પાટોત્સવનો દિવસ ગયા પછી કદાચ હુકમ થાય તોય એ શા કામનો?’ આ વચન સાંભળીને બાપાશ્રી તો એમ જ બોલ્યા જે, ‘સ્વામી! કોઈનું ધાર્યું કામ નહિ આવે ને મહારાજ કરશે તે થશે. તમે અહીંથી વહેલા જાઓ ને શેઠ બળદેવભાઈ જેવાને સાથે રાખીને બનતો પ્રયત્ન કરો. મહારાજ ને મુક્ત પ્રેરણા કરશે ને યજ્ઞ થશે, હિંમત રાખજો’. એમ કહી રજા આપી, પછી સ્વામીશ્રીએ દેશમાં આવીને આ વાત સૌને કરી. પછી શેઠ બળદેવભાઈએ મૂળી ઠાકોર સાહેબ મારફત પ્રયત્ન કરીને યજ્ઞ કરાવવાનો બંદોબસ્ત કર્યો, તેથી સહુ રાજી થયા ને ઠેકાણે ઠેકાણે તારથી ખબરો આપી દીધા જે, ‘યજ્ઞ થશે.’ ત્યારે ઈર્ષાવાળાઓએ પણ યજ્ઞ નહિ થાય, એવા તારો કેટલેક ઠેકાણે કરી આ પાટોત્સવ બંધ રખાવવાની રાત ને દિવસ અનેક ખટપટો ચલાવી હતી. વળી યજ્ઞકુંડ અને મંડપ થતી વખતે વિરુદ્ધ પક્ષના માણસો તરફથી બહુ જ વિરુદ્ધતા જણાતાં ગમે તે ઉપાયે વિઘ્ન તો કરવું જ, એવું નક્કી કરી લીધું હોય તેમ જણાયું; છતાં સત્પુરુષનાં વચન ક્યારેય ચળાયમાન થતાં નથી, એવા શાસ્ત્રના લેખ પ્રમાણે બાપાશ્રી એમ બોલેલા કે, ‘પાટોત્સવ તો જરૂર થશે.’ એટલે સામા પક્ષ તરફથી જે જે પ્રવૃત્તિઓ આ યજ્ઞ ન થવા દેવા માટેની થઈ, તેમાં છેવટે તેઓનું કાંઈ ચાલ્યું નહિ, તોપણ ખટપટ ને તોફાન જેવી પ્રવૃત્તિ તો ચાલુ જ રખાઈ.