૨૬૨ - મહારાજ ગંગાજીએ સાથે ચાલ્યા
આ રીતે કથાવાર્તા તથા અલૌકિક દર્શનરૂપ બ્રહ્મયજ્ઞ થતાં જ્યારે એકાદશીનો દિવસ આવ્યો, ત્યારે સવારની કથા ઊઠ્યા પછી સંત-હરિભક્તો સહુ ગંગાજીએ નાહવા ગયા, ત્યારે પણ ધનબાને એવાં દર્શન થયાં જે, શ્રીજીમહારાજ સંત-હરિભક્તોની ભીડમાં ધીરે ધીરે ચાલતાં નાહવા પધારે છે ને મૂર્તિમાંથી તેજ છૂટ્યા કરે છે. જ્યારે ગંગાજીએ પહોંચ્યા, ત્યારે મહારાજ પગથિયાના પરથાર પર ઘડીવાર બેઠા. પછી વસ્ત્રો ઉતારી સૌ ગંગાજીમાં તથા ધરામાં નાહ્યા તે વખતે પણ મહારાજ દિવ્યરૂપે સૌ ભેળા નાહતા હતા ને હરિભક્તો કીર્તન બોલતા હતા. આવાં દર્શન થતાં ધનબાના હર્ષનો પાર રહ્યો નહિ. પછી નાહીને સહુ વળ્યા ત્યારે પણ એ જ રીતે મહારાજ સૌની સાથે મંદિરમાં આવ્યા. એ વખતે સંત, હરિભક્તોએ ફળાહાર કર્યા ને ધનબાએ સાંખ્યયોગી બાઈઓ પાસે તૈયાર કરાવી રાખેલ ફળાહાર બાપાશ્રીને તથા દેવરાજભાઈને કરાવ્યું ને મહારાજ આ રીતે ગંગાજી ઉપર પધાર્યા ને નાહ્યા હતા તે વાત કરી. આવા અલૌકિક દર્શનની વાત બાપાશ્રી સંતોને કરતા ને બાઈઓમાં એ વાત ધનબા કહેતાં હોવાથી સૌ આનંદ પામી પોતાનાં અહોભાગ્ય માનતા હતા.