૩૯૨ - સામાત્રાની પારાયણમાં સંતો આવ્યા
ત્યાર પછી વૈશાખ માસમાં ગામ સામત્રામાં ‘શિક્ષાપત્રીભાષ્ય’ની કથાપ્રસંગે ત્યાંના હરિભક્તોના આગ્રહથી બાપાશ્રી સામત્રે પધાર્યા હતા, ત્યાં અમદાવાદના પુરાણી હરિપ્રસાદદાસજી તથા મૂળીના સાધુ શ્વેતવૈકુંઠદાસજી, ગોપીવલ્લભદાસજી, દેવજીવનદાસજી આદિ સંતો ભૂજ આવેલા, તેમને ત્યાં જ ખબર પડવાથી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી સાથે એ સર્વે સામત્રે આવ્યા ને ચોકમાં ચંદની નીચે કથા વંચાતી હતી ત્યાં સૌએ મહારાજનાં દર્શન કર્યા. પછી સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી સભામાં બેઠા હતા ત્યાં પણ ‘જય સ્વામિનારાયણ’ કર્યા. એ ટાણે બાપાશ્રી સૌને બેઠા બેઠા મળ્યા ને બહુ પ્રસન્નતા જણાવી, પછી સહુ સભામાં બેઠા. આ વખતે સંતો હોંશભર્યા આવેલા તેથી વારે વારે એ સર્વે બાપાશ્રી સામું જુએ ને બાપાશ્રી થોડી વાર થાય ને તેમના સામી કૃપાદૃષ્ટિ કરે. આમ પ્રસન્નતા જણાવતા જોઈ સંતો ઘણા રાજી થતા. પછી જ્યારે કથાની સમાપ્તિ થઈ રહી ત્યારે બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને બાપાશ્રીએ કહ્યું કે, ‘બ્રહ્મચારી મહારાજ! મોડા આવ્યા છો તે હરિભક્તોને વાતો કરો’ આમને તો આજ્ઞાની જ વાર હતી તેથી ‘હરે મહારાજ!’ એમ બોલતાંની સાથે શ્રીજીમહારાજના અદભુત પ્રતાપ ને દિવ્ય ચરિત્રોની એવી વાતો કરવા મંડ્યા કે સભામાં સૌને શાંતિ શાંતિ થઈ ગઈ. થોડી વારે હરિભક્તોને જમવાનો સાદ થયો ત્યારે સહુ જમવા ઊઠયા. એ ટાણે બ્રહ્મચારી તથા મૂળીના સંતો, હેતે સહિત બાપાશ્રી તથા સંતોને પરસ્પર દંડવત્ કરી મળ્યા. પછી બાપાશ્રી કહે ‘તમે આ ફેરે ઠીક આવી પહોંચ્યા, અમે તમને હમણાં જ સંભાર્યા હતા.’ એમ પ્રસન્નતા જણાવી.
આ પારાયણમાં સવાર-સાંજ સભામાં પ્રસાદી વહેંચવા માટે હરિભક્તોએ ખારેક, મગફળી ને ટોપરાંની ગૂણો ભરાવેલી તૈયાર રાખી હતી, તેમાંથી બાપાશ્રીને હાથે રોજ ખોબા ભરી ભરીને સૌને પ્રસાદી વહેંચાતી, તેમ જ નવા નવા હેતે સંત-હરિભક્તો કથા સાંભળતા તથા બાપાશ્રીને રાજી કરતા. છેલ્લે દિવસ સમાપ્તિ વખતે પણ સૌએ ઉમંગભર્યા કીર્તન બોલી ભારે ધામધૂમ કરી હતી. છેલ્લે દિવસે પંક્તિ વખતે દર્શનદાને સૌને રાજી કરતા ને મોક્ષનું વરદાન આપી રાજીપો જણાવતા બાપાશ્રી જ્યારે વૃષપુર જવા તૈયાર થયા ત્યારે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી કહે ‘બાપા! તમારે આમ ને આમ પહેલાં ભૂજ પધારવાનું છે. ભોગીલાલભાઈએ મને કહ્યું છે કે, બાપાશ્રીને મારી વતી પ્રાર્થના કરજો કે સામત્રેથી પાધરા અહીં આવે, પછી વૃષપુર જાય. મેં પૂછ્યું કે, હું શું કહું? તો કહે, એ કહ્યા વિના બધુંય જાણે છે.’ એવાં તેમનાં વિનયવચન સાંભળી સંતો સાથે બાપાશ્રી ભૂજ આવ્યા; ત્યાં ભોગીલાલભાઈનાં માતૃશ્રીને મંદવાડ હોવાથી બાપાશ્રીનાં દર્શનની તાણ હતી તથા એ નિમિત્તે પોતાને ઘેર રસોઈ કરાવી સંતોને તથા બાપાશ્રીને જમાડવા હતા, તેથી બીજે દિવસ સંતોને ઘેર બોલાવી જમાડ્યા ને વસ્ત્રો ઓઢાડ્યાં. એ વખતે બાપાશ્રી ભૂજમાં બે દિવસ રહી, પોતાની સાથે મૂળીથી આવેલા સંતો અને પુરાણી કેશવપ્રિયદાજી તથા કરાંચીથી આવેલ લાલુભાઈ, મહાદેવભાઈ આદિ હરિભક્તોના સંઘને ભેળા લઈ વૃષપુર આવ્યા.