૫૮૧ - સુખપુરની પારાયણમાં પધાર્યા
આ વખતે સુખપુરમાં ‘સત્સંગિભૂષણ’ દ્વિતીય અંશની કથા બેઠી હતી, પણ બાપાશ્રીને શરીરમાં પરિશ્રમ બહુ પડ્યો હોવાથી પોતે સમાપ્તિને આગલે દિવસ ત્યાં પધાર્યા ને ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી સભામાં બેઠા. એ જોઈ સહુને આનંદનો પાર રહ્યો નહિ. થોડી વારે આરતી થયા પછી મહારાજની પાલખી ગાજતેવાજતે ગામમાં ફરવા નીકળી એટલે સૌ હોંશભર્યા ઉત્સવ કરવા લાગ્યા. મોડેથી વાડીઓમાં પણ ગરબીઓ ગવાતાં ચારે તરફ કિલ્લોલ થઈ રહ્યો. એ પારાયણમાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજી ભૂજથી દર્શન કરવા આવ્યા. તેમને હેડકી બહુ આવતી હોવાથી બાપાશ્રીને પોતાની પાસે બોલાવીને તે કહેવા લાગ્યા જે, ‘બાપા! હવે દેહ મુકાવવાનું મંગળાચરણ કરી દીધું લાગે છે; પૂર્ણાહુતિ ક્યારે થશે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘હજી બાર મહિના ઉતાવળા થાઓ મા. હેઠું મન રાખી ઠાકોરજીની સેવા કરો.’ ત્યારે તે કહે, ‘એટલી બધી આઘી મુદત કેમ પાડી!’ –એમ કહેતાં જરા ઉદાસી જણાવી, તેથી બાપાશ્રીએ તેમની પાસે મહારાજના મહિમાની ઘણી વાર વાતો કરી રાજી કર્યા ને સંતો પાસે તેમની પ્રશંસા કરી જે, ‘આવા બ્રહ્મચારી સત્સંગમાં ખોળ્યા જડે એવા નથી,’ -એમ કહી થોડી વાર પોઢ્યા. બીજે દિવસે સવારમાં બાપાશ્રી નિત્યવિધિ કરી સભામાં આવ્યા, ત્યારે કથા ચાલતી થઈ, તે ઠેઠ સમાપ્તિ થઈ ત્યાં સુધી પોતે બેઠા. પછી સંત-હરિભક્તોની પંક્તિમાં સહુને દર્શન દઈ ઠાકોરજીને જમાડી પાછા વૃષપુર પધાર્યા.