૬૧ - સમૈયાની શોભા તથા મુક્તરાજનું સન્માન
બીજે દિવસે હરિનવમીનો સમૈયો હોવાથી મંદિર સંત-હરિભક્તોથી ઊભરાતું હતું, ત્યાં આ કચ્છી છસો હરિભક્તોનો સંઘ આવ્યો એટલે સૌ જોઈ જોઈ રાજી થતા. આ સંઘમાં સૌની બોલી જુદી ને વેશ નવીન, ધોતિયા પર ઘેરાળી આંગડી, માથે છેડાવાળી જાડી પાઘડી, ખંભે ખેસ, કપાળમાં તિલક ને મોટા ચાંદલા, તેથી બહુ જ નવીનતા લાગતી. સભા ભરાઈ ત્યારે વધુ ભાગ એ કચ્છી હરિભક્તોનો જણાતો હતો, તેમાં પણ આ ભાઈશ્રી તો માથે છેડા વગરની સાદી ધોળી પાઘડી બાંધતા હોવાથી બહુ શોભતા. વળી સૌથી આગળ આસન ને ધ્યાનસ્થ બેસવાની ટેવ, તેથી એમના સામું ઘણા સંતો જોઈ રહેતા. સામેના ભાગમાં મોટા મોટા સદ્ગુરુઓ ગાદી-તકિયે બેઠેલા અને પાછળ ઘણા સંતોની ભીડ, આમ દિવ્યસભા શોભી રહી હતી. ત્યાં ધર્મધુરંધર આચાર્યશ્રી કેશવપ્રસાદજી મહારાજ સભામાં પધાર્યા. તે વખતે પણ સભામાં કચ્છી સંઘે પુષ્પના હાર પહેરાવી એક પછી એક દર્શન કર્યાં. જ્યારે ભાઈશ્રી દર્શન કરવા ઊઠ્યા ત્યારે સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ આચાર્યશ્રીને આ મુક્તરાજની સમાધિની તથા સદ્ગુરુ ધ્રુવાનંદ સ્વામી ધામમાં પધાર્યા તે સમયની, પાસે ઊભા રહી વાત કરી ઓળખાણ પડાવી, તેથી આચાર્ય મહારાજ બહુ રાજી થયા ને ભાઈશ્રીને તેમણે મોટો હાર પહેરાવ્યો. આ રીતે ભરસભામાં સન્માન થતાં કચ્છી સંઘમાં આ સૌથી મોટા છે, એમ સૌને જણાઈ ગયું. પછી તો ગુજરાતી હરિભક્તોના પ્રેમમાં શું કહેવું? મોટા નાના હરિભક્તો હાર લઈ લઈને આવે, આચાર્યશ્રીને પહેરાવે, સ્વામીશ્રીને પહેરાવે અને કોઈ કોઈ તો ભાઈશ્રીને પણ પહેરાવવા લાગ્યા. આ મુક્તરાજ તો અંતર્વૃત્તિએ મૂર્તિ સામું જોઈને બેસી રહ્યા હતા. કોઈ વખત નેત્ર ઉઘાડી સભા સામું જુએ તો જાણે અમૃતનજર કરતા હોય તેમ દૃષ્ટિ કરી પાછા ધ્યાનમાં ઊતરી જાય. બેત્રણ કલાક આ રીતે સભામાં સૌને દર્શન થતાં હતાં. પછી કથાવાર્તાની સમાપ્તિ થઈ, ત્યારે સંઘ ઠાકોરજી જમાડવા ગયો. ભાઈશ્રી તો થોડાક હરિભક્તો સાથે સ્વામીશ્રીને આસને આવ્યા. થોડી વાર થઈ ત્યાં તો સ્વામીના આસને મોટા મોટા હરિભક્તો એક પછી એક આવતા ગયા, તેમને સ્વામીશ્રીએ આ મુક્તરાજના મહિમાની ખૂબ વાતો કરી કે, ‘આ ભાઈશ્રી બહુ સમર્થ છે ને ચમત્કારી છે,’ ‘તમારાં મોટાં ભાગ્ય કે આ સમૈયામાં એમનાં દર્શન થયાં. હું તો આ પુરુષની ક્યારનીય વાટ જોતો હતો. અમારે કચ્છમાં પણ ઘણુંખરું તો આવા મોટાને રાજી કરવા સારુ જ જવાય છે. આવા મુક્તદ્વારે મહારાજે કલ્યાણ સુગમ કર્યું છે. આ ટાણે અનંત જીવને મૂર્તિના સુખમાં મેલી દેવા એ કામ આવા મોટા મુક્ત કરે છે.’ એમ વાતો કરી. એ વખતે સ્વામીશ્રીના આસને પુરાણી સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજી તથા પુરાણી જશોદાનંદનદાસજી તથા પુરાણી મુકુંદજીવનદાસજી, સ્વામી માધવજીવનદાસજી તથા પુરાણી ઘનશ્યામજીવનદાસજી, પુરાણી વૃંદાવનદાસજી, સ્વામી ભગવત્ચરણદાસજી, સ્વામી યજ્ઞપુરુષદાસજી, બ્રહ્મચારી નિરંજનાનંદ સ્વામી તથા મૂળીવાળા સ્વામી બાળકૃષ્ણદાસજી તથા મોટેરાવાળા સ્વામી ધર્મકિશોરદાસજી આદિ તથા માણસાના નરસીભાઈ, કુકડિયાવાળા દામોદરભાઈ, શેઠ ચીમનલાલભાઈ, ઉપરદળના રામજીભાઈ વગેરે ઘણા હરિભક્તો બેઠા હતા. તે સર્વેને ભાઈશ્રી મહાસમર્થ મુક્ત છે એમ જણાઈ ગયું.