૨૩૫ - બ્રહ્મચારી નિર્ગુણાનંદજીનો પ્રેમ
સાંજના સદ્ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજીએ સૌને આઠ દિવસ રોકાવાનો આગ્રહ કર્યો, ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી, સંતો ભલે રોકાય ને હું કાલે જાઉં;’ પછી સ્વામી કહે, ‘ભૂજના હરિભક્તોને તાણ ઘણી છે, તેથી સંતો ભેળા તમે પણ રોકાઈ જાઓ તો બધાયને લાભ મળે.’ આમ કહ્યું તેથી બાપાશ્રી કાંઈ બોલ્યા નહિ. બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીના જોગ-સમાગમે આ અનાદિ મુક્તરાજનો મહિમા વધતો જતો હતો એટલે વધુ લાભ લેવા તેમણે સદ્ગુરુઓ પાસે પ્રાર્થના કરવા માંડી જે, ‘સ્વામી! બાપાશ્રીને જવા ન દેજો; પ્રેમદોરી તમારા પાસે છે તેથી એ કેવી રીતે જઈ શકશે? તમારે એ પ્રેમદોરી કામમાં ન આવતી હોય તો પછી મને આપજો.’ એમ રમૂજ કરી. બ્રહ્મચારીનાં આવાં હેતનાં વચનથી બન્ને સદ્ગુરુઓ રાજી થઈ ગયા ને બાપાશ્રીને એ વાત કરી, તેથી તેમણે પણ એમની પ્રશંસા કરી ને રહેવાનું નક્કી કર્યું, એટલે નાનામોટા સંત-હરિભક્તો પણ રાજી થયા ને દર્શન, સેવા તથા જોગ-સમાગમનો લાભ લેવા લાગ્યા. પછી તો જ્યારે જુએ ત્યારે બાપાશ્રી સભામાં બેઠા જ હોય. જો સભામાં ન હોય તો આસને હોય. બપોરના મંદિરની વાડીએ નાહવા જાય, પણ જ્યાં એ હોય ત્યાં હરિભક્તો વારાફરતી બેઠા જ હોય. બાપાશ્રી તેમનાં આવાં હેત જોઈને બહુ રાજી થતા. સવારની સભા ભરાય ત્યારે બહુધા સંતો જ વાતો કરતા ને પોતે તો ધ્યાને યુક્ત બેઠા હોય, પણ બપોર પછી આસને અથવા છેલ્લી સભામાં રાત્રે કોઈ કોઈ વાર વાતો કરતા.