૪૮૧ - સં. ૧૯૭૮નો પારાયણ-યજ્ઞ તથા હનુમાનજીની પ્રતિષ્ઠા
પછી એક દિવસ સદ્ગુરુ સ્વામી મહાપુરુષદાસજી, બાલકૃષ્ણદાસજી, ભક્તિપ્રિયદાસજી આદિ સંતો તથા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી વગેરેને એકાંતે બેસારીને બાપાશ્રીએ પૂછ્યું જે, ‘હવે આપણે હનુમાનજીની પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવરાવો તો ખબર પડે કે, ક્યા મહિનામાં પ્રતિષ્ઠા થશે?’ સંતોએ તો તુરત બ્રાહ્મણને બોલાવીને પૂછાવ્યું, તો વૈશાખ સુદ ત્રીજના દિવસે મધ્યાહને મુહૂર્ત સારું આવે છે, એમ તેણે કહ્યું, ત્યારે બાપાશ્રી કહે, ‘આ મુહૂર્ત સંતોને ઠીક પડશે, કેમ કે રામનવમીનો સમૈયો અમદાવાદમાં થઈ રહે, એટલે સંતોને આવવામાં જરાય અડચણ નહિ.’ વળી એ પ્રસંગે ચૈત્ર વદ બારશથી વૈશાખ સુદ ત્રીજ સુધી ‘સત્સંગિજીવન’ની પારાયણ વાંચવાનું પણ ઠરાવ્યું ને કહ્યું જે, ‘સમાપ્તિને દિવસે પ્રતિષ્ઠા થાય, એટલે સૌને દર્શનનો લાભ સારો મળે.’ પછી ઘી, ગોળ, ચોખા, દાળ, વગેરે સામાન કેટલો મગાવવો તે સલાહ પૂછી, તેમ જ સંતોને આગળથી આવવા ભલામણ કરી, પોતે હરિભક્તોએ સહિત વૃષપુર આવ્યા ને ગામના હરિભક્તોને કહીને જોઈતો સામાન ઘી, ગોળ, ઘઉં, મગ, ચોખા વગેરે મંગાવવાની માંડવી, ભૂજ કે બીજે ઠેકાણેથી ગોઠવણ કરી ને એક કાગળ અમદાવાદમાં સદ્ગુરુઓને લખાવ્યો જે, ‘અહીં આ દિવસે મુહૂર્ત આવ્યું છે ને અમોએ યજ્ઞમાં જોઈતો સામાન ભેળો કરવા માંડ્યો છે, તેથી તમો હવે તુરતમાં આવવાનું કરજો. તમો આવ્યા પછી કંકોત્રીઓ લખાશે.’