૨૪૫ - મહારાજના મહિમાની વાતો

0:000:00

એક દિવસ સ્વામીશ્રીના આસને પ્રાણશંકરભાઈ આદિ થોડા હરિભક્તો બેઠા હતા, ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, ‘આજ સત્સંગમાં શ્રીજીમહારાજના હજૂરી મુક્ત એવાં જબરા છે કે, દૃષ્ટિમાત્રે જીવને મહારાજના સુખમાં મેલી દે છે. જો આવી સભામાં દિવ્યભાવ આવે તો છતે દેહે ધામમાં બેઠા છીએ, એવું થઈ જાય. આ સભા સર્વે અક્ષરધામની છે, એવો મહિમા સમજાય તો માયાનો પડદો ન રહે.’

એક દિવસ સભામાં થોડા હરિભક્તો બેઠા હતા, તેમની આગળ પોતે વાત કરી જે, ‘જુઓને! મોટા સંતોએ કેવા ચમત્કારિક શાસ્ત્રો લખ્યા છે! કથા થઈ તેમાં નકરું મહારાજનું જ વર્ણન આવતું. એમનાં ચરિત્ર, લીલા તથા અદભુત પ્રતાપ જોતાં 'અહો! અહો!' થઈ જાય એવું છે. સંતોએ જીવના કલ્યાણ સારુ કેવા કેવા દાખડા કર્યા છે, તોય જીવને મહિમાની ખબર નહિ; તેથી જ્યાંત્યાં માથાં ભટકાવે ને જેનાતેના વિશ્વાસ કરે, એ તો સાવ અજ્ઞાન કહેવાય. જો મહારાજની મોટપ હાથ આવે તો કોઈનો ભાર રહે જ નહિ; કેમ કે શ્રીજીમહારાજની કોઈ જોડ નથી, તેમ કોઈની ઉપમા ન દેવાય એવી એ અલૌકિક દિવ્ય મૂર્તિ છે. એવો મહિમા ન સમજાય ત્યાં સુધી બંધુય કાચું.’

એક દિવસ પોતાની પાસે સમલા ગામના નાગભા તથા બળોલના ઠાકરશીભાઈ અને બીજા ઘણા હરિભક્તો બેઠા હતા, તે સામું જોઈને બાપાશ્રી એમ બોલ્યા જે, ‘મહારાજ ને મુક્ત આજ સ્વાન્ત વરસાવે છે. એ જોગમાં તમે આવી ગયા તે તમારાં બહુ મોટા ભાગ્ય થયાં.’ એ વખતે નાગભાના મનમાં સંકલ્પ થયો કે, બાપાશ્રીને મારે મળાણું નહિ. તે સંકલ્પ જાણી પોતે ઊઠીને મળ્યા, ત્યારે તે કહે, ‘બાપા! બહુ દયા કરી મારો સંકલ્પ પૂરો કર્યો.’