૨૬૦ - સ્વામીશ્રીના ગુણનું વર્ણન
પછી જ્યારે સદ્ગુરુઓ આદિ સંતો તથા અનાદિ મુક્તરાજ બાપાશ્રી રામપુર આવ્યા, ત્યારે પ્રથમ ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રી ધનબા પાસે ગયા ને ‘જય સ્વામિનારાયણ’ કરી કહેવા માંડ્યું જે, ‘આપણને સાજાય સત્સંગમાં સ્વામીની બહુ ખોટ આવી. એમનો કેવો વૈરાગ્ય ને કેવી સમજણ! કથાવાર્તા વિના તો ક્યારેય રહે જ નહિ. આવા ઉત્તમ ગુણથી સૌને તેમનો દાબ પડતો. પોતે કોઈની મહોબતમાં લેવાય એવા નહિ, તેમ ધર્મનિયમમાં પણ એવા જ ખબડદાર. એવા પુરુષ અહીં હતા, તોય મહારાજના સુખમાં હતા ને ધામમાં ગયા તોય એને તો સુખ, સુખ ને સુખ જ છે, પણ આપણે એમની ખામી ઘણી આવી.’ ત્યારે ધનબા કહે, ‘ભાઈ, સ્વામી તો સ્વામી! એમની વાત શું થાય? એ સાધુ થયા મોર પણ એવા જ હતા, જાણે ક્યારે સાધુ થઈ જાઉં! એક વાર નાનપણમાં ઘરમાં રાતી ધૂડ પડી હતી, તેમાં પોતાની મેળાએ લૂગડાં રંગીને પહેર્યાં ને ઘરમાં સંતાઈ ગયા. થોડી વાર થઈ ત્યાં તો સહુ સગાંવહાલાં ગોતવા મંડ્યાં, તેથી પોતાને એમ થયું જે, ‘હમણાં આમ નહિ ફાવે, આગળ વાત,’ એમ વિચારી અંધારું થયું ત્યારે લૂગડાં ધોઈ નાખ્યાં ને પછી દેખાણા. આમ તેમને પ્રથમથી જ વૈરાગ્ય હતો.’
‘પોતે ઘેર જમવા બેસતા તોય એમ ને એમ બધુંય ભેળું કરી ઝટ ઝટ જમી લે; બીજી વાર માગે નહિ. થોડું હોય તો થોડું ને ઝાઝું હોય તો ઝાઝું, પણ જમીને તુરત મંદિરમાં ને કાં તો વાડીએ, પણ ઘેર સૂવાનું ગમતું નહિ. પોતાને કોઈની હાંસી, મશ્કરી કરવાનો ઠરાવ નહિ, તેમ તેમની પાસે કોઈ બીજી રીતે વરતી ન શકે. એક વાર તેમના માશીના દીકરાએ મશ્કરી કરી તેમનાં પગરખાં પહેર્યાં, પછી ખબર પડી એટલે તેને જરા માર્યું, પછી કોઈકે કહ્યું જે, ‘તમે ભગત થઈને આને કેમ માર્યું?’ તો કહે, ‘ફરી વાર કોઈ દિવસ મારી મશ્કરી ન કરવા મેં એટલી શિખામણ દીધી છે.’ આમ નાનપણથી જ તેમની સમજણ હતી. આ ગામના પટેલ વાઘજી અણદા સાથે તેમને હેત હતું, પણ તે વ્યવહારમાં મોટું માણસ, તેથી લૂગડાં સારાં ને ઠીક કરીને પહેરે, ત્યારે તેને ઘણી વાર પોતે કહેતા જે, ‘આપણે સત્સંગીને મહારાજ વિના બીજા તાલ કરવા ન શોભે.’
‘એક તેમનાં બહેનને સાસરીઆમાં કુસંગ હતો, તેથી તેણે જાણ્યું જે, ‘મારો ભાઈ મહારાજને અખંડ સંભારે છે, તેથી તેમને કહું,’ –એમ જાણી એક દિવસ વાત કરી જે, ‘ભાઈ! હું મારે સાસરે જઈશ ત્યારે મને દુઃખ બહુ થશે, કેમ કે ત્યાં કોઈને સત્સંગ નથી, તેથી રોટલા ઉપર ડુંગળી-લસણ ચોપડી મૂકશે ને પાણી ગળશે નહિ, તેમ મંદિર દર્શને નહિ જવા દે, એ દુઃખ મારાથી કેમ સહન થશે?’ ત્યારે પોતે રાજી થઈને તેને આશીર્વાદ આપીને કહ્યું હતું જે, ‘તમારી શ્રીજીમહારાજ રક્ષા કરશે, તમે કોઈ વાતે ચિંતા ન કરો.’ આથી તેમની બહેનને ધીરજ આવી ને સાસરે ગયાં, ત્યાં તો તેમનો સાસરો માંદા જેવો થઈ ગયો ને ઘરના માણસને સત્સંગ થયો, એટલે કાંઈ દુઃખ જ ન રહ્યું.’
‘આમ નાનપણથી પોતે બળીઆ હતા. વળી મહામુક્તરાજ સૂરજબાનો મહિમા જાણી ઘણી વાર તેમને રાજી કરેલા, તેમ સૂરજબા પણ તેમને તમ જેવા મોટાનો જોગ રાખવાની ભલામણ કરતાં. પછી જ્યારે પોતાને સાધુ થઈ જવાની તાણ ઘણી થઈ ને સૂરજબા પાસે રજા માગવા ગયા, ત્યારે થોડાંક વર્ષ તો એ રજા આપતાં નહોતાં, પણ પછી એમ જાણ્યું જે, ‘હવે આમનાથી રહેવાશે નહિ,’ ત્યારે રજા આપી, તોય મોટા મોટાનાં નામ લઈને જોગ-સમાગમ કરવાની ભલામણ કરી હતી. ભાઈ! એમના ગુણ કેટલા કહેવા? હમણાં એમણે દેહ મૂક્યો ત્યારે મહારાજ હજારો સંતોએ સહિત તેડવા પધાર્યા હતા, એટલે એ તો જયજયકાર કરતા અક્ષરધામમાં શ્રીજીમહારાજના ચરણમાં જઈને બેઠા.’ આમ સ્વામીશ્રીનો દિવ્યભાવ તથા નાનપણની વાતથી બાપાશ્રી ઘણા રાજી થયા ને બોલ્યા જે, ‘આવા મોટા સંતને મહારાજ તેડવા આવે એમાં શું નવાઈ!’
પછી મુક્તરાજ ધનબા કહે, ‘ભાઈ, અહીં સંત-હરિભક્તોને સ્વામીની કોરની ઉદાસી ઘણી છે, તે તમે ધીરજ દેજો ને મોટા સ્વામીને કહેજો જે, મહારાજની વાતો કરી સહુને સુખિયા કરી મેલે. તમે આવ્યા નહોતા ત્યાં સુધી મને તો એમ જ થતું હતું જે, આ ફેરે ભૂજમાં સ્વામીશ્રીએ આમ કર્યું ને ભાઈ પણ નહિ આવે કે શું? વળી તમે ન આવો તો મોટા સ્વામી પણ તમ ભેગા રોકાઈ રહે. પણ દયા કરી ટાણે આવી પહોંચ્યા, તેથી હું બહુ રાજી થઈ’ –એમ બોલ્યાં.
આ વખતે સવાર-સાંજ પારાયણમાં સૌ શાંતચિત્તે કથા સાંભળતાં. વચમાં ભૂજના સંતો, સદ્ગુરુઓ કે બાપાશ્રી પ્રસંગે પ્રસંગે વાતો કરતા. સમાપ્તિ પછી જમવાનો સાદ થાય ત્યારે સૌ જમવા જતા. સવારે કથામાં વચનામૃત વંચાતા ત્યારે એવી તો શાંતિ જણાતી કે સૌ જાણે ધ્યાનમાં બેઠા હોય. ક્યારેક બાપાશ્રી ધીરે ધીરે વાતો કરતા હોય તોપણ બધી સભામાં બરાબર સંભળાય. સાંજે ‘ભક્તચિંતામણિ’ની કથામાં પણ શ્રીજીમહારાજનાં દિવ્ય ચરિત્રોથી સૌને આનંદ આનંદ થઈ જતો.