૩૯૫ - છત્રીએ પારાયણ તથા સંતોને રજા
હવે પોતાની પાસે મૂળીના સંતો અને કરાંચીના હરિભક્તો હતા, તેમને દેશમાં જવાની રજા આપવાનો વિચાર કરી બાપાશ્રીએ તેમને વધુ રાજી કરવા વચનામૃતની કથા કરવાનું નિમિત્ત કરી કહ્યું કે, `મારે છત્રીએ એક પારાયણ વંચાવવી છે, તેથી ત્યાં આવી સહુ પારાયણ વાંચો ને ઠાકોરજીના થાળ પણ ત્યાં કરશું.’ આથી સંતો રાજી થયા. પછી બીજે દિવસ સવારમાં વહેલા પરવારી સીધું-સામગ્રી ગાડામાં મોકલાવી સંતોએ સહિત પોતે છત્રીએ પધાર્યા. ત્યાં સંતોને વચનામૃતનાં છૂટાં છૂટાં પાનાં લઈ કથા કરવાનું કહ્યું ને પોતે વચનામૃતની ચંદન-પુષ્પથી પૂજા કરી સહુની પૂજા કરવા ઊઠ્યા, પણ સૌને પુસ્તક તથા બાપાશ્રીની પ્રથમ પૂજા કરવાનો આગ્રહ હોવાથી ચંદન-પુષ્પ ને કુંકુમથી વચનામૃતનું પૂજન કરી બાપાશ્રીની પણ એ જ રીતે પૂજા કરી. પછી બાપાશ્રીએ પણ સંત-હરિભક્તોને ઊભા થઈ ચંદન ચર્ચી ચાંદલા કર્યા, એટલે કથા ચાલતી થઈ ને પોતે વચમાં ધ્યાને યુક્ત બેઠા. સંત-હરિભક્તો વચનામૃત વાંચતા જાય ને ઘડી ઘડી આ અનાદિ મુક્તરાજ સામું જોતા જાય, પણ બાપાશ્રી તો એ વખતે ધોતિયાભર ઉઘાડે શરીરે બેઠેલા, ભાલમાં ચંદન ને કંઠમાં હજારી ફૂલના હારથી શોભતા ધ્યાનમાં ઊતરી ગયા હતા, ઘણી વાર એમ ને એમ બેસી રહેલા, તેથી સૌને એમ જે, ‘આજ અહીં થાળ કરવાના છે ને બાપાશ્રીને તો જાણે એ વાતની યાદી જ ન હોય તેમ બેઠા છે.’ આ રીતે વચનામૃત બધાં વંચાઈ રહ્યા ત્યાં સુધી ધ્યાનસ્થ દર્શન દીધાં. પછી સમાપ્તિ થઈ, ત્યારે પોતે સૌને કુંકુમના ચાંદલા કરતાં બોલ્યા જે, `તમે સહુએ પારાયણ વાંચી ને અમે તમને અક્ષરધામના ચાંદલા કર્યા, હવે કરીએ આરતી, પછી કરો થાળ એટલે મહારાજ જમે,’ –એમ કહી વચનામૃતની પૂજા કરી, આરતી ઉતારી તે વખતે સૌ દંડવત્ કરી મળ્યા. પછી થાળ તૈયાર કરવા માંડ્યો, પણ ઘણી વાર લાગતાં પોતે હરિભક્તોને પાણી લાવવાનું, શાક સુધારવાનું વગેરે કામ દેખાડતા સંતો પાસે બેઠા. કોઈ હરિભક્તો બળતણ લાવે તો કોઈ લોટ, ગોળ, ઘી, આદિ સામાન જોઈ જોઈ સંતોને આપે. એમ કરતાં થોડી વારમાં શીરો, સુખડી ને શાક તથા ખીચડી વગેરે તૈયાર થતાં ઠાકોરજીને થાળ જમાડ્યો. પછી પંક્તિ કરવાનો સમય થયો, ત્યારે બહુ જ પવન વાવા માંડ્યો, તેથી સંતો ફરતું વળાવી પાણી છાંટવા લાગ્યા, એ જોઈ પોતે રમૂજ કરી કે, ‘પ્રથમના સંતો તળાવની ખડ્પલીઓ જમતા ને તમારે તો વાયુએ કરીને રજ ઊડે તેય નથી ફાવતી.’ –એમ કહીને બોલ્યા જે, ‘તમે ઠીક કર્યું. પાણી છાંટવાની ના નથી, પણ આ તો હું તમને આગળના સંતોની વાત સંભારી દઉં છું. પછી સંતોએ ઠાકોરજી જમાડ્યા ને હરિભક્તો આવેલ હતા, તેમને પણ સુખડી, શીરો ને શાક વગેરે જમાડી બહુ જ રાજી કર્યા; પછી જે સામાન વધી પડ્યો હતો, તે પાછો ઘેર મોકલાવી સંતોએ સહિત પોતે મંદિરમાં આવ્યા ને રાત્રે કથાવાર્તા થયા પછી સૌને બીજે દિવસ નારાયણપુર જવાની આજ્ઞા કરી કહ્યું કે, ‘ધનજીભાઈને તાણ ઘણી છે, માટે તમે ત્યાં બે દિવસ રહી તેમને રાજી કર્યા પછી ભૂજ થઈ ત્યાંથી દેશમાં જજો.’ સંતોએ જાણ્યું જે, ‘હવે સ્વામી શ્રી આદિને તેડાવ્યા છે, તે આવવાના હશે એટલે આપણને રજા આપે છે. આ વખતે આપણને સુખ આપવામાં તાણ રાખી નથી તેથી હવે રહેવાનું તો કહેવાય નહિ. આમ વિચાર કરતાં સૂતા ને સવારે નાહી, પૂજા કરી ઠાકોરજીને જમાડી બાપાશ્રીને મળીને સહુ નારાયણપુર ગયા. તે વખતે પોતે સહુની પૂજા કરી ગામના હરિભક્તોએ સહિત વળાવવા જઈ ઘણી પ્રસન્નતા જણાવી.