૩૩૩ - જામનગરમાં સહેજે યોગ મળ્યો
આ યજ્ઞ પ્રસંગે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી એ બન્ને સદ્ગુરુઓ મંડળે સહિત વહેલા પહોંચી શક્યા નહોતા. તે ઉતાવળા વૃષપુર જવા જામનગર આવી, ત્યાં એક દિવસ રહ્યા, તેથી એ ગામના હરિભક્તો ઘણા રાજી થયા. રાત્રે સભામાં હરિભક્તોની ભીડ હતી ને સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી મહારાજના મહિમાની વાતો કરતા હતા, એ ટાણે એ ગામમાં રહેતા વિપ્ર કરુણાશંકરભાઈના દીકરા રતિલાલભાઈએ આ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, ‘સ્વામી! આ સમે શ્રીજીમહારાજને અખંડ દેખતા હોય એવા મુક્ત સત્સંગમાં હશે?’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘સત્સંગમાં મહારાજના સાક્ષાત્કારવાળા હોય તો ખરા, પણ તેને ખોળવા જોઈએ. તમારે એવા મોટાનાં દર્શનની તાણ હોય તો થાઓ તૈયાર; એવા મુક્તનાં દર્શન અમે કરાવીએ. અમે પણ દરિયો ઉતરીને એમને રાજી કરવા સારુ જ જઈએ છીએ. આ ટાણે એમણે મોટો યજ્ઞ આદર્યો છે, તેમાં એમનો મુખ્ય હેતુ સહુને મહારાજનું સુખ આપવાનો છે. પોતે સાવ સાદા જણાય છે, પણ ચમત્કારી બહુ છે.’ આવાં વચન સાંભળી તે રતિલાલભાઈ કહે, ‘સ્વામી! હું તમારી સાથે તો તૈયાર નહિ થઈ શકું, પણ મારી વતી આપ એમને ‘જય સ્વામિનારાયણ’ કરી વિનંતી કરજો કે, જામનગરમાં એક મુમુક્ષુ બ્રાહ્મણ છે તેને કૃપા કરીને ખેંચજો.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘બહુ સારું,’ –એમ કહી તેમના માથે હાથ મૂક્યા. સભામાં આ રીતે વાતો થતાં હરિભક્તોમાં આ અનાદિ મુક્તરાજના મહિમાની ઘણાને પૃષ્ટિ થઈ. પછી બીજે દિવસે આ બન્ને સદ્ગુરુઓ સંતમંડળે સહિત વૃષપુર ગયા, ત્યારે બાપાશ્રીને હેતે સહિત મળી એ રતિલાલભાઈની વતી ‘જય સ્વામિનારાયણ’ કહ્યા ને વાત કરી એટલે તુરત જ બાપાશ્રીએ તેમને કાગળ લખાવ્યો જે, તમે યજ્ઞમાં જરૂર આવજો ને સાથે હરિભક્તો આવે તેને પણ તેડતા આવજો.’ આવો અતિ પ્રસન્નતાનો પત્ર વાંચી તે તો તુરત જ વૃષપુર જવા તૈયાર થયા ને મહિમાવાળા હરિભક્તોને તે કાગળ વંચાવ્યો, તેથી એ ગામના સોની પુરુષોત્તમભાઈ, ચિતારા રૂપાભાઈ, કોઠારી પ્રાગજીભાઈ આદિ બાર હરિભક્તો પણ તૈયાર થઈ ગયા. એ સહુ તુણા થઈ ગાડા માર્ગે વૃષપુર પહોંચ્યા. ત્યાં શ્રીજીમહારાજ તથા બાપાશ્રી અને સંત-હરિભક્તોનાં દર્શન કરી ઘણા રાજી થયા ને યજ્ઞની અલૌકિક રીત જોઈ તથા અનાદિ મુક્તરાજ બાપાશ્રીની તદ્દન સાદાઈ સાથે મહારાજના મહિમાની ચમત્કારી વાતો સાંભળી પોતાનાં અહોભાગ્ય માનવા લાગ્યા અને બાપાશ્રી પણ આ રતિલાલભાઈ હરિભક્તોનું મોટું મંડળ લઈ આવેલા હોવાથી વધુ પ્રસન્નતા જણાવી ઘણી વાર ‘માસ્તર!’ એ નામથી બોલાવવા લાગ્યા. એક વાર કહે, ‘માસ્તર! કેમ સુખી છો ને! ખટકો રાખી મહારાજ તથા આવી દિવ્યસભાને સંભારીએ એટલે પૂરું થઈ જાય.’ એવી જ રીતે સાથે આવેલા હરિભક્તોને પણ બોલાવતા, પ્રસાદી આપી રાજી કરતા, માથે હાથ મૂકતા, તેથી એ સહુને ઘણો લાભ મળ્યો.
આવી રીતે ગામોગામમાંથી આવેલા હરિભક્તો તથા સંતોને અનેક પ્રકારે રાજી કરતા અને સભામાં ક્યારેક રાજી થઈ વાતો કરતા તેમ જ સંતોની પણ ચંદન, પુષ્પથી પૂજા કરતા. સહુને માથે હાથ મૂકવાની રીત તો પોતાને જાણે સ્વાભાવિક થઈ ગઈ હોય, તેમ જે આવે તેના પર હાથ મૂકે ને આશીર્વાદ આપે.